Home Current કચ્છ જિલ્લા પંચાયતમાં કાશ્મીર મુદ્દે કોંગ્રેસી સભ્યો ભડકયા – ભાજપના ૧૧ સભ્યોની...

કચ્છ જિલ્લા પંચાયતમાં કાશ્મીર મુદ્દે કોંગ્રેસી સભ્યો ભડકયા – ભાજપના ૧૧ સભ્યોની ગેરહાજરી કે  નારાજગી? પ્રમુખ કોણ સોઢા કે પિંડોરીયા?

1143
SHARE
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ વખતે તોફાની બનશે એવો અંદાઝ તો હતો જ, પણ તેનું કારણ ભાજપના સભ્યોની નારાજગી હોવાનું ચર્ચામાં હતું. ડીડીઓ પ્રભવ જોશી અને જિલ્લા પંચાયતના બે સમિતિના મહિલા ચેરપર્સન સાથેનો વિવાદ મીડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા બાદ કચ્છ ભાજપમાં પણ રાજકીય ચર્ચાનો મુદ્દો બન્યો હતો. મહિલા ચેરપર્સનના પતિઓને જિલ્લા પંચાયતમાં કોઈ માહિતી નહિ આપવાનો ડીડીઓ એ આદેશ કર્યા બાદ સિંચાઈ સમિતિના ચેરપર્સન ભાવનાબા જાડેજાના પતિ પરેશસિંહ જાડેજા જાહેરમાં ડીડીઓની સામે આવી ગયા હતા. તેમણે આવા વર્તનને મહિલા ચેરપર્સનનું અપમાન ગણાવીને આરોગ્યના ફુલાબેન આહીરને પણ મળવાની ના પાડીને ડીડીઓ દ્વારા સન્માન ન જળવાયું હોવાનું આક્ષેપ કર્યો હતો. તો, ડીડીઓએ સિંચાઈ સમિતિના ચેરપર્સનની સરકારી ગાડી લઈ લેવાનો આદેશ કર્યો તે આદેશને પડકારીને ભાવનાબા પરેશસિંહ જાડેજાએ મુખ્યમંત્રી સુધી તેમજ પાર્ટી લેવલે જિલ્લા કક્ષાએ પણ ઉગ્ર રજુઆત કરી હતી. વળી, આજે સામાન્ય સભા પૂર્વે ભાજપની પાર્ટી મીટીંગ પણ હતી. જોકે, પાર્ટી મિટિંગમાં સભ્યોની નારાજગી સાંભળવામાં પક્ષના હોદ્દેદારોને રસ ન હોવાનો ગણગણાટ ભાજપી સભ્યોમાં સાંભળવા મળ્યો હતો. પણ, ધારદાર પ્રશ્નો અને પ્રેસનોટ મોકલનાર ભાજપના સભ્યો સામાન્ય સભામાં શિસ્તના નામે ચૂપ બેસી રહ્યા હતા. જોકે, સામે પક્ષે કોંગ્રેસ ભારે આક્રમક રહી હતી. ભાજપની નારાજગી સામે કોંગ્રેસે ટોણો મારતા ગેરહાજર સભ્યોની સંખ્યા જાણવા માંગી હતી. જેમાં ૧૧ સભ્યો ગેરહાજર હોઈ કોંગ્રેસે ભાજપમાં એક સામટા સભ્યોની ગેરહાજરી તેમની નારાજગી હોવાનું જણાવીને રાજકીય રીતે ભીડવવા પ્રયાસ કર્યો હતો.

કાશ્મીરે સર્જ્યો ભડકો…

પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ બે સ્વર્ગીય કેન્દ્રીય પ્રધાનો સુષ્મા સ્વરાજ તેમજ અરુણ જેટલીને અંજલિ અર્પી ત્યારે વિપક્ષી નેતા વી.કે. હુંબલે દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતને યાદ કરી તેમણે કચ્છમાં ભૂકંપ દરમ્યાન મદદ કરી હોવાનું કહી તેમને પણ અંજલિ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ શ્રી સોઢાએ તરત જ કાશ્મીર મુદ્દે કલમ ૩૭૦ ના નિર્ણય બદલ કેન્દ્ર સરકારે પસાર કરેલા ઠરાવની પ્રશંસા કરીને કલમ ૩૭૦ બદલ અભિનંદન આપતો ઠરાવ જિલ્લા પંચાયત વતી પસાર કરવાની વાત કરી હતી. તે સાથે જ કોંગ્રેસના સભ્યો સલીમ જત, તકીશા બાવાએ કલમ ૩૭૦ અંગેનો કેન્દ્ર સરકારના ઠરાવની નકલ માંગી હતી. તેમની તરફેણમાં વિપક્ષી નેતા વી.કે. હુંબલ અને હરિભાઈ આહીર પણ આવી જતાં કોંગ્રેસના સભ્યોએ એજન્ડા બહાર કલમ ૩૭૦ ના ઠરાવને સામાન્ય સભામાં મુકવા અંગે જોરદાર વાંધો લીધો હતો. સભાના સચિવ તરીકે ડીડીઓ પ્રભવ જોશી સામે પણ આ મુદ્દે કોંગ્રેસે સવાલો કર્યા હતા. કલમ ૩૭૦ ના કાશ્મીરના મુદ્દે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસની સામે ભાજપના સભ્યો પણ આવી જતાં બન્ને વચ્ચે ઉગ્ર રાજકીય દલીલોને પગલે ભડકો થયો હતો. થોડીવાર તો સામાન્ય સભા કદાચ આ મુદ્દે જ વિખેરાઈ જશે એવુ લાગ્યું હતું. જોકે, પછી ડખ્ખો શાંત થયો હતો અને પ્રશ્નોતરી કાળ ચાલુ થયો હતો.

