Home Current કચ્છ ભાજપનો આંતરીક કકળાટ યથાવત : અરવિંદ પીંડોરીયા પછી તાલુકા પંચાયતના...

કચ્છ ભાજપનો આંતરીક કકળાટ યથાવત : અરવિંદ પીંડોરીયા પછી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખે આપ્યુ રાજીનામુ 

2100
SHARE
એક તરફ કચ્છ ભાજપ નલિયાકાંડ અને જેન્તીભાઇની સેક્સલીલાને લઇને બદનામ છે. ત્યા બીજી તરફ સંગઠન અને હોદ્દા માટે પણ ભાજપનો આંતરીક ખટરાગ હવે ખુલીને સામે આવી રહ્યો છે. ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સામત મહેશ્વરીએ ભાજપના ધારાસભ્ય તેમ જ પ્રદેશ આગેવાન સામે જીજ્ઞેશ મેવાણી ને મદદ કરવાના કરેલા આક્ષેપો હજુયે ચર્ચામાં છે. તો, થોડા સમય પહેલાં જ તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને પાલિકાઓમા જે રીતે ખુલીને બળવો થયો અને નારાજ કાર્યકરો તેમ જ હોદ્દેદારોએ રાજીનામા ધર્યા તેનો સીલસીલો હજુ પણ ચાલુ છે. ત્યાં આજે ગાંધીધામ તાલુકા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખે જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલને એક લેટર લખી સંગઠનમાં ત્રાસ અપાતો હોવાનો અને ઓરમાયુ વર્તન કરાતુ હોવાની ફરીયાદ સાથે રાજીનામુ આપ્યુ છે. જો કે રાજીનામુ આપનાર નિખિલ અમૃતલાલ હડિયા નો તેમના રાજીનામા સંદર્ભે અંગે તેમનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો પરંતુ તેમણે લખેલ લેટર સોશ્યલ મીડીયામા ફરતો થયો હતો.

હવે ભાજપનો પણ આંતરીક જુથવાદ ખુલ્લીને સામે આવી રહ્યો છે?

છેલ્લા થોડા સમયના ધટનાક્રમની વાત કરીએ તો ભાજપ ભલે તમામ તાલુકા પંચાયત હસ્તગત કરવા સાથે મજબુત સંગઠનના દાવા કરી રહ્યુ છે. પરંતુ બીજી તરફ ભાજપનો આંતરીક જુથવાદ હમણાં સૌથી વધુ ચર્ચામાં છે, જીલ્લા પંચાયતમા વરણી સમયે પટેલ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની ખેંચતાણ બાદ અરવિંદ પીંડોરીયાનુ તમામ સમિતીમાંથી પત્તુ કપાયુ અને કચ્છ ભાજપમાં રહેલું તેમનું વિરોધી જુથ્ ફાવ્યુ પણ અરવિંદ પીંડોરીયાએ તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ. તો ત્યાર બાદ ગાંધીધામ પાલિકાના કારોબારી ચેરમેનની વરણી સમયે પણ બોગસ લેટર મામલે ભાજપનો વધુ એક આંતરીક જુથ્વાદ સપાટી પર આવ્યો. બાદમાં ભુજ પાલિકામા પણ ક્ષત્રિય કાઉન્સીલરને કારોબારી ચેરમેન બનાવવા માટે ભાજપના જ અમુક નગરસેવકો ખુલ્લીને પક્ષની સામે સામે આવ્યા હતા. હવે ગાંધીધામ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિખીલ અમૃતલાલ હડિયાએ રાજીનામા સાથેનો લેટર કચ્છ ભાજપના પ્રમુખને મોકલ્યો છે. શિણાય સીટ પરથી ચુંટાયેલા નિખીલ હડિયાએ આ પત્ર સાથે હોદ્દાનો ત્યાગ કર્યો છે.
આમતો આ લીસ્ટ લાંબુ છે. કેમકે ન સામે આવેલા ભાજપના આંતરીક જુથવાદના કિસ્સા પણ અનેક છે. તો મુન્દ્રા તાલુકા પંચાયતમાં પાર્ટી મેન્ડેટની અવગણના કરી સમિતીઓના હોદ્દેદારોની વરણી કરી દેવાઈ. તાલુકા પ્રભારીનું કોઈએ માન્યું નહીં અને શિસ્તબદ્ધ ગણાતો ભાજપ પક્ષ જોતો રહી ગયો. અનુસુચીત જાતીના પ્રમુખ સામત મહેશ્વરી ભાજપના જ નેતાઓ વિરુદ્ધ આક્ષેપો કરે, જાન થી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ કરે આવાતો અનેક કિસ્સા કચ્છ ભાજપના આંતરીક જુથવાદને ખુલ્લો પાડી રહ્યા છે. જો કે પાર્ટી ડેમેજકન્ટ્રોલ કરવાના ભરપુર પ્રયત્નો કરી રહી છે. પરંતુ એક સાંધો ત્યાં તેર તુટે તેમ રોજ નવા નવા પ્રશ્ર્નો પાર્ટી સંગઠન સામે આવી રહ્યા છે. જેનો ઉકેલ આવે તેવું અત્યારે કયાંયે દેખાતુ નથી. પરંતુ 2019 પહેલા ચોક્કસ કઇક નવાજુનીના એંધાણ આવશે એવું દેખાઈ રહ્યું છે. પણ, શિસ્તના મુદ્દે કચ્છ ભાજપ કેટલો ગંભીર છે એ તો આવનારો સમય જ બતાવશે.