કચ્છમાં ઉભી થયેલી દુષ્કાળ અને અછતની પરિસ્થિતિમાં ગૌધન ને બચાવવા માટે RSS પ્રેરીત સંસ્થા સેવાભારતી દ્વારા નિરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. ભુજ તાલુકાના કેરા પાસે એચ.જે.ડી. કોલેજની સામે શરૂ કરાયેલ નિરણ કેન્દ્ર વિશે માહિતી આપતા RSS ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ નારાણ વેલાણી એ જણાવ્યું હતું કે, અહીં ૧૦૦૦ ગૌમાતા ઓ ને સતત ૮ થી ૯ મહિના સુધી અહીં દરરોજ નિરણમાં લીલો અથવા સૂકો ચારો આપવામાં આવશે. આ ગૌધન ને બચાવવા RSS સેવાભારતી કટિબદ્ધ છે. ૧૦૦૦ ગૌમાતાઓ ને ભૂખમરાથી બચાવવાના RSS સેવાભારતી ના પ્રયત્નોને બિરદાવતા આર્ષ અધ્યન કેન્દ્ર ભુજ ના સ્વામી શ્રી પ્રદીપતાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, આવા સેવાકાર્યો દ્વારા સમાજને એ સંદેશો મળે છે કે આજે પ્રવચનો ની નહીં પણ પ્રયત્નો ની જરૂરત છે. સચ્ચિદાનંદ મંદિર અંજાર ના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે તેઓ પોતે ગૌશાળા ચલાવે છે અને જાણે છે કે, આવા દુષ્કાળ અને અછતના સમયમાં ગૌધન ને બચાવવાનું કાર્ય કપરું છે. ગૌકથાના વક્તા ધનેશ્વર મહારાજ કીડાણાવાળા એ ભાગવત માં અપાયેલ ગૌસેવા ના સંદેશને અનુસરીને હાલ ના તબક્કે ગૌધન ને બચાવવાના RSS સેવાભારતીના કાર્યને બિરદાવ્યું હતું. સંઘ ના પ્રાંત બૌદ્ધિક પ્રમુખ મહેશ ઓઝાએ જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય થી સમાજ ના નાના મોટા દાતાઓને પ્રેરણા મળશે અને ગૌસેવા માટે આગળ આવશે.
સંકટ ના સમયે RSS મદદે
દેશમાં ક્યાંયે કુદરતી આપત્તિ આવે ત્યારે હંમેશા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS લોકોની મદદે પહોંચી જાય છે. ત્યારે કચ્છ માં પણ દુષ્કાળ ની ગંભીર પરિસ્થિતિ માં ગૌધન ને બચાવવા RSS સેવાભારતીએ પ્રેરણાદાયી પહેલ કરી છે. ૧૦૦૦ ગાયોને બચાવવાના સંકલ્પ સાથે માધાપર (હાલે ટાંઝાનીયા) ના ગિરધરભાઈ પીડોળીયા અને બળદિયા ના પરબતભાઇ તેમ જ જદવજીભાઈ ગોરસીયા બંધુ ના પરિવારજનો ના આર્થિક સહયોગ થી આ નિરણ કેન્દ્ર ૮ થી ૯ મહિના સુધી ચલાવાશે. આ પ્રસંગે ભુજ સ્વામીનારાયણ મંદિરના પાર્ષદ જાદવજી ભગત, શ્રી હરિ તપોવન ગુરુકુળ ના શાસ્ત્રી સ્વામીશ્રી દેવચરણદાસજી, વિભાગ સંઘ સંચાલક નવિન વ્યાસ, ગૌપ્રેમી દાતા લક્ષમણભાઇ રાઘવાણી, ભુજ મંદિરના કોઠારી રામજીભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘ ના વિભાગ કાર્યવાહ જેન્તીભાઈ નાથાણી એ કર્યું હતું.