રવિવાર તા/૨૭ મેના રોજે ભુજમાં આયોજિત નિઃશુલ્ક ચેક અપ અને સારવાર માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં કચ્છ જિલ્લામાં પ્રથમ જ વાર મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે રસી મુકવામાં આવશે. ભુજના સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં ૨૭/૫ રવિવારે યોજાનાર આ કેમ્પ વિશે શાસ્ત્રી સ્વામી સુખદેવસ્વરૂપદાસજીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જાણીતા તબીબ ડો. અરુણ પરીખ અને ડો. જે. કે. દબાસીયા દ્વારા ૧૦ થી ૧૪ વર્ષની દીકરીઓને ‘વેકસીન’ અપાશે. આ ‘વેકસીન’ ના કારણે આ દીકરીઓ ને ભવિષ્યમાં ગર્ભાશયનું કેન્સર નહીં થાય. અંદાજિત ૩૫૦૦ રૂપિયાની કિંમતની ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી આ રસી ૧૭૦૦ જેટલી દીકરીઓને અપાશે. આ સિવાય અન્ય રોગોમાં ૨૦ વર્ષથી નીચેના બાળકો જેને હૃદય, પેશાબ, હાડકા, કિડની, મગજ, ડાયાબીટીસ ની તકલીફ કે અન્ય રોગો હોય તેમનું નિદાન નિઃશુલ્ક કરાશે અને સારવારની મદદ સંસ્થાના નિયમ પ્રમાણે અપાશે. ૪૦ વર્ષથી નીચેના વ્યક્તિને હૃદય, આંતરડા, ફેફસા કે અન્ય સર્જીકલ પ્રોબ્લેમ હોય તેમનું નિઃશુલક નિદાન કરાશે અને સારવારની મદદ નિયમ પ્રમાણે અપાશે. મહિલાઓ માટે (વંધ્યત્વ સિવાય)ના તમામ રોગો નું નિઃશુલ્ક નિદાન કરાશે. આંખના તમામ રોગો અને ડાયાબીટીસ ના કારણે થતી આંખના પડદાની નિઃશુલ્ક તપાસ અને સારવાર કરાશે.
આ કેમ્પ અનેક રીતે છે વિશિષ્ટ, દાતાએ આપ્યું છે ૧ કરોડનું દાન
કોઠારીસ્વામી શ્રી દેવપ્રકાશદાસજી અને શાસ્ત્રી સ્વામી શ્રી સુખદેવસ્વરૂપદાસજીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ કેમ્પનું નામ સદગુરુ “સંતસ્મૃતિ મેડિકલ કેમ્પ ૨૦૧૮” રખાયું છે. આ મેડિકલ કેમ્પ ભુજ સ્વામિનારાયણ મંદિરના ચાર અક્ષરનિવાસી સંતો પૂ. સદગુરુ સ્વામી કેશવપ્રસાદદાસજી, પૂ. સ્વામી ભક્તિવલ્લભદાસજી, પૂ. સ્વામી ધર્મપ્રસાદદાસજી અને પૂ. સ્વામી વિશ્વજીવનદાસજીની પુણ્યસ્મૃતિ માં યોજાઈ રહ્યો છે. આ કેમ્પ માટે મૂળ ફોટડી(ભુજ)ના અને હાલે મોમ્બાસા રહેતા પરમ ભક્ત હસમુખભાઈ ભુડિયા અને સુરજભાઈ ભુડિયા એ એક કરોડ રૂપિયાનું માતબર દાન માનવસેવા માટે આપ્યું છે. આ કેમ્પનો પ્રારંભ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પૂ.સ્વામી ધર્મનંદનદાસજી, પૂ. સ્વામી પ્રેમપ્રકાશદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિત મા થશે. કેમ્પ માટે કચ્છી લેવા પટેલ હોસ્પિટલ દ્વારા સહયોગ મળી રહ્યો છે. આ સમગ્ર આયોજન કોઠારી સ્વામીશ્રી દેવપ્રકાશદાસજી સાથે અન્ય સંતો શ્રી દિવ્યસ્વરૂપસ્વામી, શ્રી પરમેશ્વરસ્વરૂપસ્વામી, શ્રી શાંતિસ્વરૂપસ્વામી, શ્રી સુખદેવસ્વરૂપસ્વામી સંભાળી રહ્યા છે. તો ટ્રસ્ટીઓ રામજીભાઈ વેકરીયા, મુળજીભાઈ શિયાણી ની સાથે હરિભાઈ હાલાઈ, ગોપાલભાઈ ગોરસીયા અને અરજણભાઈ પિંડોરીયા સહિતના અન્ય આગેવાનો આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે.