Home Current ભુજ પાલિકાના ભાજપના નગરસેવકનો ‘લેટરબોમ્બ’-જાણો કોણે શું આપી ચીમકી?

ભુજ પાલિકાના ભાજપના નગરસેવકનો ‘લેટરબોમ્બ’-જાણો કોણે શું આપી ચીમકી?

2680
SHARE
અત્યારે માત્ર થોડા જ વરસાદમાં વરસાદી પાણીના સ્ટ્રોમ વોટરના કામની ગોલમાલના વાયરલ થયેલા વીડીઓના પગલે ભ્રષ્ટાચારની ચર્ચા સમગ્ર ભુજમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે. ત્યારે ભાજપના જ એક નગરસેવકે આ કામ સંદર્ભે લખેલા ‘લેટેરબોમ્બે’ હલચલ મચાવી દીધી છે. આ પત્ર અને એમાં અપાયેલી ચીમકી પછી ભુજ નગરપાલિકાના શાસકો પણ હરકતમાં આવી ગયા છે.

જાણો કોણે શું આપી ચીમકી?

ભુજ પાલિકાના ભાજપના જ નગરસેવક કૌશલ મહેતાએ તારીખ ૧૬ અને ૧૭ જુલાઈના બે અલગ અલગ પત્રો ચીફ ઓફિસરને લખ્યા છે આ પત્રોમાં વરસાદી પાણીના નિકાલ માટેનું સ્ટ્રોમ વોટરનું કામ કરતા કોન્ટ્રકટર અને તેનું સુપરવીઝન કરતી એજન્સી ઉપર ચોંકાવનારા આક્ષેપો સાથે ફરિયાદ કરી છે અને જરૂર પડે કાનૂની કાર્યવાહીની આકરી ચીમકી ઉચ્ચારી છે. જેમાં હમીરસર તળાવ થી સ્ટેશનરોડ સુધી વરસાદી પાણીના નિકાલની કામગીરી કરતી કોન્ટ્રકટર એજન્સી દ્વારા નબળી ગુણવત્તાવાળું કામ કરાતું હોવાનું તેમ જ તેની દેખરેખ રાખી રહેલ એજન્સી પણ બેદરકાર હોવાનું જણાવીને આ કામમાં ચાલતી ગોલમાલ અટકાવવાની સ્પષ્ટ વાત કરી છે. સાથે, જો નબળું કામ નહીં અટકાવાય તો કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ ભાજપના નગરસેવકે આપીને હલચલ મચાવી દીધી છે. ધીમી ગતિએ ચાલતા કામ, બાંધકામની નબળી ગુણવત્તા, ઘણી જગ્યાએ મોટા પાઇપ પછી નખાયેલા નાના પાઇપોને કારણે ઉભી થનાર પાણી ના નિકાલની સમસ્યા ઉપરાંત આ કામ પૂરું થયા બાદ તેના ઉપર લોખંડ ના સળીયા સાથેની મજબૂતી ધરાવતો સિમેન્ટ રોડ ઝડપભેર બનાવવાની માંગ કરી છે.

સત્તાધીશોનો ખુલાસો માત્ર આશ્વાસન કે પછી ભ્રષ્ટાચારીઓને ચીમકી?

નગરસેવક કૌશલ મહેતાના ‘લેટરબોમ્બ’ સંદર્ભે ભુજ પાલિકાના ઉપપ્રમુખ ડો રામ ગઢવી અને કારોબારી ચેરમેન ભરત રાણા એ ન્યૂઝ4કચ્છ સમક્ષ કબૂલ કર્યું હતું કે હા કામ નબળી ગુણવત્તાવાળું છે, અમે કોન્ટ્રાક્ટર કંપની અને સુપરવીઝન કરનાર એજન્સીને ચેતવણી આપી છે. હવે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવીશું જો કામ નબળું હશે તો કોન્ટ્રાકટ ની ડિપોઝીટ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી કરીશું. વરસાદી પાણીના નિકાલના આ કોન્ટ્રકટમાં આગલી કારોબારીએ ભ્રષ્ટાચાર કર્યો છે એવી લોકો માં થઈ રહેલી ચર્ચાને ડો રામ ગઢવીએ નકારી હતી.

શા માટે થઈ રહ્યા છે આક્ષેપો?

