પાણી માટે ગુજરાતમાં બેડા યુધ્ધ આ વર્ષે થાય તો નવાઇ નહી, કેમકે એક તરફ સરકાર પાણીની વિકટ પરિસ્થિતીને પહોંચી વળવાની વાતો તો કરે છે. બીજી તરફ અનેક શહેરો અને ગામોમાંથી પાણીની ફરીયાદ ઉઠી રહી છે. અને તે વચ્ચે મંગળવારે ભાજપના જ આગેવાનો જાણે સરકારના દાવાઓને પોકળ સાબિત કરતા હોય તેમ ભુજમાં પાણી પુરવઠા કચેરીએ ધસી આવ્યા હતા. સાહેબ અમારા પશુઓ પાણી વગર તરસ્યા મરી રહ્યા છે, અને હવે માણસો પણ પાણી વગર મરે તે પહેલા નિયમિત પાણી આપો તેવી માંગ સાથે આજે બન્નીથી એક પ્રતિનિધિ મંડળ ભુજ સ્થિત પાણી પુરવઠા કચેરીએ પહોંચ્યુ હતુ અને પાણી આપવાની માંગ કરી હતી. બન્નીના ભગાડીયા, છછલા, ફારૂકવાંઢ,સરાડા,રમજાન વાંઢ સાવલપુર સહિતના 11 ગામ અને વાંઢોમાં છેલ્લા 3 દિવસથી પાણી આવતુ નથી અને લાંબા સમયથી આ જ રીતે પાણીની સ્થિતીના પગલે પશુઓ મોતના મુખમાં જઇ રહ્યા છે. જેથી નિયમીત પાણી આપવા પાણી પુરવઠા અધિકારી એ.એસ.રાઠવાને રજુઆત કરી હતી. આજે થયેલી રજુઆતમાં બન્નીના ખૈર મામદ આદમ નુરમાદમ હાજી કાસુ હાજીશા જત સહિત લઘુમતી આગેવાન અલીમામદ જત પણ જોડાયા હતા જો કે પાણી પુરવઠા વિભાગે તાત્કાલીક અસરથી પાણીની સમસ્યા દુર કરવાની ખાતરી સાથે ટેન્કરો વધારી આપવાની વાત કરી હતી આ સમગ્ર રજુઆતમાં અગત્યની વાત એ હતી કે ભાજપનાજ આગેવાનોને પાણી સમસ્યા મુદ્દે રજુઆત કરવી પડી હતી તો ભાજપના આગેવાનોની એન્ટ્રી સાથે કોગ્રેસના આગેવાને બન્નીના લોકો સાથે રજુઆતમાં જોડાવાનુ ટાળ્યુ હતુ.
ધારાસભ્ય સુધી રજુઆત પરંતુ પરિણામ નહી
આજે ભાજપના આગેવાનો સાથે રજુઆત કરવા આવેલા પાણી તંગીનો સામનો કરી રહેલા ગામના આગેવાનોએ જણાવ્યુ હતુ. કે આ મુદ્દે સ્થાનીક પાણી પુરવઠા તત્રના અધિકારી અને ભાજપના ધારાસભ્ય નિમાબેન આચાર્ય ને પણ રજુઆત કરી હતી. અને ખાતરી પણ મળી હતી. પરંતુ છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં પાણી આવ્યુ નથી. અને નિયમીત રીતે આ વાંઢો દુરદુર સુધી પીવાના પાણીની જરૂરીયાત પુરી કરવા જાય છે. કેમકે પશુઓ સાથે ત્યા વસતા મનુષ્યના જીવન માટે પણ પાણી જરૂરી છે.