ભાજપના નેતાઓને સંડોવતા કચ્છના બહુચર્ચીત નલિયાકાંડના કેસમાં લાંબા સમય બાદ સળવળાટ થયો છે. અને તેનુ કારણ એ છે કે ભુજ કોર્ટમાં નલિયાકાંડની પિડીતાને હાજર રહેવા કોર્ટ દ્વારા સમન્સ મોકલાયુ છે. અત્યાર સુધી આ મામલામાં 9 લોકોની ધરપકડ થઇ ચુકી છે. અને તમામ મોટા માથાઓ લાંબા સમયથી જામીન ન મળતા જેલવાસ ભોગવી રહ્યા છે. પરંતુ હવે ભુજ કોર્ટમાં પિડીતાની જુબાની માટે ભુજ કોર્ટે સમન્સ મોકલી 27-04-2018ના હાજર રહેવા જણાવ્યુ છે. જો કે હજુ આ મામલે અસમંજસ છે. કેમ કે દુષ્કર્મ પિડીત મહિલા હાજર રહેશે કે નહી? તે નિશ્ચિત નથી. અત્યાર સુધી આ મામલામાં પિડીતાનુ જજ સમક્ષ આઈ.પી.સીની કલમ 164 મુજબ નિવેદન લેવાયુ છે. પરંતુ સેશન્સ ટ્રાયલ ગુન્હામાં તેને સમન્સ મોકલી હાજર રહેવા અંગે આ રીતે પ્રથમવાર કોર્ટમાં હાજર રહેવાનુ કહેવાયુ છે. ત્યારે સૌ કોઇની નજર આજે ભુજ કોર્ટ પર રહેશે. જો પિડીતા આજે ભુજ કોર્ટમા હાજર રહે તો તેની જુબાની સહિતની કોર્ટ કાર્યવાહી તથા પુરાવાની ચકાસણી સહિતના મુદ્દે કોર્ટ તેનું સ્ટેટમેન્ટ નોંધી શકે છે. ઘણા લાંબા સમયથી નલિયાકાંડના આ બહુચર્ચિત કેસમાં મહત્વની કાર્યવાહી આગળ ધપી નથી પરંતુ હવે કેસ આગળ વધે તેવી શક્યતા દેખાઇ રહી છે.