દેશભરમાં ભાજપ સરકારથી નારાજ ખેડૂતો દ્વારા કરાઈ રહેલા વિરોધના સમર્થનમા કોંગ્રેસે રાજ્યવ્યાપી દેખાવો સાથે વિરોધ દર્શવ્યો હતો. ભુજ મધ્યે સરદાર પટેલની પ્રતિમાની સામે વિરોધ સાથે રસ્તા ઉપર ઉતરી કચ્છ જિલ્લા કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા ભાજપ સરકારના રાજમાં ખેડૂતો હેરાન પરેશાન થઈને આત્મહત્યા કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે નર્મદાની વાતો માત્ર પ્રચાર માટે છે,પણ વાસ્તવિકતા એ છે કે પાણી જ નથી મળતું એટલે પાક સુકાઈ રહ્યો છે, વીજળી ૨૪ કલાકની વાતો હવામાં છે, વીજ કાપ હોઈ મોટરો ચાલતી નથી, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી અને ખુલ્લા બજારમાં અનાજ શાકભાજીના ભાવો આસમાનને આંબે છે,લોકો મોંઘવારી થી ત્રસ્ત છે, એપીએમસી,માર્કેટયાર્ડ પણ નિષફળ છે, ઉદ્યોગપતિઓ કરોડોની લોન લઇ ભરતા નથી અને ખેડૂતોની દેવામાફીની જાહેરાતો વચ્ચે બેંકો કડકાઇથી નાણાંની વસૂલાત કરતી હોઇ ખેડૂતો શાહુકારો પાસે થી ઊંચા વ્યાજે નાણાં લઈને દેવામાં ફસાય છે અને અંતે આપઘાત કરે છે. આવા અનેક મુદ્દાઓ સાથે કોંગ્રેસે સ્પષ્ટ પણે આક્ષેપ કર્યો હતો કે ભાજપના રાજમાં ખેડૂતો દુઃખી દુઃખી છે. કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂત વિરોધી છે. આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ સરકારના છાજિયા લીધા હતા. ત્યારબાદ એકાએક રસ્તા રોકવાનો પ્રયાસ કરાતા પોલીસે કચ્છ કોંગ્રેસના ૫૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.આ વિરોધ કાર્યક્રમમાં કચ્છ કોંગ્રેસના જિલ્લા પ્રભારી પ્રદ્યુમ્નસિંહ જાડેજા(જામનગર), પ્રમુખ નરેશ મહેશ્વરી, આદમ ચાકી, નવલસિંહ જાડેજા, રસિક ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા,રફીક મારા, ફકીરમામદ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, ગની કુંભાર, રમેશ ધોળુ સહિતના આગેવાનો જોડાયા હતા. જોકે, કોંગ્રેસના રાજ્યવ્યાપી આ વિરોધમાં કચ્છના બે કોંગ્રેસી ધારાસભ્યો પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને સંતોક બેન પટેલ ની ગેરહાજરી દેખાઈ હતી.