ભુજની અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે સર્જાયેલા વિવાદ પછી સ્થાનિક કલેકટરથી લઇ ચુંટાયેલા પ્રતિનીધીઓએ પણ સત્ય જાણવા રૂબરૂ મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનો સાથે તકેદારી માટે તાકીદ કરી હતી. ત્યારે બુધવારે જ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કામગીરી નિરીક્ષણ સમિતિની એક બેઠક મળી હતી. જેમા કચ્છની આરોગ્ય સુવિધા વધારવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા અને તેની તાત્કાલિક અમલવારી માટે સુચનો પણ કરાયા હતા. આ બેઠકમાં કચ્છ કલેકટર રેમ્યા મોહન, જિલ્લા આરોગ્ય અધિકારી પંકજ કુમાર પાંડે, સિવિલ સર્જન જીજ્ઞાબેન ઉપાધ્યાય,ડો જ્ઞાનેશ્વર રાવ સહિત અદાણીના વિવિધ નિષ્ણાત તબીબો જોડાયા હતા અને આધુનિક સારવારથી લઈને હોસ્પિટલ સેવાના સુધારાઓ અંગે ચર્ચા થઇ હતી.
શું લેવાયા બેઠકમા મહત્વના નિર્ણયો?
21તારીખે બાળકોના મોત મામલે વિવાદ થયો હતો. તે અંગે સરકાર અને કલેકટરના આદેશથી તપાસ કરાઈ હતી અને ક્લીનચીટ પણ અદાણીને મળી!! જો કે, ત્યાર બાદ પણ વિવાદ થતા કલેકટર જાતે ત્યા તપાસ અર્થે ગયા હતા. તે સંદર્ભે કલેકટરે નિરીક્ષણ બેઠક યોજીને NICU વિભાગમા 3 નવા વેન્ટીલેટર વધારવા સહિત NICU વિભાગને CCTV થી સજ્જ કરવાની તાકીદ કરી હતી. આ બેઠકમા મહત્વનો નિર્ણય એ લેવાયો હતો કે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની ગ્રાન્ટમાંથી 50 લાખ, જિલ્લા પંચાયત કચ્છ તરફથી 50લાખ, અને ઉદ્યોગોના CSR ફંડ ની 4 કરોડ ની મદદથી ટ્રોમા સેન્ટર (અકસ્માત ના કિસ્સાઓમાં ઇમરજન્સી સારવાર માટે) ઉભુ કરવાની જાહેરાત કરાઇ હતી. જેનુ કામ ટુંક સમયમાં શરુ કરાશે તેવુ કલેકટરે એક યાદીમા જણાવ્યુ હતું.
બેઠકમા આ મુદ્દાઓને લઇને થઇ ચર્ચા..
બેઠકમા હોસ્પિટલની વર્તમાન સુવિધાની સાથે અદાણી દ્વારા છેલ્લા ચાર મહિનામા ઉભી કરાયેલી નવી સુવિધા તેમજ નિરીક્ષણ બેઠકમાં નક્કી કરાયેલ ટ્રોમા સેન્ટર સહિતની નવી સુવિધાઓની ચર્ચાની સાથે સલાહકાર સમિતિએ હોસ્પિટલની સેવા સુધારવા માટે કરેલા સુચનો પર કામ કરવા અદાણીને માર્ગદર્શન અપાયુ હતુ. ટ્રોમા સેન્ટર અને સરકારની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાનો લાભ કચ્છના દર્દીઓને મળે તે અંગે. પ્રચાર પ્રસાર કરવા અને આરોગ્ય સેવાની ખામીઓ દુર કરવાની ચર્ચા થઇ હતી. બેઠકમાં કરાયેલ સૂચનો અને ચર્ચાને પગલે GK જનરલ હોસ્પિટલની આરોગ્ય સેવાઓને સુધારવા માટે અદાણી મેનેજમેન્ટે ખાત્રી આપી હતી.
આમતો અદાણીમા આવા વિવાદો પછી નવી જાહેરાતો એ નવી વાત નથી પરંતુ કચ્છના કલેકટર સહિત સરકાર કચ્છને સારી આરોગ્ય સુવિદ્યા આપવા મામલે ગંભીર હોય તેવુ બાળકોના મોતના વિવાદ પછી દેખાઇ રહ્યુ છે અને તેની ફળશ્રૃતી આજની બેઠકમા કચ્છ માટે થયેલી બે મહત્વની જાહેરાત પછી દેખાઇ રહી છે જો કે આશા છે કે માત્ર જાહેરાત નહી પરંતુ બેઠકમા થયેલી ચર્ચા અને નિર્ણયોની ઝડપી અમલવારી પણ થાય અને જો એવુ થશે તો કચ્છની આરોગ્ય સુવિદ્યા ખરા અર્થમાં લોકો માટે લાભકારી રહેશે.