પૂર્વ કચ્છમાં આરટીઓ અને ખનિજ વિભાગની કચેરી બનતાં લોક આકાંક્ષાઓ પૂર્ણ થઇ છે ત્યારે રાજયહિતમાં લીઝધારકો નિયમિત અને સાચી રોયલ્ટી અદા કરે, તેમ આજે ભુસ્તરવિજ્ઞાન અને ખનિજખાતાની પૂર્વ કચ્છની કચેરીના શુભારંભ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.આજે અંજાર ખાતે પૂર્વ કચ્છ ખનિજ કચેરીનો રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે રીબીન કાપી શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલા સમારોહને સંબોધતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ રાજયનો લગભગ ચોથા ભાગનો હિસ્સો ધરાવતો જિલ્લો હોવા સાથે બસ્સોથી સવાબસ્સો કરોડની ખનીજ રોયલ્ટીની આવક રળી આપે છે.તેમણે કચ્છમાં ૯૦૦ જેટલા લીઝધારકો અને ૧૨૫૦ ઉદ્યોગો આવેલા છે, તેમ જણાવી પૂર્વ કચ્છમાં ખનીજ વિભાગની કચેરી બને એના માટે અંજારની ડેવલપમેન્ટ કાઉન્સિલ, વિકાસ સમિતિ સહિત ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓની ખૂબ લાબાં સમયથી માંગણીને રાજયના જનપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પૂર્ણ કરી એનો સૌને આનંદ છે, તેમ કહયું હતું.રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે રાજયમાં ૭૮૦૦ ખનિજલીઝ ધારકોની સામે કચ્છમાં ૯૦૦ લીઝધારકો હોવાથી ખાસ કરીને કચ્છના લોકોની અપેક્ષા હતી કે આરટીઓ અને ખાણ-ખનિજ વિભાગની કચેરીઓ પૂર્વ કચ્છમાં બને તે સપના આજે પૂરાં થયાં છે. સરકાર વિકાસના પંથે આગળ ધપી રહી છે, ખનિજ વિભાગને અદ્યતન કરવા સહિત વાહનો, મહેકમની મંજૂરી જેવા પગલાં ભરી રાજય સરકાર દ્વારા વધુ સુસજ્જ કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે કેરળના પૂરપીડિતો માટે અંજાર ડેવલપમેન્ટ કાઉન્સિલના આગેવાનો શિરીષભાઈ હડિયા સહિતના આગેવાનોના હસ્તે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરને ૧,૦,૧૦૦૦/-નો રાહતનિધિ ફંડનો ચેક અર્પણ કરાયો હતો.જિલ્લા પંચાયત અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ ખનિજ સમૃધ્ધ અને વિશાળ એવા કચ્છ જિલ્લા રાપર-ભચાઉ ડિસ્ટ્રીકટ મિનરલ ફંડનો મોટો હિસ્સો જિલ્લા પંચાયતને વિકાસકામો માટે પ્રાપ્ત થતો હોવાનું જણાવી ભવિષ્યમાં વિકાસકામો માટે વધુ રકમની ફાળવણી દ્વારા સારાં વિકાસકામો કરાશે તેવી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ અંજાર માટે ખૂબ આનંદનો વિષય હોવાનું જણાવી કચ્છ માટે પૂર્વ અને પશ્ચિમ કચ્છ માટે ભુસ્તરશાસ્ત્રની કચેરીના બે વિભાગ પાડવામાં આવ્યાં છે ત્યારે અંજારને ખાણ-ખનિજ વિભાગની એક કચેરી આપીને રાજય સરકારે કચ્છ જેવા મોટા જિલ્લામાં ખનિજ વિભાગની કામગીરીને પ્રજાજનોની લાગણી-માગણી અનુસાર ખૂબ સરળ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમ જણાવી રાજય સરકારની સાથે રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
ખાણ ખનિજ ના કર્મચારીઓ માટે હવે ડ્રેસ ફરજીયાત
ખાણ-ખનિજ વિભાગ કમિશનર રૂપવંતસિંહે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, કચ્છ ભુસ્તરવિજ્ઞાન વિભાગ માટે સૌથી અગત્યનો જિલ્લો છે. આખા રાજયની ૧૦ થી ૧૫ ટકા રોયલ્ટી એકત્ર કરવા, લીઝધારકોને સુવિધા પુરી પાડવા સહિતની કામગીરી એકલા કચ્છમાં થાય છે. જે મહેકમ અન્ય જિલ્લામાં મળતું હોય તેવા મહેકમથી આખા કચ્છ જિલ્લાનો વહીવટ થાય તે ન્યાયોચિત ન હતું. તેમણે રોજગારી સાથે સંકળાયેલા ઉદ્યોગોની સાચી માગણીનું આ ઉદાહરણ હોવાનું પણ જણાવ્યુ હતું. તેમણે રાજય સરકાર દ્વારા તાજેતરમાં વર્ગ-૧ અને રના ૨૭ નવા અધિકારીઓની નિમણુંક તેમજ પહેલી એપ્રિલથી ભુસ્તરશાસ્ત્રીઓને ડ્રેસકોડનો અમલ સહિત આવનાર દિવસોમાં રોયલ્ટી ઇન્સ્પેકટરની મોટા પાયે ભરતી સાથે ખનિજ વિભાગ વધુ સુસજ્જ થશે, તેમ જણાવી પૂર્વ કચ્છની નવી ખનિજ કચેરીથી લીઝધારકોને વહીવટી કામગીરીમાં સરળતાનો અનુભવ પ્રાપ્ત થશે, તેમ કહયું હતું.
આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ પલણ, તા.પં. અધ્યક્ષ ગોવિંદભાઈ ડાંગર, ન.પા. ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, તા.પં. ઉપાધ્યક્ષ જયોત્સનાબેન દાસ, ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ કોઠારી, રાપર ન.પા. ઉપાધ્યક્ષ હઠુભા સોઢા, ભાજપ મહામંત્રી વલમજીભાઈ હુંબલ, જિ.પં. પૂર્વાધ્યક્ષ જીવાભાઈ આહિર, ન.પા. પૂર્વાધ્યક્ષો પુષ્પાબેન ટાંક, વસંતભાઈ કોડરાણી સહિત મહામંત્રી કાનજીભાઈ આહિર, ડેનીભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, અંજાર ડેવ. કાઉન્સિલના મહેન્દ્રભાઈ કોટક તેમજ કવોરી એસો.ના પ્રમુખ મુળરાજસિંહ જાડેજા સહિત લીઝધારકો અને શહેરના અગ્રણી નાગરિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.ખનિજ વિભાગના એડી.ડાયરેકટર ડી.એમ.શુકલા, પ્રાંત અધિકારી વિજયભાઈ રબારી, જી.એચ.આરેઠીયા, જે.બી.જાડેજા સહિતના ખનિજ કચેરીના અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે મહેમાનોનું શાબ્દિક સ્વાગત પૂર્વ કચ્છના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ડો. એ.બી.ઓઝાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ મહેતાએ જયારે આભારદર્શન ભુસ્તરશાસ્ત્રી કે.એન.માવેદિયાએ કર્યું હતું