વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના બે દિવસના કચ્છ પ્રવાસે રાજકીય હલચલ સર્જી છે.હવે તેમાં કચ્છ કોંગ્રેસના આગેવાને જીજ્ઞેશ મેવાણી સાથે કરેલી બેઠકે રાજકીય ખળભળાટ સર્જ્યો છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી, ભુજ વિધાનસભામાં કોંગ્રેસ વતી ઉમદેવારી કરનાર આદમ ચાકી ભુજના સરકીટ હાઉસમાં જીજ્ઞેશ મેવાણીને મળવા ગયા હતા અને તેમણે જીજ્ઞેશ સાથે બંધ બારણે ઘણો સમય ચર્ચા કરી હતી. કચ્છની લોકસભાની બેઠક ઉપર જીજ્ઞેશ મેવાણી ચૂંટણી લડશે એવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં અને લોકોમાં થઈ રહી છે ત્યારે લઘુમતી સમાજના આગેવાન અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા આદમ ચાકીની જીજ્ઞેશ મેવાણી સાથેની બેઠક શુ કોઈ રાજકીય ઉથલપાથલ નો સંકેત છે? ન્યૂઝ4કચ્છ સાથે આ મુદ્દે વાત કરતા આદમ ચાકીએ પોતે જીજ્ઞેશ મેવાણીને મળ્યા હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો.
શું થઈ ચર્ચા ?
જીજ્ઞેશ મેવાણી સાથે પોતે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી હોવાનું આદમ ચાકીએ જણાવ્યું હતું. જોકે, કચ્છમાં ૨૦૧૯ ની ચૂંટણીની જ્યારે ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર કોણ હશે તે વિશે અસમંજસ ભરી પરિસ્થિતિ છે ત્યારે શું કોઈ આ વિશે ચર્ચા થઈ છે ખરી? ન્યૂઝ4કચ્છના આ સવાલ વિશે અને કચ્છના સંદર્ભમાં થયેલી રાજકીય ચર્ચા વિશે કંઈ પણ કોમેન્ટ કરવાની આદમ ચાકીએ ના પાડી હતી. પરંતુ, જીજ્ઞેશ મેવાણી એ તેમની (આદમ ચાકી) સાથે કચ્છની સમસ્યાઓની ચર્ચા કરી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. ખાસ કરીને અદાણી GK જનરલ હોસ્પિટલના મુદ્દે અદાલતે આપેલા હુકમનું પાલન ન કરાતું હોવાની વાત, કચ્છનું એક માત્ર કાંકરેજ ગાયનું સંવર્ધન કેન્દ્ર બંધ કરવા માટેની લડત, રાજ્ય માં લઘુમતી વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકાર દ્વારા મળતી શિષ્યવૃતિના અમલ માટેની લડત, મુંદરા અને હરામીનાળા જખૌ પાસે અદાણી કંપની દ્વારા આચરાયેલા ગૌચર જમીન અને દરિયાઈ ક્રીકની જમીનનું કૌભાંડ અને અત્યારે કચ્છમાં ચાલતા બોગસ રાશનકાર્ડના કૌભાંડ અંગે પોતે જીજ્ઞેશ મેવાણી સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ કચ્છ એકતા મંચ દ્વારા કચ્છના પ્રશ્નો માટે લડવાના મુદ્દે તેમના સૂચનો અને સહકાર માંગ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, આ મુલાકાત શું કોઈ રાજકીય અર્થ કાઢી શકાય ખરો? એ સવાલના મુદ્દે આદમ ચાકીએ સ્પષ્ટ શબ્દોમાં ખુલાસો કરવાનું ટાળ્યું હતું. જોકે, આદમ ચાકી ગત વિધાનસભાની ચૂંટણી પછી કચ્છ કોંગ્રેસથી નારાજ છે અને પોતાની નારાજગી લેખિતમાં ફરિયાદ સ્વરૂપે અને મૌખિક રજૂઆતો દ્વારા તેઓ પ્રદેશ કોંગ્રેસ સમક્ષ વ્યક્ત કરી ચુક્યા છે, ત્યારે તેમની જીજ્ઞેશ સાથેની બેઠક કચ્છમાં કોઈ મોટી રાજકીય ઉથલપાથલ નો સંકેત તો નથી ને?