આમ તો, અત્યારે દિવાળી પછીનો કારતક મહિનાની પૂર્ણિમા સુધીના આ સમયમાં કચ્છ બહાર રહેતા મોટાભાગના કચ્છી માડુઓ કુળદેવી ના ધાર્મિક કાર્યક્રમ માટે કચ્છ આવે છે. બસ, એ જ પરંપરા અનુસાર મુંદરા તાલુકાના કાંડાગરા ગામે છેડા નુખના ભાવિકો કુળદેવી અંબે માતાજીને નમવા એકઠા થયા. કુળદેવીની ધાર્મિક વિધિ પ્રમાણે સ્થાનિક કચ્છી ભાષામાં કહીએ તો જુવાર અને પ્હેડી સહિતના કાર્યક્રમો યોજાય છે. જુવારની ધાર્મિક વિધિ દરમ્યાન એકઠા થયેલા ભાવિકોને થયું કે, આપણે વર્તમાન અછતની સ્થિતિ માં જીવદયા માટે કંઈ કરવું જોઈએ. અહીંથી ન્યૂઝ4કચ્છ ને વધુ માહિતી આપતા કચ્છના રાજકીય અને સામાજિક આગેવાન તારાચંદભાઈ છેડા કહે છે કે, ભાવિકોએ પોતાના વતન કાંડાગરા ગામની પાંજરાપોળ માટે ૫ લાખ રૂપિયા એકઠા કર્યા જીવદયા માટેનો આ ઉત્સાહ જોઈને છેડા ભાવિક સંઘ મુંબઈએ ૬ લાખ રૂપિયા અનુદાન જાહેર કર્યું અને ૧૧ લાખ રૂપિયા નો ફાળો થઈ ગયો.
જાણો કઈ રીતે આંકડો પહોંચ્યો ૫૫ લાખ ઉપર…
કાંડાગરા પાંજરાપોળ ના મુખ્ય દાતા લાલજી ચનાભાઈ છેડા પરિવારના દુર્ગેશભાઈ અને શાંતિભાઈ પણ સૌની જીવદયા ની લાગણી જોઈને ગદગદ થયા અને બીજે દિવસે પ્હેડી મા જાહેરાત કરી કે, એક ગાડી ઘાસચારા ના ૧૧ હજાર લેખે ઘાસચારા માટેની જેટલી ગાડીઓની જાહેરાત થશે એટલી જ ઘાસચારાની ગાડીઓ તેઓ પોતાના પરિવાર તરફથી જાહેર કરશે. છેડા ભવિકોના આગેવાન દેવચંદભાઈ છેડાની જહેમત અને જીવદયા પ્રેમી તારાચંદભાઈ છેડાની પ્રેરણા થી પોતાના વતન ના મુંગા અબોલ પશુઓને બચાવવા ૨૦૦ ગાડી ઘાસચારા માટે ૨૨ લાખ નું દાન લોકોએ આપ્યું, વચન પ્રમાણે દુર્ગેશભાઈ અને શાંતિભાઈ એ બન્ને ભાઈઓએ પોતાના પરિવાર તરફથી ૨૨ લાખ ની જાહેરાત કરી,અને ૪૪ લાખ એકઠા થઇ ગયા. તારાચંદભાઈ છેડા ન્યૂઝ4કચ્છને કહે છે કે, બે દિવસમાં કાંડાગરાના છેડા નુખના ભાવિકોએ ૫૫ લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરીને જે જીવદયા ની પહેલ કરી છે, તેને જો બીજા લોકો પણ અનુસરશે તો અછતની આ પરિસ્થિતિમાં આપણે વતન ના મુંગા પશુઓના જીવ બચાવી શકાશે. કાંડાગરા ગામે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ છેડા અને જીગર છેડા એ કર્યું હતું.