Home Current મુંદરા ભાજપમાં ભડકો – સરપંચ ધર્મેન્દ્ર જેસર સામે અવિશ્વાસની દરખાસ્ત

મુંદરા ભાજપમાં ભડકો – સરપંચ ધર્મેન્દ્ર જેસર સામે અવિશ્વાસની દરખાસ્ત

5106
SHARE
૨૦૧૯ પહેલા કચ્છ ભાજપના સંગઠન માટે ફરી એકવાર કપરા દિવસો આવે છે. મુંદરા તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યોના આંતરિક બળવા પછી હવે મુંદરા ગ્રામ પંચાયતમાં ભાજપ ના સભ્યોના બળવાએ ફરી એકવાર અસંતોષની આગને ભડકાવી છે. મુંદરા ગ્રામ પંચાયતના સરપંચ ધર્મેન્દ્ર જેસર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાતાં મુંદરા ભાજપ સહિત કચ્છ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના સરપંચ ધર્મેન્દ્ર જેસર વિરુદ્ધ ૨૦ માં થી ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. જોકે, હલચલ સર્જતી હકીકત એ છે કે, વિપક્ષ કોંગ્રેસને શાસક પક્ષ ભાજપના ૪ સભ્યોએ ટેકો આપતા ભાજપ માટે ઘર ફૂટે ઘર જાય તેવો તાલ સર્જાયો છે.

ભાજપના તાલુકા આગેવાન જ કોંગ્રેસની સાથે?

મુંદરા ગ્રામ પંચાયતના રાજકીય ગણિતની વાત કરીએ તો કુલ ૨૦ સભ્યો પૈકી કોંગ્રેસના ૧૧ સભ્યો અને ભાજપ ના ૯ સભ્યો છે. જેમાં થી કોંગ્રેસના એક સભ્ય કિરણ ધુવા ભાજપ માં જોડતા બન્ને ના ૧૦/૧૦ સભ્યો હતા. જોકે, ભાજપની પાતળી બહુમતી છતાંયે સરપંચ તરીકે ધર્મેન્દ્ર જેસર ચૂંટાઈ આવતા કોંગ્રેસની બહુમતી વચ્ચે પણ સતા ભાજપ પાસે રહી હતી. પણ, હવે દોઢ પોણા બે વરસના શાસન બાદ ભાજપ ના આંતરિક અસંતોષ અને ભડકા નો લાભ લઈને કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત કરી દેતા મુંદરા ગ્રામ પંચાયત ના ભાજપના શાસન સામે પડકાર ઉભો થયો છે. મુંદરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અને કોંગ્રેસના સદસ્યો અલનસીર ખોજા અને ભરત પાતારીયાએ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે મુંદરા તાલુકા વિકાસ અધિકારીને સરપંચ ધર્મેન્દ્ર જેસર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આપી છે, જેમાં કુલ ૧૫ સભ્યોના નામ છે, પણ ૧૪ સભ્યોની સહી છે. જેમાં કોંગ્રેસના ૧૦ સભ્યોની સાથે ભાજપ ના ૪ સભ્યો ની સહી છે, એટલે કુલ ૨૦ સભ્યો માં થી ૧૪ સભ્યો એ સરપંચ સામે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરસિંહ પરમારે એવો દાવો કર્યો હતો કે, અવિશ્વાસની દરખાસ્ત માં નામ લખ્યું છે, પણ સહી નથી કરી તેવા એક સભ્ય કિરણ ધુવા ન્યુટ્રલ રહ્યા છે. જોકે, કિરણ ધુવા પહેલા કોંગ્રેસ માં હતા અને પછી ભાજપ માં ગયા. મુંદરા બેઠક ના જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસી અગ્રણી સલીમ જતે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરપંચ ધર્મેન્દ્ર જેસર ના આપખુદ વહીવટ અને સભ્યો ને વિશ્વાસમાં લીધા વગર શાસન ચલાવવાની પદ્ધતિ થી કોંગ્રેસની સાથે ભાજપના સભ્યો પણ કંટાળેલા હોઈ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે. સલીમ જતે એવો દાવો પણ કર્યો હતો કે, હજીયે ભાજપના ૬ સભ્યો માંથી પણ કેટલાક સભ્યો કોંગ્રેસની સાથે છે. મુંદરા ગ્રામ પંચાયતમાં કોંગ્રેસને ટેકો આપવામાં અવિશ્વાસની દરખાસ્તમાં સહી કરનાર ભાજપના ૪ સભ્યો ના નામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કિશોરસિંહ પરમારે ન્યૂઝ4કચ્છને આપ્યા તે મુજબ નિશાબેન શિવજી ઝાલા, પ્રભાબેન દામજી માલમ, રમેશ હિરજી મહેશ્વરી અને રાજેશ સથવારા છે. મુંદરા સહિત કચ્છ ભાજપ ના સંગઠન માં ચર્ચાતી હકીકત માનીએ તો ભાજપના આંતરિક બળવા પાછળ મુંદરા પંથકના ભાજપ ના એક દલિત નેતાનો હાથ હોઈ શકે છે. તાલુકા અને ગ્રામ પંચાયતના નિર્ણયો માં પોતાનું વર્ચસ્વ ઓછું થતા આ રાજકીય નવાજુની થઈ છે. જોકે, ન્યૂઝ4કચ્છે જિલ્લા ભાજપ ના મહામંત્રી અનિરુદ્ધ દવે, મુંદરા ઝોનના ભાજપના પ્રભારી વલમજી હુંબલ નો સંપર્ક કર્યો તો તેમણે અવિશ્વાસની દરખાસ્ત અંગે અજાણતા વ્યક્ત કરી. તો, મુંદરા તાલુકા ભાજપ પ્રમુખ વાલજી ટાપરિયાએ એવો દાવો કર્યો હતો કે, બેઠક બોલાવશે ત્યારે ભાજપ બહુમતિ સાબિત કરી દેશે. જોકે, અવિશ્વાસ ની દરખાસ્ત માં કોંગ્રેસને ટેકો આપનારા ભાજપના ૪ સભ્યોના નામ છે તે પૈકી નિશાબેન ઝાલા ના પતિ શિવજીભાઈ ઝાલા તાલુકા પંચાયતમાં શાસક પક્ષ ભાજપના નેતા છે. કોંગ્રેસે ભલે રાજકીય ઉથલપાથલ કરી પણ અવિશ્વાસની દરખાસ્ત સાબિત કરવા માટે ભાજપ પાસે એક મહિના નો સમય છે, એક મહિના સુધી બધા બળવાખોર સભ્યોને કોંગ્રેસ સાચવી શકે છે કે નહીં, તે તો આવનારો સમય જ કહેશે.