રાજ્ય સરકારે અસામાજીક પ્રવૃતિ અટકાવવા અને સરકારી કિંમતી જમીન પર થઇ ગયેલા દબાણો દુર કરવા માટે રીતસરની મુહિમ છેડી છે જો કે તે મુહિમ વચ્ચે અબડાસાના ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં આવી દબાણ હટાવ પ્રવૃતિ અટકાવવા માટે ખુલ્લો પત્ર લખતા દબાણ કામગીરી તો અટકી ગઇ છે. પરંતુ આ લેટરે સવાલો અનેક ઉભા કર્યા છે ધારાસભ્યએ સ્થાનીક તંત્ર,ભુ-માફીયા અને ખનીજ માફીયાનો પત્રમાં ઉલ્લેખ કરી સવાલો સર્જયા છે.
અબડાસાના ધારાસભ્ય તેમના વિસ્તારના પ્રશ્નો બાબતે અને લોકોની સમસ્યા બાબતે હંમેશા ખુલ્લા રહ્યા છે. અગાઉ અનેકવાર તેઓએ સરકારને ખુલ્લા પત્ર સાથે સ્થાનીક બેઠકોમાં તંત્રને ખુલ્લા પાડ્યા છે. તેવામાં સમગ્ર કચ્છ અને રાજ્યમાં જ્યારે દબાણ હટાવ કામગીરીની ઝુંબેશ ચાલી રહી છે. તે વચ્ચે ધારાસભ્યએ તેમના વિસ્તારમાં તુટતા દબાણો અંગે વાંધો ઉઠાવ્યો છે. જો કે રોજગારી,ગરીબ વર્ગની વ્યથા અને સ્થાનીક રજુઆતને સાંભળી દબાણ કામગીરી રોકવા વિનંતી તો ઠીક છે પરંતુ સ્થાનીક તંત્ર કેવી વાલા-દવલાની નિતી કરે છે તેનો ઉલ્લેખ પત્રમાં કરી ધારાસભ્યએ સનસનાટી મચાવી છે.પત્રમાં ધારાસભ્યએ તેમના વિસ્તારની સ્થિતી,સમસ્યાનો ઉલ્લેખ કરી સ્થાનીક તંત્રની કામગીરી,મોટા ભુ માફીયા ખનીજ ચોરી સામે કામગીરી ન થતા હોવાના સણસણતા આક્ષેપો કરી સૌને ચોંકાવી દીધા છે. જેના પરથી સોસીયલ મિડીયામાં સવાલો ઉઠી રહ્યા છે. કે જ્યા ચુંટાયેલા પ્રતિનીધીને અને તે પણ ધારાસભ્ય કક્ષાના જવાબદાર નેતાને પોતાની રજુઆત ગાંધીનગર કરવી પડતી હોય તેવામાં સામાન્ય નાગરીકોની તંત્ર કેટલુ સાંભળતુ હશે
લેટરમાં ધારાસભ્યના અનેક સવાલો
ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં દબાણો દુર કરવાથી ઉભી થયેલી સમસ્યા અંગે વાત કરી સામાજિક જીવન ગુજરી રહ્યા હોય તેવા લોકોને નોટીસો આપી કે દબાણ હટાવીને માનસિક ત્રાસ આપવો યોગ્ય ન હોવાનુ કહ્યુ છે. સાથે મોટા ખનીજચોરો છે તેઓની ખનીજચોરી બંધ કરાવવા અમારા દ્વારા અવારનવાર રજુઆતો કરવામાં આવે છે તે બંધ કરાવો અને જ્યાં મોટા મોટા બિલ્ડરો અને ભુમાફીયાઓએ બિલ્ડીંગો બનાવીને દબાણો કર્યા છે તે જમીનો ખુલી કરાવવી જરૂરી છે તેમજ મોટા મોટા ઉદ્યોગોએ અને ખુદ ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમજ ફોરેસ્ટની જમીનમાં પણ ઉદ્યોગો દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવી રહ્યું છે તે ખુલ્લું કરાવવું જોઈએ ! તેવી વાત