Home Crime હા,મેં કરાવી જેન્તી ભાનુશાલીની હત્યા,છબીલનો ધડાકો – છબીલને કચ્છ લઈ અવાશે,બીજા મોટા...

હા,મેં કરાવી જેન્તી ભાનુશાલીની હત્યા,છબીલનો ધડાકો – છબીલને કચ્છ લઈ અવાશે,બીજા મોટા માથાની સંડોવણી?જાણો વિશેષ

9101
SHARE
છબીલ પટેલની અટકાયત, પૂછપરછ અને ધરપકડના સમાચારોએ સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં પણ ભારે ઉત્તેજના અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે. આ સમાચાર કચ્છમાં સૌ પ્રથમ બ્રેક કરનાર વેબ પોર્ટલ ન્યૂઝ4કચ્છ કચ્છ અને કચ્છ બહાર રહેતા હજારો કચ્છી વાંચકોનુ સૌથી વધુ વિશ્વાસુ લોકપ્રિય વેબ સમાચાર માધ્યમ છે. છબીલની અમદાવાદ એરપોર્ટ ઉપરથી સીટ ની પોલીસ ટીમે અટકાયત કર્યા બાદ આજે સવાર થી જ કચ્છી માડુઓ માં ઉત્તેજના સાથે પોલીસ પૂછપરછ માં શું માહિતી બહાર આવે છે તેની ચર્ચા અને ઉત્સુકતા વર્તાઈ આવતી હતી. કચ્છના રાજકીય ઇતિહાસમાં પ્રથમ જ વાર લોહિયાળ બનેલા રાજકીય વેરઝેર સાથેની હત્યાના આ કલંકિત કેસ વિશે પોલીસની પૂછપરછમાં આવેલી માહિતી વિશે જાણીએ.

પોલીસની પૂછપરછમાં છબીલનો ધડાકો, હા હત્યામાં છે મારો હાથ

રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે તમામ મીડીયામાં સવાર થી જ છબીલ પટેલની અટકાયત ના સમાચારો હાઇલાઇટ માં રહ્યા હતા. બપોરે સીઆઇડી ક્રાઇમના ડી.જી. આશિષ ભાટિયાએ અમદાવાદમાં આપેલી સત્તાવાર માહીતી અનુસાર પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે એ કબુલ્યું છે કે, જેન્તી ભાનુશાલીની હત્યાના કાવતરામાં તેનો હાથ છે. અત્યાર સુધી માત્ર એફઆઈઆર અને અન્ય આરોપીઓની પોલીસ પૂછપરછમાં છબીલ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. સિનિયર પોલીસ અધિકારી શ્રી ભાટિયાના જણાવ્યા પ્રમાણે છબીલ પટેલે શાર્પ શૂટરો સાથે કરેલી બેઠક તેમ જ તેમને જેન્તી ભાનુશાલીની હત્યાની સોપારી આપી હોવાની વાતને કબૂલી લીધી છે. જે અનુસાર પહેલા જેન્તીભાઈના બંગલાની રેકી કરાઈ હતી બાદમાં ટ્રેન માં મારવાનું આયોજન કરાયું હતું. હત્યા ૭ મી જાન્યુઆરીના મધરાતે કરાઈ હતી પણ છબીલ પટેલ ૨ જી જાન્યુઆરીના મસ્ક્ત તેમ જ ત્યાંથી ૯ મી જાન્યુઆરીના અમેરિકા ચાલ્યો ગયો હતો. છબીલ ન્યુજર્સી માં પોતાની પુત્રીને ત્યાં રોકાયો હતો. હત્યામાં પોતાની સંડોવણી વિશે કબુલાત કરી ધડાકો કરનાર છબીલ પટેલ જેન્તી ભાનુશાલીની હત્યા બાદ પણ વ્હોટ્સએપ દ્વારા કચ્છમાં અને કચ્છ બહાર રહેતા તેમના પરિચિતો સાથે સંપર્કમાં હોવાનુ ખુલ્યા બાદ પોલીસે તે સંપર્કો વિશે પણ માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. જોકે, પોલીસ દ્વારા છબીલની વિધિવત ધરપકડ આજે સાંજે કરાઈ છે. જેન્તીભાઈની હત્યાના બરાબર ૬૫ દિવસ પછી ૧૪ મી માર્ચે ઝડપાયેલા છબીલ પટેલને પોલીસ ૧૫ માર્ચ શુક્રવારના કચ્છ લઈ અવાશે. અહીં ભચાઉ કોર્ટમાં તેને રજૂ કરીને પોલીસ દ્વારા છબીલ પટેલના રિમાન્ડ માંગવામાં આવશે. સીઆઇડી ક્રાઇમના શ્રી ભાટિયા જણાવ્યાનુસાર પ્રાથમિક પૂછપરછમાં રાજકીય વેરઝેરને કારણે પોતે જેન્તી ભાનુશાલીની હત્યા કરવાનું ષડ્યંત્ર કર્યું હોવાની કબૂલાત છબીલે કરી છે. પોતાની સામે દિલ્હીમાં બળાત્કાર નો કેસ નોંધાયા બાદ જો પોતે જેલમાં જશે તો પોતાની સામે બીજા કેસ પણ નોંધાશે એવી બીક છબીલ પટેલને હતી. પણ હવે રિમાન્ડ મેળવ્યા બાદ છબીલ પટેલની સીટની ટીમના પોલીસ અધિકારીઓ દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવશે. અમેરિકા થી બે બેગ સાથે આવેલા છબીલની પોલીસે સીધી એરપોર્ટ પરથી જ અટકાયત કરી હતી. જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં મનીષા ગોસ્વામીનો હાથ હોવાનું અને તેની ધરપકડ હજી બાકી હોવાનું પોલીસે કહ્યું છે.

