Home Current વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી શું કરી માંગણી? :...

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી શું કરી માંગણી? : સરકાર વતી ભા.જ.પે શું આપ્યો જવાબ?

1143
SHARE
રાજ્યમાં ભાજપ સરકાર નિષ્ફ્ળ રહી હોવાના આક્ષેપ સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે પરેશ ધાનાણીએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર બહેન-દીકરીઓ પર પોલીસ દ્વારા થયેલ અમાનુષી અત્યાચાર અંગે જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા અને આંદોલનકારીઓ ઉપરના દેશદ્રોહ તથા અન્ય ખોટા પોલીસ કેસ પરત ખેંચવાની જાહેરાત બાબતે હજુ સુધી કોઈ સરકારે કોઈ નિર્ણય લીધો નથી ચૂંટણી અગાઉ ફી નિર્ધારણ કાયદાની જાહેરાત કરાયા બાદ ફી ઘટાડવાના વાયદાનો વચનભંગ થયો છે જેથી ખાનગી શાળાઓમાં ફી નિયત્રંણ કાયદાનું પાલન નથી થતું તે ઉપરાંત નર્મદાના સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યાઓ જેવી બાબતે ચર્ચા થવી જોઈએ આ માટે વિશેષ સત્ર બોલાવવું જોઈએ.
વિરોધ પક્ષના નેતાએ લખેલા પત્રનો જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડ્યાએ વિધાનસભાસત્ર બોલાવવા માટેની માંગણી સામે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચાવવાના અને દેખાડવાના દાંત જૂદા છે. ગયા સત્રમાં વિધાનસભા ગૃહમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે સતત હંગામો, ગાળાગાળી, મારામારી કરીને લોકશાહીને કલંક લગાડે તેવા કૃત્યો કોંગ્રેસે વિધાનસભા ગૃહમાં કર્યાં છે અને તેના દૃશ્યો ગુજરાતની જનતાએ ટી.વી.ના માધ્યમથી જોયાં છે. કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો અને તેના સમાધાનમાં રસ નથી. માત્રને માત્ર વર્ગવિગ્રહ અને અરાજકતા ફેલાવવામાં રસ છે. કોંગ્રેસને કયારેય પ્રજાની વચ્ચે જવું નથી. વિધાનસભા કે લોકસભા ચાલુ હોય ત્યારે કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો ગૃહમાં પુછવા નથી અને સરકારની પ્રજાહિતની યોજનાઓની માહિતી આપવા દેવી નથી. લોકસભામાં પણ સતત તોફાનો કરીને સંસદને ઠપ કરી કોંગ્રેસે લોકશાહીને શરમાવે તેવા કૃત્યો કરીને પ્રજાના કરોડો રૂપિયા બરબાદ કર્યાં હતાં. હવે, વિધાનસભાનું વિશેષ સત્ર ક્યા મોઢે બોલાવવાની માંગણી કરે છે? શ્રી પંડ્યાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય પ્રજા પાસે જતી નથી અને કોઈપણ સેવા કાર્યો કરવાને બદલે માત્ર નડતરની ભૂમિકા ભજવે છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ભાજપ સરકાર દ્વારા દેશનું સૌથી મોટું અને લાંબુ જળસંગ્રહ અભિયાન સતત એક મહિનો ચાલ્યું. તેમાં સરકાર, ધાર્મિક-સામાજીક સંસ્થાઓ અને લોકો દ્વારા જનભાગીદારીથી ઐતિહાસિક રીતે સફળ થયું. આવા ધોમધખતાં તાપમાં પણ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ આ સુઝલામ-સુફલામ જળઅભિયાનમાં જોડાયાં. પરંતુ કોંગ્રેસનો કોઈપણ નેતા આવા પ્રજાના અતિ મહત્વના સેવા કાર્યમાં જોડાયા નહીં અને માત્ર જૂઠ્ઠા આક્ષેપો દ્વારા નડવાના જ પ્રયાસો કર્યાં. એટલે ગુજરાતની જનતા કોંગ્રેસના આ નકારાત્મક સ્વરૂપને જાણી ચુકી છે.