માત્ર કાગળ ઉપર રસ્તાના બિલ બની ગયા હોવાનો સામાન્ય સભામાં ધડાકો

કોંગ્રેસ વતી વી.કે. હુંબલ, કિશોરસિંહ જાડેજા, તકીશા બાવા અને સલીમ જતે મોરચો સભાળીને ભ્રષ્ટાચાર તેમજ ગેરવહીવટના મુદ્દે શાસક પક્ષ ભાજપને તેમજ અધિકારીવર્ગને ભીંસમાં લીધો હતો. આ આક્ષેપો આક્રમક હતા અને એટલે, સુધી કે, ખુદ ડીડીઓ પ્રભવ જોશી પાસે જવાબ નહોતો માત્ર તપાસ કરીશું કહીને કોંગ્રેસી સભ્યોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. અબડાસામાં ૧ કરોડ ૫૭ લાખના ખર્ચે રોડ રિપેર કરાયા હોવાની માહિતીને કિશોરસિંહ જાડેજાએ રૂબરૂમાં પડકારીને કામ કર્યા વગર બિલ મંજુર કરાયા હોવાનો અને માત્ર માટી નાખીને મેટલના નામે બિલ બનાવાયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. નવા રસ્તાઓ તૂટી જવાની ઘટનાને ગંભીર ગણાવતા કોંગ્રેસના સભ્યોએ તેમને ખોટી માહિતી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. આરોગ્યમાં અનેક સબ સેન્ટરના દવાખાનાઓ બંધ હોવાના કારણે ચોમાસામાં અત્યારે રોગચાળાના કારણે લોકો મુશ્કેલીમાં હોવાનું જણાવ્યું હતું. ૧૩૦૦ જેટલા શિક્ષકોની ઘટનો મુદ્દો પણ ચર્ચાયો હતો. મેઘપર બોરીચી ગામે નવી આંગણવાડી મંજુર થઈ હોવા છતાંયે દબાણના કારણે ન બનતી હોવાનું, છેલ્લા બે વર્ષથી ૩૬ આંગણવાડી અને ૨૬ ગ્રામ પંચાયતોનું બાંધકામ અધૂરું હોવાનું અને એજન્સી દ્વારા કામ પૂરું ન કરાતું હોવાનું કહીને કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કચ્છમાં ૫ હજાર જેટલા બાળકો કુપોષિત હોવાના આકડાને પણ કોંગ્રેસે ગંભીર ગણાવ્યો હતો.

પ્રમુખ કોણ? જ્યારે ખુદ સોઢાએ પણ પિંડોરીયાને ચૂપ રહેવાનું કીધું, કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન નગરસેવક પ્રેક્ષક ગેલેરીમાં

જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચેના ડખ્ખામાં અને પ્રશ્નોત્તરીમાં સતત અરવિંદ પિંડોરીયા દ્વારા કરાતી ટોકટોક સામે કોંગ્રેસના તમામ સભ્યોએ હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસે વારંવાર જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાને સવાલો કર્યા હતા કે, સભાના પ્રમુખ કોણ છે? તમે કે પિંડોરીયા? કોંગ્રેસી સભ્યોએ છેલ્લે એટલે સુધી કહી દીધું કે, હવે તમે પિંડોરીયાને જ સત્તા આપી દો. જોકે, અંતે ખુદ જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પણ અરવિંદ પિંડોરીયાને ટપાર્યા હતા તેમજ કહ્યું હતું કે કોઈ પણ સભ્યો વચ્ચે બોલે નહીં. દરમ્યાન પ્રેક્ષક ગેલેરીમાં કોંગ્રેસના વર્તમાન નગરસેવક ફકીરમામદ કુંભાર અને પૂર્વ નગરસેવકો ગની કુંભાર તેમજ મુસ્તાક હિંગોરજા દેખાયા હતા. તેમણે કચ્છ જિલ્લા પંચાયતની જેમ જ ભુજ પાલિકાની સામાન્ય સભા ચાલવી જોઈએ અને પ્રશ્નોતરી થવી જોઈએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. વન ટાઈમ પ્લાસ્ટિક યુઝ ઉપર પ્રતિબંધ મુકવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ અંગે કચ્છ જિલ્લા પંચાયતે ઠરાવ તો કર્યો પણ આ જ સભામાં દૂધ અને પાણી બન્ને પ્લાસ્ટિક બોટલમાં અપાતાં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.