હજી એક મોટા માથાની સંડોવણી ખુલ્લી?

છબીલ પટેલની પૂછપરછ વચ્ચે સીઆઇડી ક્રાઇમ દ્વારા હજી એક મોટા માથાને કચ્છમાં થી ઉઠાવવામાં આવ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એકાદ દિવસમાં જ સીઆઇડી ક્રાઇમ દ્વારા એ રાજકીય મોટા માથાની ધરપકડ કરાય તેવી શકયતા છે. જોકે, જેન્તી ભાનુશાલી ના પરિવાર દ્વારા લખાવાયેલી એફઆઈઆર માં કુલ પાંચ આરોપીઓ ના નામ હતા. જે પૈકી હવે કોની ધરપકડ થશે? તે જોવું રહ્યું. જોકે, મૃતક જેન્તીભાઈ ના પરિવારજનોએ સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયેલ સેક્સ સીડી, તેમ જ ઓડિયો કલીપ એડિટ કરાયેલ હોવાનો અને જેન્તીભાઈને બદનામ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ મીડીયા સમક્ષ તેમ જ પોલીસ એફઆઈઆર માં કરીને તપાસની માંગણી પણ કરી છે.

સિદ્ધાર્થ પટેલ ઉપર હજી મુશ્કેલીના વાદળો

છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ ની ધરપકડ કરી ત્રણ દિવસના તેના રિમાન્ડ મેળવ્યા બાદ આજે તેને ફરી ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા સિદ્ધાર્થ ના વધુ ૭ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પણ, કોર્ટ દ્વારા વધુ બે દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. હવે એક બાજુ જ્યારે છબીલ ના રિમાન્ડ માંગી પૂછપરછ કરાશે, બીજી બાજુ પુત્ર સિદ્ધાર્થ ના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરાઈ રહી છે. આમ, પિતા અને પુત્ર બન્ને અત્યારે પોલીસની કસ્ટડીમાં છે, ત્યારે બન્ને ની પૂછપરછમાં નવા કડાકા ભડાકા પણ થવાની શકયતા છે.