કચ્છમાં નવા સંગઠનની રચના માટેની કવાયતો શરૂ થઇ ગઇ છે રાજ્યની સાથે કચ્છમાં પણ અત્યારે 14 મંડળના પ્રમુખોની વરણી થઇ ચુકી છે. જો કે બાકી રહેતા હોદ્દાઓ સાથે સૌથી ચર્ચાનો વિષય જીલ્લા ભાજપ પ્રમુખનો છે. દેવજી વરચંદ રીપીટ માટે ફેવરીટ પણ નવાજુની પણ થઇ શકે….રાજકીય વર્તુળમાં મુદ્દો બન્યો હોટ ટોપિક….
કચ્છમાં જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ કોના શીરે મોવડી મંડળ ઠાલવશે તે મુદ્દો કચ્છના રાજકિય વર્તુળમાં હાલ ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે, જે મામલે બધા પોતાની રીતે અટકળો લગાવી રહ્યા છે. તો ભાજપનાજ કાર્યક્રરો પક્ષ ક્યું નવુ સરપાઇઝ આપશે તેની રાહ જોઈ રહ્યા છે.આમ તો મોવડી મંડળની પસંદગી ઉપર જ બધો મદાર છે, છતાં આ પદની દાવેદારી માટે ફોર્મ ભરવાની ઔપચારિક્તા કરવામાં આવશે એ પૂર્વે કાર્યશાળાનું આયોજન કરાશે એવું કહેવાય છે.આ પદ અત્યારે તમામ તાલુકા શહેરના મંડલ માટે એટલા માટે મહત્વનું બની ગયું છે કેમકે,નજીકના સમયમાંજ સ્થાનીક સ્વરાજ સંસ્થાની ચુંટણીઓમાં ઉમેદવારો નક્કી કરવાની મહત્વની ભૂમિકામાં જિલ્લા પ્રમુખનો રોલ રહેવાનો છે.જ્યારે જેઓ દાવેદાર છે તેઓ આમ તો પક્ષ નક્કી કરે તે શિરોમાન્ય એવું કહે છે, પણ પોતાના તમામ સોર્સ મારફત એડી ચોટીનું બળ લગાવી રહ્યાનું સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.આમ જોઈએ તો કચ્છમાં પક્ષની અંદર રહેલો જુથવાદ કોઈથી છુપો નથી અને એજ કારણે મુન્દ્રા તાલુકો અને માંડવી અંજાર શહેરની વરણી ટલ્લે ચડી છે, દરેક પોતાના માણસોને ગોઠવવાની હોડમાં છે અને આ બાકી રહેલા મંડલની વરણી કદાચ નવા વરાનારા જિલ્લા પ્રમુખના શીરે આવે તો નવાઈ નહીં…જો કે આ બધામાં પ્રમુખ કોણ બને છે તે મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.
મૂળ વાત એ પ્રમુખ કોણ બનશે ?
આમ તો સ્થાનીક મંડળોથી લઇ તમામ હોદ્દા ભાજપના કાર્યક્રરો માટે તો મહત્વનાજ છે. પરંતુ સૌથી મોટો હોદ્દો જીલ્લા પ્રમુખનો ગણાય એટલે મૂળ વાત પ્રમુખ કોણ બનશે તે છે, જોકે હજુ દાવેદારો કોણ છે તે જ નક્કી નથી. પરંતુ વર્તમાન પ્રમુખ દેવજી વરચંદ રેસમાં છે એ નક્કી છે, અને તેમના સમર્થકો રીપીટ થશે તેવું દ્રઢ પણ માની રહ્યા છે.તો વડી પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડાની પસંદગીના વ્યક્તિ હોવાથી તેમની તક ઉજળી હોવાનું કહેવાય છે. જ્યારે એક વર્ગ એવું માને છે કે, નવો ચહેરો મેદાન મારી જશે. પણ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, આ પ્રક્રિયામાં ધારાસભ્યોના અભિપ્રાયનું વજન પડે પણ. તેઓ કોઈ એક નામ માટે એકજુટ થાય તેવુ લાગી રહ્યુ નથી. એક વર્ગ પૂર્વ પ્રમુખ પંકજ મહેતાના સમયને યાદ કરી તેમની શક્યતા એટલા માટે જોઈ રહ્યો છે કે તેમના કાર્યકાળમાં સંગઠન શિસ્તબધ્ધ રીતે મજબૂત બન્યું હતું, જોકે તેઓ પોતે દાવેદાર છે કે કેમ? તે ચિત્ર હાલ સ્પષ્ટ નથી. પરંતુ આવી વાતો કોઈ જુથ તરફી નથી તેવા કાર્યકરોમાં થઈ રહી છે..અને ભાજપ સરપ્રાઇઝ સાથે કોઇ એકને રીપીટ કરે તો નવાઇ નહી…વર્તમાન પ્રમુખ દેવજી વરચંદ ૨૫/૦૫/૨૦૨૩ થી પ્રમુખ પદે વચ્ચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે વરાયા હતા અને તે સમયે પણ જે નામો વહેતા થયા હતા તેને બદલે નવા ચહેરા તરીકે જ તેઓ ઉભરી આવ્યા હતા, તેમને હજુ ત્રણ વર્ષ પુરા નથી થયા એટલે પક્ષ તેમને તક આપે એવું મનાય છે.
