જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની ખેંચતાણ ભરી ઉત્તેજના વચ્ચે નવો સળવળાટ શરૂ થયો છે. જોકે, હવે તો ગણતરીના કલાકો જ છે, પણ નવી હલચલે અત્યારે તો કોંગ્રેસ અને ભાજપમાં રાજકીય ખળભળાટ સર્જવાનું શરૂ કરી દીધું છે. આ નવી હલચલ કોંગ્રેસમાંથી શરૂ થઈ છે પણ તે શરૂ કરનારા સતત પ્રેસ મીડીયામાં નિવેદન કરનારા વી.કે.હુંબલ નથી. આ હીલચાલ કોંગ્રેસના જ બીજા એક સભ્યએ શરૂ કરી છે.
મૂળ ભાજપી ગોત્ર ધરાવતા કોંગ્રેસી સભ્યએ લેટરબોમ્બ પછી શરૂ કર્યો રૂબરૂ સંપર્ક..
અત્યારે કોંગ્રેસમાંથી પાનધ્રો (લખપત) બેઠક ઉપરથી ચૂંટાયેલા મૂળ ભાજપના એવા હઠુભા સોઢાએ એક ખુલ્લો પત્ર લખીને આ લેટરબોમ્બમાં ‘કચ્છ વિકાસ મંચ’ ની રચના સાથે કચ્છના હિતમાં ભ્રષ્ટાચારમુક્ત અને સમતોલ વિકાસ આપી શકે તેવા પ્રમુખને ચૂંટી કાઢવા માંગતા ભાજપના સભ્યોને કોંગ્રેસના સભ્યો ટેકો આપશે એવી વાત કરી છે. જોકે, ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં હઠુભા સોઢાએ દાવો કર્યો હતો કે તેઓ ભાજપના ૧૨ થી ૧૫ સભ્યોને રૂબરૂ મળી ચુક્યા છે, અને ભાજપના આ સભ્યો પણ 10 ℅ ટેન પરસેન્ટ વાળા શાસનને બદલે પ્રમાણિક શાસન ઈચ્છે છે. જો ભાજપના સભ્યો કચ્છ વિકાસ મંચને ટેકો નહીં આપે તો કોંગ્રેસ પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખપદના ઉમેદવારો ઉભા રાખશે. હવે જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખનું કાઉન્ટડાઉન ચાલુ છે ત્યારે મૂળ ભાજપી ગોત્ર ધરાવતા અને કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાને ગજાવતા કોંગ્રેસના સભ્ય હઠુભા સોઢાએ શું કહ્યુ તે માટે સાંભળો ન્યૂઝ4કચ્છની આ ઓડિયો લીંક અને જાણો જિલ્લા પંચાયતનો નવો રાજકીય સળવળાટ.
શું ભાજપના આંતરિક રાજકારણમાં કોંગ્રેસનો ઉપયોગ?
સામાન્ય રીતે મોટી રાજકીય ઉથલપાથલ હોય તો તેના નિવેદનો પત્રકાર પરિષદમાં જે તે રાજકીય પક્ષના જિલ્લા પ્રમુખ કરતા હોય છે. પણ, કોંગ્રેસના વી. કે. હુંબલ સતત બબ્બે વખત જો ભાજપ તરફથી ‘ચોક્કસ ઉમેદવાર’ હશે તો કોંગ્રેસ વિરોધ કરશે એવું નિવેદન કરી ચુક્યા છે. તેની વચ્ચે હવે બીજા કોંગ્રેસી સભ્ય હઠુભા સોઢાએ ‘કચ્છ વિકાસ મંચ’નો નવો ધડાકો કર્યો છે. જોકે વાત ભલે કોંગ્રેસના ટેકાની થતી હોય પણ તેનો કન્ટ્રોલ કોના હાથમાં છે? જો કોંગ્રેસના જિલ્લા સંગઠન પાસે કન્ટ્રોલ હોય તો સયુંકત નિવેદન આવે ત્યારે અહીં તો બંને કોંગ્રેસી સભ્યોના નિવેદનો વ્યક્તિગત છે. ત્યારે કચ્છના કોંગ્રેસી અને ભાજપી રાજકીય કાર્યકરોની કાનાફુસી પ્રમાણે પ્રમુખ જ્યારે બહુમતીના કારણે ભાજપમાંથી જ ચૂંટવાનો છે ત્યારે કોંગ્રેસી સભ્યોના નિવેદનોમાં ક્યાંક ને ક્યાંક કચ્છ ભાજપના આંતરિક રાજકારણ દેખાઈ રહ્યું છે. જોકે, હવે તો ગણતરીના જ કલાકો છે ત્યારે આખુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.