એકબાજુ રાજ્ય સરકાર કચ્છમા રણોત્સવ માટે તડામાર તૈયારીની સાથે બેઠકો યોજી રહી છે. બીજીબાજુ, રાજ્યસરકાર દ્વારા કચ્છમાં અછત જાહેર કરાયા પછી પણ પરિસ્થિતિ સુધરી નથી. પરિણામે, રાજ્યની સાથે સમગ્ર કચ્છ મા પશુપાલન ક્ષેત્રે અગ્રેસર ગણાતા બન્ની પંથકના માલધારીઓ આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના નેજા નીચે એકઠા થયેલા પશુપાલકોએ આજે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને દોઢ લાખ પશુઓને ભૂખમરા થી બચાવવા અને લોકો ને રોજગારી પુરી પાડવાની માંગ કરી હતી. ઓક્ટોબર મહિના થી અછત શરૂ થઈ છે, પરંતુ હવે ઓક્ટોબર મહિનો પૂરો થવામાં છે, પણ કચ્છમા અછતની અમલવારી કયાંયે વરતાતી ન હોઈ હવે ધીરે ધીરે પશુપાલકો નો આક્રોશ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી સમક્ષ બન્નીના માલધારીઓનીની માંગણી સાથે ચીમકી
મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્દેશીને બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને તાત્કાલિક અછત ના અમલીકરણ માટે માંગ કરી છે. પોતાની રજુઆતમાં બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને કરેલી રજુઆત અનુસાર (૧) બન્ની વિસ્તારમાં અત્યારે દોઢ લાખ પશુઓ છે, તે તમામ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારા અને પાણી ની વ્યવસ્થા કરવી (૨) તાત્કાલિક ઢોરવાડા શરૂ કરવા અને ઢોર દીઠ ૪૦ ₹ સબસીડી પશુ માલિકોને આપવી (૩) જિલ્લા અછત રાહત સમિતિ મા માલધારીના પ્રતિનિધિનો સમાવેશ કરવો (૪) બન્ની ના માલધારીઓ પાસે વ્યક્તિગત રીતે પશુઓ વધુ હોઈ ઘાસકાર્ડ મા પાંચ પશુઓની મર્યાદા મા છૂટછાટ આપવી (૫) રોજગારી માટે ગાંડા બાવળ માં થી કોલસો બનાવવા છૂટછાટ આપવી (૬) પશુઓ સાથે સ્થળાંતર કરતા માલધારીઓને ઘાસ, પાણી ની વ્યવસ્થા સાથે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવું.
જો, આ માંગણીઓ ૩૦ મી ઓક્ટોબર સુધી નહીં સંતોષવા મા આવે તો સમગ્ર બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ મીરાશા ધોધા મુતવા અને ઉપપ્રમુખ મુશાભાઈ જુમા રાયશીપોત્રા ની આગેવાની નીચે માલધારીઓએ લેખિત અને મૌખિક મા ભુજ ની જિલ્લા કલેકટર કચેરી સમક્ષ પશુઓ ની સાથે ધરણાં પર બેસવાની ચીમકી આપી છે.