ભુજના વરિષ્ઠ નાગરિકો, પૂર્વ નગરસેવકો અને ભુજ પાલિકાના અનુભવી કર્મચારીઓની વાત માનીએ તો અશોક હાથી અને શૈલેન્દ્રસિંહ જાડેજાના સમય મા શરૂ થયેલું આ કામ તેના કોન્ટ્રાક્ટર દ્વારા કરાઈ રહેલા નબળા બાંધકામ અને એજન્સીના લોલમ લોલ જેવા સુપરવીઝનના કારણે ચર્ચા નું કેન્દ્ર બન્યું છે. અમૃત યોજના નીચે શરૂ થયેલું વરસાદી પાણીના નિકાલનું કામ ૪ કરોડ અને ૩૫ લાખ નું છે. બે તબક્કામાં મંગલમ થી હમીરસર ૩૦૦ મીટર અને ઓલફ્રેડ થી જૂની રવિ ટોકીઝ સ્ટેશન રોડ સુધી ૧૩૦૦ મીટર એમ કુલ ૧૬૦૦ મીટરનું આ કામ અમદાવાદની એન. વી. પટેલ નામની કોન્ટ્રકટર કંપની અને તેનું સુપરવીઝન જિલ્લા પંચાયતના પૂર્વ કર્મચારી પ્રફુલ વર્મા ની એજન્સી પી.સી. સોલ્યુશન કરી રહી છે. ટાટાની TCS કંપની દ્વારા ભુજના વરસાદી પાણીના નિકાલની કામગીરીનો સર્વે રિપોર્ટ તૈયાર કરાયો છે. જોકે, આ કામ SOR ના ભાવ મુજબ જ મંજુર થયું હોવા છતાંયે તેની નબળી ગુણવત્તાના કારણે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. આથી અગાઉ જુના સમયમાં બસ સ્ટેશન પાસે નાળુ હતું અને જનતાઘર પાસે થી ન્યુ સ્ટેશન રોડ થઈ ને હરભોલે લોજ થઈને ભૂગર્ભ લાઇન દ્વારા આ પાણી દેશલસર તળાવ માં પહોંચતું હતું. ૧૯૮૫ માં બસ સ્ટેશન પાસે પાલિકાએ શોપીંગ સેન્ટર બનવતા પાણી નિકાલની સમસ્યા શરૂ થઈ. પછી ૧૯૯૮ માં ગોપી ગોલાની સામે થી ડિવાઈડર નીચે પાઇપ નાખીને તેનું જોડાણ જનતાઘર પાસે જુના નાળામાં આપીને વ્યવસ્થા ગોઠવાઈ પણ આમાં ડિવાઈડર નીચેના પાઇપ નાના હોઈ બસ સ્ટેશન પાસે પાણી ભરાવવાની સમસ્યા એમ જ રહી. હવે નવી વ્યવસ્થામાં ઓલફ્રેડ પાસે ઢાળ હોવા છતાંયે ત્યાં રોડ ખોદી નીચે પાઇપ નાખવાની શું જરૂર હતી? એવો સવાલ જાણકારો કરી રહ્યા છે, તો જુના રાજાશાહીના નાળા જેમાં આટલા મોટા પાઇપો એમ જ ઉતરી ગયા છે તેનું વહેણ બદલાવીને પંકજ ગેસ્ટ હાઉસ પાસે થી સ્ટેશનરોડ થઈ રવિ ટોકીઝ વાળા નાળા પાસે થી લઇ જઇને દેશલસર તળાવ માં છોડવાનુ આયોજન છે. પણ જૂની વ્યવસ્થામાં દેશલસર તળાવ ઓગની જાય ત્યારે વધારાનું પાણી ભીડ નાકા પાસે ભુતેશ્વર થઈને રુદ્રાણી ડેમ સુધી પહોંચે એવી વ્યવસ્થા હતી. જ્યારે હવે દેશલસર તળાવ જો ઓગની જાય તો વરસાદનું વધારાનું પાણી ક્યાં જશે? એની વ્યવસ્થા સામે પણ જાણકારો સવાલ કરી રહ્યા છે. શરુઆત થી જ આ કામ સામે મીડીયાના અહેવાલો પછી ભુજ પાલિકાના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેને મૌન સેવ્યું અને હવે સોશીયલ મીડીયા માં વાયરલ થયેલા વીડીઓએ ભુજમાં જગાવેલી ચર્ચા પછી પાલિકાના નવા શાસકો દોડતા થયા છે. પણ સો મણ નો સવાલ એ જ છે કે સરકારે ખર્ચેલા ૪ કરોડ ₹ પછી પણ જો ભુજ માં પાણી ભરાય તો જવાબદાર કોણ?