રક્ષાબંધન નું પર્વ એ ભાઈ બહેન ના પ્રેમ ના પ્રતીક નું પર્વ છે. પણ ભુજની પુનિતવન ગ્રુપની મહિલાઓ માટે રક્ષાબંધન નું આ પર્વ વિશિષ્ટ બની રહ્યું. તેમણે એવા ભાઈઓને રાખડી બાંધી કે જેમની બહેનો દૂર દૂર વતન માં રહે છે, અને આ ભાઈઓ ટાઢ તડકા વચ્ચે સતત ઉભા પગે સરહદ ઉપર ફરજ બજાવે છે. હા, વાત મા ભોમ નું રક્ષણ કરતા સરહદના સંત્રીઓ ની છે, ભુજ ના પુનિતવન ગ્રુપ ની બહેનોએ સરહદનું રખોપું કરતા વીર જવાનોને કાંડે રાખડી રૂપી ‘રક્ષાકવચ’ બાંધીને રક્ષાબંધન ના પર્વની વિશિષ્ટ ઉજવણી કરી હતી. પુનિતવન ગ્રુપની બહેનો કુસુમબેન ઓઝા, મીતાબેન સોલંકી, લતાબેન વોરા, હર્ષાબેન કોટક, હીનાબેન સોની, ગીતાબેન હેડાઉ સહિત ૩૦ જેટલી બહેનોએ કોટેશ્વર બોર્ડર પોસ્ટ, ગુનેરી બોર્ડર પોસ્ટ અને લખપત બોર્ડર પોસ્ટ ઉપર બીએસએફ ના જવાનો ને કાંડે રાખડી બાંધી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. કુસુમબેન ઓઝાએ જ્યારે રક્ષાબંધન ના ગીતો ગાયા ત્યારે જવાનોની આખો ભીંજાઈ ગઈ હતી. વતન નું રખોપું કરતા વીર જવાનો આ બહેનો ની લાગણી થી ગદગદ થઈ ગયા હતા. રક્ષાબંધનની ઉજવણીમાં આ બહેનોની સાથે ભાઈઓ વિજય શેઠ, કિરીટ પટેલ, અરવિંદ કોટક, ભુપેન્દ્ર મહેતા, મહેશ ઠક્કર, સુકેતુ રૂપારેલ, ભરત સોની, મુકુંદ પટેલ, બાબુભાઇ જોડાયા હતા. પુનિતવન ગ્રુપ સાથે પતંજલિ યોગ સમિતિ અને ભારત સ્વાભિમાન સંસ્થા સહયોગી બની હતી. આ ગ્રુપ વતી ન્યૂઝ4કચ્છને માહીતી આપતા ભુપેન્દ્ર મહેતા એ જણાવ્યું હતું કે શિવગુફા જવા માટે તેમની બસ રસ્તો ભૂલી ગઈ ત્યારે ગુનેરી બીએસએફ કેમ્પ ના જવાનો તેમને ઉપયોગી થઈને છેક શિવગુફા સુધી મૂકી ગયા હતા.
મુસ્લિમબાળાઓ એ જ્યારે કાંડે રાખડી બાંધી ત્યારે જવાનોની આંખડી થઈ ભીની..
નખત્રાણા ના લુડબાય ગામની જત બાળાઓએ પણ રક્ષાબંધનનું પર્વ વિશિષ્ટ રીતે ઉજવ્યું હતું. પરંપરાગત જત વેશભૂષા સાથે હાજીપીર બોર્ડર પોસ્ટ પર ફરજ બજાવતાં જવાનો ને આ મુસ્લિમ બાળાઓ એ રાખડી બાંધી હતી. જોકે, સુતર ના તાંતણે રાખડી બાંધતી આ નાની બાળાઓ ને જોઈને જવાનોને તેમની વ્હાલસોયી નાની બહેનો અને દીકરીઓની યાદ આવી ગઈ. અહીં સરહદે તેમને પોતાનો પરિવારની યાદ આવી. પણ, આ નાનકડી બહેનો ના પ્રેમે આ જવાનોને એ અહેસાસ કરાવ્યો હતો કે તેમને દેશના નાગરિકો એક પરિવારની જેમ ચાહે છે. એકતા ના સંદેશ સાથે ના આ આયોજન માં લુડબાય ગામના જબ્બાર જત સહયોગી બન્યા હતા.