Home Current કચ્છના શિક્ષણમાં રાજકારણે જન્મ આપ્યો “કલકીંત” ધટનાને: કુલપતિ જાડેજા બન્યા ભાવુક:ABVP લડતના...

કચ્છના શિક્ષણમાં રાજકારણે જન્મ આપ્યો “કલકીંત” ધટનાને: કુલપતિ જાડેજા બન્યા ભાવુક:ABVP લડતના મુડમાં

3320
SHARE
કચ્છમાં હજુ ઉચ્ચ શિક્ષણનો પાયો ભલે મજબુત ન બન્યો હોય પરંતુ શિક્ષણમાં રાજકારણનો પાયો વધુ મજબુત બનતો જાય છે,અને તેથીજ ભાજપની વિદ્યાર્થી પાંખ ABVP અને NSUI છાસવારે વિદ્યાર્થીઓના હિતની આડમાં તો ક્યારેક રાજકીય ઇરાદાપુર્વક વિરોધ કરતા નઝરે પડે છે. પરંતુ આજે જે થયુ તે કચ્છના શિક્ષણ જગતની કદાચ સૌથી કંલકીત ઘટના હશે. અગાઉ વિદ્યાર્થીઓના અન્યાય કે શૈક્ષણીક મુદ્દે શાંતિપૂર્ણ વિરોધ અનેકવાર થયા છે અને લાંબા ચાલ્યા છે. પરંતું ૨૬ જુન ૨૦૧૮ ના કચ્છ યુનીવર્સીટીમાં ક્યારેક ન બની હોય તેવી ઘટના બની અને તે પણ  22 જુલાઇના યોજાનાર સેનેટ સભ્યોની ચુંટણી માટે બની!! ABVP ના વિદ્યાર્થીઓએ મતદાર યાદીની અધુરાશો માટે પહેલા તો શાંતિપૂર્ણ રજુઆતો કરી પછી અચાનક સેનેટ ચુંટણીના ઇન્ચાર્જ અને કચ્છ યુનીવર્સીટીના પરીક્ષા નિયામક પ્રોફેસર ગીરીન બક્ષીના મોઢા પર કાળી શાહી ફેંકી અને તેમનું મોઢું કાળુ કર્યું એટલે થી ન અટકતા તેમનું સરઘસ કાઢ્યુ અને કુલપતિની ચેમ્બર સુધી દોરી ગયા. પ્રોફેસર ગીરીન બક્ષી મોઢા ઉપર બળતરા થતી હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા. બીજી બાજુ વિદ્યાર્થીઓના આક્રમક વલણ થી ડરીને યુનિવર્સિટીએ પોલીસ રક્ષણ માંગતા સરસ્વતીના  મંદિરમાં પોલીસ રક્ષણ પૂરું પડાયું હતું. આ ઘટનામાં ભલે પ્રોફેસરનુ મોઢુ કાળુ થયુ હોય પરંતુ તેનો ધબ્બો કચ્છના સંપુર્ણ શિક્ષણ જગતને લાગ્યો છે. જોકે, ABVP ના કહેવા મુજબ “અભી તો યે અંગડાઇ હે આગે ઔર લડાઇ હે” ની જેમ લડતની શરૂઆત છે. જેમાં અનેક નવા વળાંકો આવી શકે તેમ છે.

ABVP નો ખુલ્લો આક્ષેપ કુલપતિ કોગ્રેસની તરફેણમાં 

છેલ્લા 15 દિવસથી કચ્છ યુનીવર્સીટીમા સેનેટ સભ્યોની ચુંટણીને લઇને ભારે ધમધમાટ સાથે ભાજપ અને કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે કમર કસી છે. પરંતુ તેના વચ્ચે ABVP દ્વારા કચ્છ યુનીવર્સીટીની વિવિધ ફેકલ્ટીમાં મતદારયાદીમાંથી ગુમ થયેલા નામોને લઈને વિરોધ કરી રહી છે.  જેના મુદ્દે  કુલપતિ EC માં વારંવાર રજુઆતો કરી પરંતુ ન્યાય ન મળતા ઉગ્ર વિરોધ કરાયો હોવાનું ABVP ના પ્રદેશ કારોબારી સભ્ય ભાર્ગવ શાહે ન્યુઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યુ હતુ. જોકે, ABVP વતી ભાર્ગવ શાહે  પ્રો. ગીરીન બક્ષીની સાથે કુલપતિ સી. બી. જાડેજા કોગ્રેસની તરફેણમાં હોવાનો ખળભળાટ સર્જતો આક્ષેપ કર્યો હતો  એટલુંજ નહીં કુલપતિએ કોંગ્રેસના ઈશારે જુની યાદી પૈકીના 60℅ જેટલા વિદ્યાર્થી મતદારોના  નામો વિવિધ ફેકલ્ટીમાંથી  ગુમ કરી નાખ્યા હોવાનું કહ્યું હતું.ABVP એ બીજો ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે કેટલાક વચેટીયા સેનેટ સભ્યોની ચુંટણી પહેલા જ બેઠકોની ગોઠવણી માટે યુનીવર્સીટીની સાઠગાંઠથી સેટીંગ માટે તેમનો સંપર્ક કરે છે જે કોંગ્રેસના ઈશારે થઈ રહ્યું છે. જો કે, તેમના નામ આપવાનો ભાર્ગવ શાહે ઇન્કાર કર્યો હતો. પરંતુ તેમણે દાવો કર્યો હતો. કે ABVP ની લડાઇ સત્ય માટે છે. અને હજુ પણ તેઓ આ મુદ્દે લડત માટે મક્કમ છે. પરિણામ ભલે ગમે તે આવે.

