સમગ્ર રાજ્યની સાથે આજે ૬ સપ્ટેમ્બરે કચ્છ જિલ્લા ના પંચાયતી તલાટીઓ એ કલેકટર મારફતે પોતાના પ્રશ્નો ઉકેલવા આવેદનપત્ર આપ્યું છે. કચ્છ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ રાજુભા જાડેજા અને મહામંત્રી નિકુંજ ભટ્ટ સહિત અન્ય હોદ્દેદારો અને આગેવાનોએ ભુજ મધ્યે ઇન્ચાર્જ એડીશનલ કલેકટર શ્રી કાંથડ મેડમ ને આવેદનપત્ર આપીને જો તેમની માંગણીઓ ન સ્વીકારાય તો તબક્કાવાર વિરોધ કાર્યક્રમ દ્વારા સરકારનું ધ્યાન દોરવાની ચીમકી પણ આપી છે. જોકે, સામાન્ય સંજોગો મા ખૂબ જ ઓછો વિરોધ કરતા પંચાયતી તલાટીઓ શા માટે આ વખતે આક્રમક મૂડ મા છે? જાણીએ શું છે તલાટીઓની રજુઆત
કાળી પટ્ટી, પેન ડાઉન, સીએલ અને ધરણા ની ચીમકી..
રાજ્ય તલાટી મહામંડળ દ્વારા કરાયેલ ઠરાવો સાથેની મુખ્યમંત્રી ને કરાયેલ રજૂઆત કચ્છ જિલ્લા તલાટી મંડળે કલેકટરને આપેલા આવેદનપત્ર મા સામેલ છે.
જિલ્લા પંચાયત હસ્તક કામ કરતા ગ્રામ પંચાયત ના અને શહેરી વિસ્તારના સીમ તેમ જ શહેર તલાટીઓ ને મહેસુલી તલાટીઓ ની સરખામણીએ સતત અન્યાય કરાય છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ ફરજ બજાવતા મહેસુલી તલાટીઓને ગ્રામ પંચાયત મા ફરજ બજાવવાનો સરકારી આદેશનો જોબ ચાર્ટ હોવા છતાંયે તેઓ ગ્રામ પંચાયત મા ફરજ બજાવતા નથી. મહેસુલી તલાટીઓ ના જોબચાર્ટના કામો નો આગ્રહ પંચાયત તલાટીઓ પાસે થી રખાય છે. સરકારે ૪૧૯૯ મહેસુલી કર્મચારીઓને ફરી વાર તા/૧૨/૯/૧૭ થી પ્રતિ નિયુક્તિ ઉપર મુક્યા છે. પણ, તેની સામે તેઓ કોર્ટ મા ગયા છે. તેમને ૪૪૦૦ નો ઉચ્ચતમ પગાર ગ્રેડ મળે છે છતાં ગ્રામ પંચાયત કક્ષાએ મહેસુલી તલાટીઓનું કામનું વધારાનું ભારણ અને બોજો પંચાયતી તલાટીઓએ જ વેઠવો પડે છે. મહેસુલી તલાટીઓ ને નાયબ મામલતદાર તરીકે બઢતી મળી શકે છે પણ તેમના જ સંવર્ગ મા આવતા એક જ ગ્રેડ ના પંચાયતી તલાટીઓ ને વર્ષો સુધી બઢતી મળતી નથી અને જ્યારે વર્ષો પછી બઢતી મળે છે ત્યારે પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે મળે છે. જે મા પણ અન્યાય થાય છે. તેને બદલે સરકારે વિસ્તરણ અધિકારી ઉપરાંત તેની સમકક્ષ જગ્યાઓએ સમાન પે સ્કેલ સાથે સહકાર, આંકડા, નાયબ ચિટનીશ તરીકે પંચાયતી તલાટીઓને બઢતી આપી વર્ષો પછી ની નોકરી બાદ બઢતી ની તકોને વ્યાપક બનાવવી જોઈએ. ૨૦૦૬ ના ફિક્સ પગાર ના તલાટીઓને ગ્રેડ નો લાભ અપાય છે તે જ રીતે ૨૦૦૪ ના ફિક્સ પગાર મા જોડાયેલા તલાટીઓને ગ્રેડ નો લાભ આપવા માંગણી કરાઈ છે. જેથી તેમના પેન્શન ના અને અન્ય હક્કો જળવાઈ રહે.
પોતાની માંગણીઓ અને પડતર પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવા અને ઉકેલવા માટે આ વખતે પંચાયતી કર્મચારીઓ મક્કમ છે અને તેમણે ચાર તબક્કામાં પોતાનો રાજ્ય વ્યાપી વિરોધ કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. જે અનુસાર કચ્છમા પણ તલાટીઓ વિરોધ કરશે.
તારીખ ૧૦/૯/૧૮ ના રોજે કાળી પટ્ટી ધારણ કરી તલાટીઓ કામ કરશે, તા/૧૭/૯/૧૮ ના પેન ડાઉન રાખીને કચેરીમાં આવશે પણ કામકાજ થી અળગા રહેશે. તા/૨૯/૯/૧૮ ના સ્થાનિક સીએલ રાખી ને ફરજીયાત રજા રાખી કામકાજ નહી કરે, જ્યારે ૨જી ઓક્ટોબર ગાંધી જ્યંતી ના તલાટીઓ ધરણા યોજીને સરકાર નું તેમની માંગણીઓ ઉકેલવા માટે ધ્યાન દોરશે.