Home Special માંગી સારવાર મળ્યું મોત !! અદાણી GK માં કેટલા બાળકોના થયા મોત?...

માંગી સારવાર મળ્યું મોત !! અદાણી GK માં કેટલા બાળકોના થયા મોત? : કલેકટરે માંગ્યો રિપોર્ટ : ગાંધીનગર થી તપાસ

1991
SHARE
ક્યારેક અસુવિધાના મુદ્દે, ક્યારેક પ્રાથમિક સુવિધાના અભાવના મુદ્દે તો ક્યારેક બેદરકારીથી બાળકો અને દર્દીઓના મોતના મામલે ભુજની વડાપ્રધાન રાહત ભંડોળમાંથી 150 કરોડના ખર્ચે બનેલી અદાણી GK હોસ્પિટલ ચર્ચામા રહી છે. જ્યારથી અદાણીને સંચાલન સોંપાયુ ત્યાર પછી બેદરકારીના કિસ્સામાં સરકારે કોઇ પગલા લીધા નથી.અદાણી ગેઇમ્સ દ્વારા સુવિધા વધારવાના દાવાઓ કરાય છે. પરંતુ છાશવારે થતા વિવાદો ક્યાંકને ક્યાંક ચોક્કસ અંગુલીનિર્દેશ કરે છે કે, હોસ્પિટલમાં બધુ બરોબર ચાલતુ નથી. જો કે હવે એક ગંભીર મુદ્દાને લઇને હોસ્પિટલ સત્તાધીશો ઉપર સંકજો કસાઇ શકે છે. કેમકે હોસ્પિટલના NICU વિભાગમાં ઉપરાઉપરી થઇ રહેલા બાળકોના મોતને લઇને હોસ્પિટલ સામે ગંભીર આરોપો લાગ્યા છે. 22 તારીખે NICU માં એક બાળકના મોત બાદ આ મામલો ગરમાયો હતો અને મૃતકના પરિજનો સાથે કોગ્રેસ લધુમતી ડીપોર્ટમેન્ટના આગેવાને બીનરાજકીય રીતે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. 23 મી તારીખે આ મુદ્દે વાલીઓ સાથે બાળકોના મોત મામલે વિરોધ પ્રદર્શિત કરી આક્ષેપ કરાયો હતો કે 13 દિવસમાં 26 બાળકોના મોત થયા છે.આ અંગે અદાણી ગેઇમ્સના સંચાલકો સામે વિરોધ નોંધાવી તપાસની માંગ સાથે જાગૃતોએ મામલો ગંભીર હોવાનુ જણાવ્યુ હતુ .જો કે,હોસ્પિટલ સત્તાધીશોએ આક્ષેપો ફગાવવા સાથે બાળકોનો મૃત્યુદર ઘટ્યો હોવાનો ખુલાસો કર્યો હતો. પરંતુ આ મામલાએ વિવાદ પકડતાં હવે જિલ્લા કલેકટર રેમ્યા મોહને તપાસ અહેવાલ મંગાવવા સાથે સંપુર્ણ ઘટનાની માહિતી સંચાલકો પાસેથી મેળવવાના આદેશ કર્યા છે. તેની સંપુર્ણ ચકાસણી બાદ કલેકટર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરી શકે છે.