કુલપતિ થયા ભાવુક..

કચ્છ યુનીવર્સીટીમાં અને ખુદ કુલપતિની ઉપસ્થિતી વચ્ચે જે શાહીકાંડ સર્જાયો તેનાથી કચ્છ યુનીવર્સીટીનુ શૈક્ષણિક વર્તુળ સ્તબ્ધ બની ગયું છે. શાહીકાંડ બાદ સંપુર્ણ સ્ટાફ કામથી દુર થઇ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જિલ્લા પોલિસવડા અને કલેકટરને રજુઆત કરી  અને આ ઘટનાને વખોડી હતી. તો ડો મહેશ ઠક્કર, ડો દર્શના ધોળકીયા અને ડો કે.એન.ત્રિવેદીની આગેવાની હેઠળ કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફ વિરોધ સાથે ધરણા પર ઉતરી ગયો હતો. અને ન્યાયની માંગ કરી હતી. જોકે,તે વચ્ચે હોસ્પિટલમાં હાજર કુલપતિ સી.બી.જાડેજાએ ભાવુક થતા કહ્યુ હતુ કે આવી દુખદ ઘટના તેમના શૈક્ષણીક કાર્યમાં તેઓએ જોઇ નથી અને તે વાત કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. જો કે તેઓએ ઘટનામાં વિદ્યાર્થીના હિતને બાજુમાં રાખી સંપુર્ણ શિક્ષણ જગતના હિતને ધ્યાનમાં રાખી કાર્યવાહીની વાત કરી હતી અને ખુલ્લો પડકાર પણ ફેંકયો હતો કે વિરોધ કરનાર વિદ્યાર્થીઓ જણાવે કયાં ખોટુ થયુ છે? પગલા ભરવા તેઓ તૈયાર છે. પરંતુ વિરોધની જે પધ્ધતિ અપનાવાઇ છે. તે દુખદ છે અને કાયદાકીય રીતે પગલા ભરવા માટે યુનીવર્સીટી તૈયાર છે .તો તે વચ્ચે ઇ.સી મેમ્બરની બેઠક પણ મળી છે. જેમાં આ શાહીકાંડ મુદ્દે ગંભીર ચર્ચા કરી કઇ દિશામાં આગળ વધવુ તે અંગે મંથન કરાયુ હતુ.

વાદવિવાદ,વિરોધ અને બેઠકો વચ્ચે પોલિસમાં ફરીયાદ 

પ્રોફેસર ગીરીન બક્ષી પર થયેલા હુમલા અને શાહિકાંડ બાદ એક તરફ યુનીવર્સીટીમાં બેઠકોનો દોર શરૂ થયો છે. તો સાથી કર્મચારીઓ પણ શાહિકાંડના વિરોધમાં લડતના મુડમાં છે. તે વચ્ચે ભુજ બી ડીવીઝન પોલિસ મથકે આ ઘટનાને લઇને પ્રોફેસર ગીરીન અનીલકાંત બક્ષીએ ABVP ના રામગઢવી,ભાર્ગવ તથા તેની સાથેના અન્ય અજાણ્યા 15થી20 ABVP ના કાર્યક્રરો સામે ફરીયાદ નોંધાવી છે. જેમાં હિંસક હુમલો રાજ્ય સેવક હોવા છંતા સરકારી ફરજમાં રૂકાવટ સહિત ધમકીની ફરીયાદ બી ડીવીઝન પોલિસ મથકે નોંધાવી છે. જેમાં ABVP ના રામગઢવી અને ભાર્ગવ સહિતના ટોળા સામે IPC ની કલમ 326A,332,186,506-2,504.143,147,149 મુજબની કલમો તળે ફરીયાદ નોંધાવી છે. જે આધારે બી ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
કચ્છમાં પ્રાથમીક માધ્યમીક અને ઉચ્ચત્તર શિક્ષણને લગતા અનેક પ્રશ્ર્નો અને સમસ્યા છે. તે પછી સ્ટાફ ઘટ હોય સ્કુલ કોલેજોની મનમાની હોય કે પછી વિદ્યાર્થીઓને થતા અન્યાયના મુદ્દા હોય અને તેથીજ વિદ્યાર્થી હિત માટે વિરોધ એ જરૂરી છે. પરંતુ એવા પ્રશ્ર્નોને બાજુએ રાખી સેનેટ ચુંટણી પહેલા થયેલા કથીત ગોટાળા મામલે થયેલો આજનો વિરોધ કદાચ શિક્ષણ હિતથી પર ગણી શકાય.. જોકે એવુ માનવાને કોઇ સ્થાન અત્યારના તબક્કે નથી કે ABVPનો વિરોધનો મુદ્દો ખોટો છે. પરંતુ વિરોધની પધ્ધતિ ચોક્કસ કચ્છના શિક્ષણ ઇતિહાસની કાળી ટીલ્લી સમાન ગણી શકાય કેમકે શિક્ષણમાં રાજકારણનુ કલ્ચર કચ્છમાં હજુ પુર્ણ વિસ્તર્યુ નથી. પરંતુ જે શરૂઆત છે. તે ચોક્કસ લાલબત્તી સમાન છે. જો કે ટકોર માત્ર વિદ્યાર્થી પાંખ માટે નથી પરંતુ યુનીવર્સીટી પણ જો આક્ષેપો મુજબ શિક્ષણમાં રાજકારણનો હિસ્સો બનતી હોય તો તે કચ્છના શિક્ષણ માટે જોખમી છે. જો કે આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે હવે પોલિસ તપાસ અગત્યની રહેશે…..