આપણા સૌના શૈક્ષણિક કાર્યકાળ દરમ્યાન તબક્કાવાર શિક્ષકોએ એક ગુરુ તરીકે આપણા જીવનનું ઘડતર કર્યું છે. શિક્ષક હમેંશા સમાજ માટે માર્ગદર્શક ની ભૂમિકા ભજવે છે. ૫ મી સપ્ટેમ્બર શિક્ષકદિન પ્રસંગે કચ્છ ના શિક્ષકોએ સમાજસેવાના પોતાના માનવીય અભિગમ તરીકે પ્રેરક કાર્ય દ્વારા સમાજને એક પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠન અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા ડાયાલીસીસ કરાવતા કિડનીના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. ભુજની લાયન્સ હોસ્પિટલના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પ મા ૨૩૨ શિક્ષકોએ રક્તદાન કર્યું હતું. કુલ ૨૩૨ બોટલ ૮૧૨૦૦ સીસી લોહી એકઠું થયું હતું.
છ મહિના સુધી લાયન્સ હોસ્પિટલમાં રક્તદાન બનશે દર્દીઓ માટે લાઈફલાઈન
લાયન્સ ક્લબ ભુજનાં પીઆરઓ અભય શાહે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા શિક્ષકો દ્વારા કરાયેલા માનવતાના કાર્યને બિરદાવ્યું હતું. ભુજની લાયન્સ હોસ્પિટલમાં દર મહિને ૪૦ બોટલ લોહીની જરૂરત પડે છે એવું કહેતા અભય શાહે જણાવ્યું હતું કે ૨૩૨ બોટલ લોહી છ મહિના સુધી દર્દીઓને નવું જીવન આપવામાં મદદરૂપ થશે. ભુજ તાલુકાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના રક્તદાન થી પ્રભાવિત થઈને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી, જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ પરમારે પણ રક્તદાન કર્યું હતું. શિક્ષકોના માનવીય અભિગમ ને બિરદાવવા ભુજ તાલુકા પંચાયત પ્રમુખ હરીશ ભંડેરી, પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, નિલેશ ગોર, હરિસિંહ જાડેજા, ભુપેશ ગોસ્વામી અને અન્ય શિક્ષક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોતાની ફરજ દરમ્યાન ‘વિદ્યાદાન’ કરતા ગુરુજનોએ સામાજિક ફરજ નિભાવતા ‘રક્તદાન’ નો પ્રેરક ગુરુમંત્ર આપીને સાચા અર્થ મા શિક્ષકદિન ઉજવ્યો.