ઘાસચારા ના મુદ્દે કચ્છ ની ગંભીર પરિસ્થિતિ સંદર્ભે કચ્છ ભાજપના નેતાઓને એકાએક ગાંધીનગરથી આવેલા તેડા એ રાજકીય ચર્ચા જગાવી છે. કચ્છનું પશુધન ભૂખે મરી રહ્યું છે એવી પશુપાલકો, ગૌશાળા, પાંજરાપોળ ના સંચાલકો ની સતત ફરિયાદો અને મીડિયાના અહેવાલો સતત ચર્ચામાં રહ્યા છે. પણ ગઈકાલે કચ્છ કોંગ્રેસે કરેલા આક્રમક દેખાવોને પગલે સરકાર ચોંકી ઉઠી છે અને મુખ્યમંત્રીએ એકાએક કચ્છ ભાજપને ગાંધીનગર નું તેડું મોકલ્યું છે.
ઘાસચારાની તંગીથી સરકારને વાકેફ કરવામાં ઢીલ થઈ?
મુખ્યમંત્રી ના તેડા ને પગલે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ ની આગેવાની નીચે જિલ્લા પંચાયત પ્રમુખ,સાંસદ અને ભાજપના ચારે ચાર સભ્યો સહિત સંગઠનના હોદ્દેદારો આજે ગાંધીનગર પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબીનેટ ની બેઠક બાદ બપોર પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છ ની સ્થિતિ અંગે ચર્ચા કરશે. કચ્છ ભાજપના આંતરિક વર્તુળોના જણાવ્યા પ્રમાણે કચ્છમા ઘાસચારા નો અભાવ અને ભૂખમરો વેઠતા પશુધન ની પરિસ્થિતિ થી કચ્છ ભાજપે રાજ્ય સરકારને પૂરતી વાકેફ ન કરી હોય મુખ્યમંત્રી નારાજ છે. આમેય કચ્છ ભાજપની આંતરિક જૂથબંધી થી મુખ્યમંત્રી અગાઉ પણ નારાજ તો છે જ,ત્યારે હવે અછત ના મુદ્દે સરકાર અંધારામાં રહી હોવા થી મુખ્યમંત્રી નારાજ હોવાની ચર્ચા છે.
તંત્ર સ્વીકારે છે, પરિસ્થિતિ વિકટ છે, કોંગ્રેસે વિરોધ કર્યો તો શાસક પક્ષે શું કર્યું ?
જિલ્લા ની અછત શાખાના આંકડા પ્રમાણે ૩ લાખ જેટલા પશુઓ નો ઘાસકાર્ડ માં સમાવેશ થાય છે. તેમના માટે દરરોજ ૧૫૦ થી ૨૦૦ ટ્રક ઘાસ જોઈએ તેના બદલે માંડ ૩૦ થી ૩૫ ટ્રક ઘાસ આવે છે. કલેકટર રેમ્યા મોહને પણ ઘાસ નો જથ્થો ઓછો આવતો હોવાનું સ્વીકાર્યું છે. જોકે, ભાજપના પ્રજાકીય પ્રતિનિધિઓ રાહત કમિશનર અને કલેક્ટરનો હવાલો આપતા રહ્યા. પણ, કોંગ્રેસે જે રીતે પશુઓ ની સાથે વિરોધ કરીને આકમક રીતે દેખાવો કર્યા સરકારી કાર્યક્રમો ના બહિષ્કાર ની ચીમકી આપી તેનાથી સરકાર ચોંકી ગઈ હોવાનું જાણવા મળે છે.
અર્ધ અછત અથવા અછત ની જાહેરાત?
કચ્છ માં કુલ પશુધન ની સંખ્યા ૧૬ લાખ જેટલી છે, વરસાદ ખેંચાયો છે. ત્યારે જ્યાં પાંચ ઇંચ થઈ ઓછો વરસાદ પડ્યો છે એવા કચ્છના તાલુકા વિસ્તારોમાં અછત અથવા અર્ધ અછતની જાહેરાત સરકાર કરે તેવી પણ ચર્ચા છે. જોકે, અછત કે અર્ધ અછતની જાહેરાત સામાન્ય રીતે ચોમાસુ પૂર્ણ થાય ત્યારે આનવારીને આધારે થતી હોય છે.