Home Current બે દિ’માં કચ્છમાં ભારે વરસાદ – રાપર ૨૦ ઇંચ, ભચાઉ, માંડવી, અબડાસા...

બે દિ’માં કચ્છમાં ભારે વરસાદ – રાપર ૨૦ ઇંચ, ભચાઉ, માંડવી, અબડાસા નખત્રાણા ૧૬, મુન્દ્રા ૧૨, ભુજ ૧૦ – બસ ટ્રેન વ્યવહારને અસર

3815
SHARE
[google-translator]

સતત બીજા દિવસે કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ઘણી જ રાહ જોવડાવ્યા બાદ કચ્છમાં હેત વરસાવનાર મેઘરાજાએ સમગ્ર કચ્છને પાણી પાણી કરી મૂક્યું છે શુકવારે પૂર્વ કચ્છમાં ધોધમાર વરસેલા વરસાદે આજે શનિવારે પણ પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર અને નખત્રાણામાં તોફાની બેટિંગ કરી હતી તો, અન્ય તાલુકાઓ માંડવી, મુન્દ્રા, ભુજ અને લખપતમાં મેઘરાજાએ સતત બીજા દિવસે પણ સંગીન બેટિંગ કરી હતી અને ક્યારેક જોરદાર તો કયારેક ધીમો વરસાદ વરસતો રહ્યો હતો આંકડાકીય રીતે વાત કરીએ તો આજે શનિવાર તા/૧૦/૮ ના સવારે ૬ થી રાત્રે  ૧૦ વાગ્યા સુધીમાં ભુજ જિલ્લા કલેકટર કચેરીમાં નોંધાયેલો વરસાદ આ પ્રમાણે છે. પ્રથમ વરસાદ મીમી માં (૨૫ મીમી = ૧ ઇંચ) શનિવારનો તા/૧૦/૮ નો છે, બાજુમાં શુક્ર અને શનિવાર બે દિવસનો વરસાદ છે, જે ઇંચમાં છે) *રાપર ૨૧૫ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૨૦ ઇંચ) , *ભચાઉ ૧૦૮ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૬ ઇંચ) *ગાંધીધામ ૯૦ મીમી, (*શુક્ર+શનિ બે દિવસમાં ૧૩ ઇંચ) માંડવી ૬૬ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૫ ઇંચ)*મુન્દ્રા ૫૦ મીમી, (શુક+શનિ બે દિવસમાં ૧૨ ઇંચ) *ભુજ ૬૩ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૦ ઇંચ)*નખત્રાણા ૧૮૦ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૫ ઇંચ) *અબડાસા ૧૩૩ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૭ ઇંચ) *લખપત ૮૭ મીમી, (શુક્ર+શનિ બે દિવસમાં ૧૧ ઇંચ).

જોકે, હજીયે જે રીતે વરસાદી માહોલ છે, અને આગાહી પણ છે, તે જોતા લાગે છે કે, હજીયે રવિવારે વરસાદ પડશે દરમ્યાન કચ્છના અનેક વિસ્તારો રાપર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, કોઠારા, માંડવીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ મીઠી સહિત અન્ય ડેમ, વિવિધ ગામના તળાવો ઓગની ગયા છે, અને કેટલાક ઓગની જવાની તૈયારીમાં છે ત્યારે ડેમની આજુબાજુના અનેક ગામોને જરૂર પડ્યે ખાલી કરવા માટે તૈયાર રહેવા જણાવાયું છે તો, વહીવટીતંત્ર દ્વારા ડિઝાસ્ટર ટીમ મારફતે અત્યાર સુધી ૫૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરાવાયું છે  અને જરૂર પડ્યે એનડીઆરએફ ની ટીમની મદદ લેવાની તૈયારી પણ રાખી છે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલ પડેલા ધોધમાર વરસાદ અને હજીયે ભારે વરસાદની શક્યતાને પગલે લોકોને સલામતીના પગલાં માટે જાગૃત અને સાવચેત રહેવા જાહેર અપીલની એક ઓડિયો કલીપ પણ સોશ્યલ મીડીયા દ્વારા વહેતી કરાઈ છે.
જોકે, ભારે વરસાદ વચ્ચે આજે દિવસભર કચ્છમાં બીએસએનએલ તેમજ જિયોના મોબાઈલ ફોન ઠપ્પ થઈ ગયા હતા બીએસએનએલના ફોન બંધ રહેતા સરકારી કચેરીઓનો સંપર્ક કરવો લોકો માટે મુશ્કેલ બન્યો હતો.

કચ્છ મુંબઈ વચ્ચે ટ્રેનો બંધ, છેલ્લી ઘડીએ કરાયેલી જાહેરાતથી પ્રવાસીઓ હેરાન

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે કચ્છનો સૌરાષ્ટ્ર, અમદાવાદ અને દક્ષિણ ગુજરાત સાથેનો એસટી બસનો વ્યવહાર ખોરવાયો છે. મુંબઈ સાથેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હોવાના સમાચારો વચ્ચે કચ્છ મુંબઈ વચ્ચેના ટ્રેન વ્યવહાર વિશે પ્રવાસીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ભુજ રેલવે સ્ટેશને બન્ને ટ્રેનો રવાના થશે એવી માહિતી અપાતી હતી. પણ, છેક છેલ્લી ઘડીએ સાંજે ૭ વાગ્યે આજની શનિવારની કચ્છની બન્ને ટ્રેનો કચ્છ એક્સ., સયાજી, કેન્સલ કરવાનો પશ્ચિમ રેલવેએ નિર્ણય કરતા સેંકડો પ્રવાસીઓ વરસતા વરસાદમાં ભુજ, ગાંધીધામ રેલવે સ્ટેશને હેરાન થયા હતા. કચ્છ પ્રવાસી સંઘ દ્વારા સતત ફોલોઅપ કરાયા બાદ અમદાવાદ ડીઆરએમ પ્રકાશ ઝા એ ધ્રાંગધ્રા રેલવે ટ્રેકને થયેલા નુકસાનને કારણે ટ્રેન વ્યવહાર બંધ રહેવાની જાહેરાત કરી હતી એટલે આજે શનિવારે ૧૦/૮ ની મુંબઈથી ઉપડનારી સયાજી તેમ જ કચ્છ એક્સ. રદ્દ કરાઈ હતી. તેમ જ, રવિવારે તા/૧૧/૮ ના મુંબઈથી ભુજ આવતી સયાજી અને કચ્છ એક્સ. રદ્દ કરાઈ છે. જોકે, જે રીતે હજી ભારે વરસાદ છે એ જોતાં લાગે છે કે, ભુજ-મુંબઈ-ભુજ વચ્ચેના ટ્રેન વ્યવહારને હજી અસર પહોંચી શકે છે એટલે, અત્યારે પ્રવાસીઓ પૂરતી ઇન્કવાયરી કરીને નીકળે તે હિતાવહ છે દરમ્યાન ગઈકાલ અને આજે બે દિવસથી ગાંધીધામમાં વરસેલા ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન ઉપરાંત અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા.