કચ્છની ચારેય નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી ક્યારે થશે તે અંગેના સસ્પેન્સનો હવે ગણતરીના દિવસોમાં જ અંત આવી જશે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને આ અંગેનું જાહેરનામું બહાર પાડી ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી નગરપાલિકાને મોકલીને આ પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવી દીધું છે. કચ્છની ચારેય નગરપાલિકાઓ ભાજપ પાસે છે, એટલે નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે લોબિંગ ચાલુ હોઈ કાર્યકરોમાં અને લોકોમાં આ વરણી અંગે ભારે ઉત્તેજના છે. પણ, હવે આ વરણી અંગે તારીખ નિશ્ચિત કરીને સમાન્યસભા યોજી આ પ્રક્રિયા પાર પાડવા કલેકટરે આદેશ દઈ દીધો છે.
ક્યાં ક્યારે થશે કાર્યવાહી?
★માંડવી અને ગાંધીધામ એ બન્ને નગરપાલિકામાં તા/ ૯/૬ ના સવારે ૧૧ વાગ્યે પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી સમાન્યસભા માં બહુમતીના આધારે ડેપ્યુટી કલેકટરની ઉપસ્થિત માં થશે.
★ભુજ અને અંજાર એ બન્ને નગરપાલિકામાં તા/૧૨/૬ ના સવારે ૧૧ વાગ્યે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સામાન્યસભા માં બહુમતીના આધારે ડેપ્યુટી કલેકટરની ઉપસ્થિતિ માં થશે.
ક્યાં શું છે રોટેશન?
રાજ્ય સરકાર દ્વારા પ્રમુખ માટેના નક્કી કરાયેલ રોટેશન મુજબના નગરસેવક માંથી બહુમતી ના આધારે લોકશાહી રીતે પ્રમુખ ની વરણી પ્રક્રિયા હાથ ધરાય છે. જોકે, બહુમતી ધરાવતા રાજકીય પક્ષો પોતાના ઉમેદવાર ના નામનું મેન્ડેટ આપીને બહુમતીના આધારે આ આંતરિક ચૂંટણી પ્રક્રિયા પુરી કરે છે.
રોટેશન ની વાત કરીએ તો, માંડવી અને અંજાર માં પ્રમુખ તરીકેની બેઠક સામાન્ય હોઈ પુરુષ અથવા તો મહિલા બન્ને માંથી કોઈ પણ પ્રમુખ બની શકે છે. જ્યારે ભુજ માં પ્રમુખ તરીકે મહિલા અનામત હોઈ મહિલા ઉમેદવાર જ પ્રમુખ બની શકે છે. તો ગાંધીધામ માં પ્રમુખ ની બેઠક અનામત હોઈ SC/ST ના ઉમેદવાર પ્રમુખ બની શકે છે.
પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી પ્રક્રિયાની આ કામગીરી માંડવી નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટર શ્રી ઝાલા (અબડાસા), ગાંધીધામ નગરપાલિકામાં ડેપ્યુટી કલેકટર શ્રી કાંથડ મેડમ (સ્ટેમ્પડ્યુટી), ભુજ નગરપાલિકામાં ડેપ્યુટી કલેક્ટરશ્રી જાડેજા (ભુજ) અને અંજાર નગરપાલિકામાં ડેપ્યુટી કલેકટર શ્રી રબારી (અંજાર) ની ઉપસ્થિતિ માં થશે.