ભાજપની સ્થાપનાથી અત્યાર સુધી…
હવે થોડા ભૂતકાળમાં ડોકીયું કરીએ તો કચ્છમાં જ્યારે ભાજપના મૂળિયા જ ન હતા ત્યારે સંગઠનને ઉભું કરવામાં જૈન નેતાઓ સહિતના કેટલાક નેતાઓની ભૂમિકા પાયાની રહી છે, ભાજપની સ્થાપના ૧૯૮૦ માં થઇ ત્યારે પ્રથમ સુકાની અંજારના ચંપકલાલ ચુનીલાલ શાહ ૧૯૮૭ સુધી રહ્યા, ત્યાર બાદ ૧૯૮૭ થી ૧૯૮૯ અને ૧૯૮૯ થી ૧૯૯૩ તારાચંદ છેડાએ સુકાન સંભાળ્યું અને તેમના કાર્યકાળમાં ભાજપના મૂળિયા જમીન સુધી ગયા. અને પક્ષનો વ્યાપ વધ્યો તેમ ચોક્ક્સ કહી શકાય, ફરી ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી પક્ષે તેમને જવાબદારી સોંપી ત્યાર પછી જૈનમાં છેલ્લે ૨૦૧૩ થી ૨૦૧૬ પંકજભાઈ મહેતાની એવા સમયે વરણી કરાઇ હતી જ્યારે ૨૦૧૦થી ૨૦૧૩ સુધી પ્રમુખ રહેલા જયંતીલાલ ભાનુશાલી રીપીટ થવાની પુરી હવા હતી પણ તેવું થયું નહી.., આમ કુલ્લ ૧૨ ટર્મમાં ૭ ટર્મ નેતૃત્વ જૈન આગેવાનો પાસે રહ્યું છે, તે સિવાય ૧૯૯૩ થી ૯૭ નરેન્દ્રસિંહ જાડેજા, ૧૯૯૭ થી ૨૦૦૦ અરુણ વચ્છરાજાની, ૨૦૦૦ થી ૨૦૦૫ સુધી દિલીપ ત્રિવેદી ,૨૦૧૬ થી ૨૦૨૩ કેશુ પટેલ પ્રમુખપદે રહ્યા હતા.અને હાલમા દેવજી વરચંદ યથાવત છે.
જ્ઞાતી સમિકરણ સાથે મજબુત નેતૃત્વ જરૂરી
જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે વિવાદ વગર દેવજી વરચંદે નેતૃત્વ કર્યુ છે. શરૂઆતમાં પુર્વ પ્રમુખ સાથેના ખાટા-મીઠા બનાવો જાહેરમાં બન્યા હતા પરંતુ તે બાદ તેઓ કામે લાગી ગયા હતા. ત્યારે આ વખતે પ્રમુખ પદ્દ માટે જ્ઞાતી સમીકરણ પણ જોવાઇ શકે જ્ઞાતિનું પ્રતિનિધિત્વ જોઈએ તો ધારાસભ્ય કે જિલ્લા પંચાયતમાં કોઈ મહત્વનું જૈનનું પ્રતિનિધિત્વ નથી. જ્યારે મતદારો પર આ જ્ઞાતિની પકડ મોટી હોવાનું અને પક્ષને મજબૂત કરવામાં યોગદાન નોંધપાત્ર રહ્યું હોવાનું કહેવાય છે, વર્તમાન પ્રમુખનો અત્યાર સુધીનો સમય ગાળો નિર્વિવાદ રહ્યો છે. અને તેમના સમય ગાળામાં વિધાનસભામાં અને લોક્સભાની ચુંટણીમાં ભાજપને જવલંત સફળતા મળી છે તે પણ હક્ક્તિ છે.પરંતુ ભાજપના નેતાઓ વચ્ચેના આંતરીક જુથ્થવાદને ડામવામાં તેઓ સફળ રહ્યા નથી. તેવામાં જ્ઞાતી સમીકરણ સાથે નવા પ્રમુખ માટે ભાજપના મોટામાથાઓ વચ્ચેના કોલ્ડવોરને ડામવાનો પણ પડકાર રહેશે. જેને પાર્ટી ઉપરના સમિકરણ ગોઠવાયા બાદ ધ્યાને લેશે..
છેલ્લે ક્યારેય બહુ ચર્ચામાં નહીં આવેલી એક વાત એવી પણ સંભળાતી હતી કે પૂર્વ અને પશ્ચિમ કચ્છનું અલગ અલગ નેતૃત્વ સોંપવામાં આવે જોકે અત્યારે આ વાત પર પૂર્ણ વિરામ મુકાયેલું છે.ભાજપ ક્યારે ક્યું સરપ્રાઇઝ આપે અને કોને ક્યાં ગોઠવે તેની સામાન્ય કાર્યકરોની પૂર્વ કલ્પના ધણી વાર ખોટી પણ ઠરતી હોય છે. ત્યારે અત્યારે કોઈ ચોક્કસ પણે કહી શકે તેમ નથી.કે પ્રમુખ બનશે કોણ ? પણ ચોરે ચોટે હાલ ચર્ચા ધણી છે. તમારૂ શુ માનવુ છે કોણ પ્રમુખ બનશે…