એકબાજુ સમગ્ર ભુજમાં પાણી ની બુમરાણ છે. ભુજને નર્મદાનું પાણી વધુ મળે તે માટે ધારાસભ્ય દ્વારા ગાંધીનગર રજૂઆતો કરાય છે. ભુજ નગરપાલિકા પાણી માટે જુના બોર રિચાર્જ કરવા અને નવા બોર બનાવવા લાખો રૂપિયા ખર્ચે છે. તેની વચ્ચે ભુજ શહેરમાં પીવાના પાણી ની લાઇન તુટવાની ઘટના વધી રહી છે. આજે બપોરે ભુજ ના જયનગર પાસે પાણીની લાઇન તુટી પડતાં લાખો લીટર પાણી વેડફાઈ ગયું હતું. અહીં ચાલતા કામ દરમ્યાન ખાનગી કોન્ટ્રકટર ના જેસીબીએ પીવાના પાણી ની લાઇન તોડી નાખી હતી. આ ભંગાણ ને પગલે વેડફાયેલા પાણી ને નિહાળીને શહેરીજનોએ અફસોસ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન ન્યૂઝ4કચ્છે આ અંગે વોટરસપ્લાય કમીટી ના ચેરમેન કૌશલ મહેતાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ચાલતા કામ દરમ્યાન આ પાણીની લાઇન તુટી ગઈ હતી. ભુજ માં ચાલતા વિવિધ કામ દરમ્યાન ખાનગી કોન્ટ્રાક્ટર ની બેદરકારી ના કારણે અવારનવાર પીવા ના પાણીની લાઇન તુટવાની ઘટના બનતી હોવાનું કૌશલ મહેતાએ જણાવ્યું હતું. રૂબરૂ અને લેખિત માં ભુજ નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરોને જાહેર રોડ રસ્તા ના કામ માં ખોદકામ કરતી વેળાએ જાણ કરવા જણાવાયું હોવા છતાં પણ જાણ કરાતી નથી. હવે, ખાનગી કોન્ટ્રકટરો વિરુદ્ધ જરૂરત પડ્યે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પોતે ચીફ ઓફિસર સદીપસિંહ ઝાલા સાથે ચર્ચા કરશે એવું કૌશલ મહેતાએ ન્યૂઝ4કચ્છને જણાવ્યું છે.