ગાંધીનગરથી આવશે તપાસ ટીમ કલેકટરે પણ સત્ય જાણવા રીપોર્ટ માંગ્યો 

મીડીયામાં સતત આવી રહેલા અહેવાલ અને ક્યાકને કયાક મામલો છુપાવવાના થઇ રહેલા પ્રયત્નો વચ્ચે કલેકટરને આ મામલો ગંભીર લાગતાજ તેને આ મામલે અદાણી સંચાલકો પાસે મૃત્યુનો સાચો આંક અને મૃત્યુ થવાના કારણો અંગેનો સત્તાવાર અહેવાલ મંગાવ્યો છે આ અંગે કલેકટર રેમ્યા મોહન સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે મામલાની તપાસ ચાલી રહી છે. સંપુર્ણ રીપોર્ટ અને મૃત્યુનો સાચો આંક આવ્યા બાદ તેઓ આ અંગે જરૂરી કાર્યવાહી માટે વિચારશે. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ ક્યાક અદાણી હોસ્પિટલ મેનેજમેન્ટ સંપુર્ણ ઘટના પર ઢાક પીછાડો કરતી હોવા મામલે થઇ રહેલા આક્ષેપોને પગલે એક ટીમ કચ્છ મોકલવાનુ નક્કી કર્યુ છે. જે સંભવત આજ કાલમાં જ કચ્છ આવી આ મામલાની તપાસ કરી શકે છે. જો કે આ અંગે હજુ સત્તાવાર કોઇ માહિતી સામે આવી નથી.

શુ થશે કાર્યવાહી કે પછી ઉદ્યોગોની સરકાર ફરી આપશે રુકજાવનો આદેશ?

એમ.સી.આઇ ટીમની ચેકીંગ હોય ત્યારે 300 બેડની સુવિધાના દાવા સામે અદાણી વિરૂદ્ધ પુરતા પુરાવા સાથે કોગ્રેસ અને જાગૃત નાગરીકોએ ફરીયાદો કરી આવા મામલા ખુલ્લા પાડ્યા છે. તો બીજી તરફ બેદરકારીથી મોતના અનેક કિસ્સા સાથે વાર્ષીક મૃત્યુદર પણ અદાણી ને સોંપાયા પછી વધ્યો હોવાની ફરીયાદો ઉઠી છે અને અદાણી મેનેજમેન્ટે સ્વીકાર પણ કર્યો છે. કે ક્યાક સારવારમાં ક્ષતિ રહી ગઇ છે. પરંતુ અત્યાર સુધી અદાણી સંચાલકો સામે કોઇ નક્કર કે અસરકારક કામગીરી માટે સરકારે નથી આદેશો કર્યા કે નથી કોઇ પગલા લીધા. તેવામાં પ્રશ્ન ચોક્કસ થાય કે શું બાળકોના મોત અંગેની તપાસ બાદ તેની સામે કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર રુકજાવના આદેશો વછૂટશે? જો કે, ઘટનાના ત્વરીત બાદ સરકાર અને સ્થાનીક કલેકટરે લીધેલા નિર્ણય આવકાર્ય છે.
એક તરફ કચ્છમાં પ્રાથમીક આરોગ્ય સુવિદ્યાનો અભાવ છે. તેવામાં સ્વાભાવીક છે. કે લોકોને અપેક્ષા હોય કે જીલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થાય. પરંતુ વાસ્તવિક્તા એ છે. કે સરકારે જે ઉદ્દેશ સાથે અદાણી ગ્રુપને સંચાલન સોંપ્યુ હતુ તેમાં અદાણી ગ્રુપ ઉણું ઉતર્યુ છે,અને આંકડાઓ તો એ જ કહે છે, કે નવજીવન આપવા કરતા અદાણી GK હોસ્પિટલ દર્દીઓના મોત મામલે વધુ ચર્ચામા રહી છે. જો કે બાળકોના મોત બાદ હવે તંત્ર જાગ્યુ તો છે. પરંતુ જોવુ એ અગત્યનુ રહેશે કે ખરેખર તેની સામે તપાસ કેટલી અસરકારક નીવડશે અને કાર્યવાહી કેટલી કડક અને ઝડપી થશે. જો કે એક વાત ચોક્કસ છે. જો બેદરકારી સામે અત્યારે અનેદેખી કરાશે તો ભવિષ્યમાં વધુ નવજાત બાળકો અને દર્દીઓ માટે અદાણી સંચાલીત સરકારી હોસ્પિટલ મોતની હોસ્પિટલ બનશે !!