પત્રમાં કરી છે. તો પત્રમાં સ્થાનીક અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉભા કરી અધિકારીઓ પણ કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે સૌ જાણે છે, તેવા આક્ષેપ સાથે અધિકારીઓ દ્વારા તેમના મત વિસ્તારમાં જે વિકાસના કામો મંજુર થયેલા છે અને મીટીંગો થઈ ચુકી છે તેવા કામો પૂર્ણ કરવા ધ્યાન આપવામાં આવતું નથી અને ન કરવાના કામો કરવામાં આવે છે. તેવુ જણાવ્યુ છે. સાથે સવાલ ઉઠાવ્યો છે કે લોકોની મજબુરી અમે ન સાંભળીએ અને અમારી રજુઆત તમે ન સાંભળો તો ચુંટાયેલા પ્રતિનિધિઓનો કોઈ મતલબ નથી. જો કે ધારાસભ્યએ પોતાના વિસ્તારની સમસ્યા તો રજુ કરી પરંતુ એવા ક્યા અધિકારી અને ક્યા ખનીજ માફીયા,ભૂ માફીયા છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ પત્રમાં કર્યો નથી.
આવા માફીયાને ખુલ્લા પાડે ધારાસભ્ય
ધારાસભ્યનો પત્ર સુચક અને યોગ્ય છે. પરંતુ ધારાસભ્ય જેવા વ્યક્તિએ પત્ર લખી આવા ખનીજ ચોર અને ભુ-માફીયા કોણ છે. તેનો ઉલ્લેખ કરવામાં લાજ કાઢી છે. ખરેખર તો ધારાસભ્ય આવી બાબતોથી વાકેફ હોય તો તેને આવા અસામાજીક તત્વોના નામ લઇ તેને ખુલ્લા પાડવા જોઇએ કેમકે એક તરફ તંત્ર આવા તત્વો સામે લાજ કાઢે છે તેવો આડકતરો આક્ષેપ જ્યારે ધારાસભ્ય કરી રહ્યા છે ત્યારે સવાલ ચોક્કસથી થાય કે જો ધારાસભ્ય જેવા વ્યક્તિ આવા અસામાજીક તત્વોના નામ લેવામાં શરમ કરતા હોય તો તંત્ર લાજ કાઢે તેમા કેવી નવાઇ તેવામાં એવા ક્યા અધિકારી છે. જે આવુ છાવરવાનુ કામ કરે છે અને એવા કયા માફીઓ છે કે જેની તંત્ર અને ખુદ તમે પણ નામ લેવામાં લાજ કાઢો છો તે પ્રશ્ન દરેકને થઇ રહ્યો છે ત્યારે ખરેખર નાના ધંધાર્થીની ચિંતા કરી તમારો લખાયેલો પત્ર અસરકારક રહ્યો તે રીતે આવા માફીયાને ખુલ્લા પાડી તેની સામે કાર્યવાહી થાય તેવો પત્ર પણ તમારી પાસે અપેક્ષીત છે.
કચ્છમાં તાજેતરમાં દબાણ હટાવ કામગીરી સમયે અનેક વિસ્તારમાં થયેલી કામગીરી બાદ સ્થાનીક નેતાઓને ભલામણો આવતા આવી કામગીરી અટકી ગઇ છે. પરંતુ આ બધુ બંધ બારણે થયુ પરંતુ અબડાસાના ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆત સાર્વજનીક કરી સમસ્યા વર્ણવવા સાથે સરકારને સ્થાનીક લાલીયાવાડીથી વાકેફ કર્યા છે.જો કે પત્ર જોતા બધુ જાણતા હોવા છંતા ભષ્ટ્ર વિભાગો અને ખનીજ-જમીન માફીયાના નામ લેવામા તેઓ પણ શરમાયા હોય તેવો ગણગણાટ છે.જો કે દબાણ દુર કરવા સામે દબાણ ઉભુ કરવામાં તેમનો પત્ર અસરકારક રહ્યો…