ભુજ નગરપાલિકાએ ગત છ મહિના પહેલા શરૂ કરેલ વરસાદી પાણીના નિકાલ ની સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની કામગીરીનો વિવાદ હજી શમવાનું નામ નથી લેતો. કોંગ્રેસે આ ડ્રેનેજ લાઇન ના કારણે બિસમાર થયેલા રસ્તાઓ લાંબા સમય થી રીપેર ન થતા હલ્લા બોલ કરીને ભુજ નગરપાલિકાના ભાજપના શાસકો વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આજે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ ના નેજા તળે રેલી યોજી ને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપીને ગટર લાઇન ના કારણે બિસમાર રસ્તાઓ રીપેર કરવાની માંગ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રસિક ઠક્કર અને ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ની સાથે રેલીની આગેવાની જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ લીધી હતી. તેમની સાથે જિલ્લા પંચાયત ના વિપક્ષી નેતા વી. કે. હુંબલ, પ્રદેશ મંત્રી રવિન્દ્ર ત્રવાડી, રફીક મારા, કલ્પનાબેન જોશી, કોંગ્રેસના તમામ કાઉન્સીલરો, પ્રવક્તા ઘનશ્યાસિંહ ભાટી, ગની કુંભાર સહિત ના કોંગ્રેસી આગેવાનો કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય થી ભુજ નગરપાલિકા ની કચેરી સુધી રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. રસ્તામાં સૂત્રો અને બેનરો સાથે ભુજ નગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે આક્રોશ વ્યક્ત કરાયો હતો.
કોંગ્રેસે કહ્યું અત્યારે છે, રામ ભરોસે હાલત
ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર સદીપસિંહ ઝાલા ને ઉદ્દેશીને કોંગ્રેસે લખેલા આવેદન પત્ર માં લોકોની મુશ્કેલી વિશે જણાવી તાત્કાલિક રોડ રીપેર કરવા માંગ કરાઈ છે. સમગ્ર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન ની ડિઝાઇન ખામી યુક્ત હોવાનો આક્ષેપ કરાયો છે, આવનારા સમયમાં ખામીયુક્ત ડિઝાઇન ના કારણે વરસાદી પાણીનું વહેણ અટકશે અને મોટી આફત સર્જાશે એવી ચિંતા વ્યક્ત કરાઇ છે. અત્યારે પણ મેઈન હોલ ની લોખંડની જાળી ઓ હલકી ગુણવત્તાની હોઈ તૂટી ગઈ હોવાનું અને ડ્રેનેજ લાઇન માં માટી તેમ જ કચરો ભરાઈ ગયો હોવાની ફરિયાદ કરાઈ છે. ડ્રેનેજ લાઇનના કારણે બિસમાર થયેલા રસ્તાઓ થી વ્યાપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન હોવાનું જણાવીને કોંગ્રેસે તાત્કાલિક આ તમામ રસ્તાઓ બનાવવા માંગ કરી છે.
ગ્રાન્ટ ની રકમ ક્યાં?
જોકે, કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં ક્યાંયે આ ગટર લાઇન નું કામ કરનાર કોન્ટ્રાકટર પેઢી અને ટેન્ડરની શરતો નો ઉલ્લેખ ન કરાતાં આશ્ચર્ય છવાયું છે. કામ પૂરું કર્યા વગર જ કોન્ટ્રાકટર ને ચુકવણું કરી દેવાયું હોઈ સ્ટ્રોમ વોટર ગટર લાઇન નો કોન્ટ્રાક્ટ લાંબા સમય થી વિવાદ અને ચર્ચામાં છે. આ ભ્રષ્ટાચાર ના કારણે જ મેહુલ જોધપુરાની બદલી થઈ અને સીઓ તરીકે સદીપસિંહ ઝાલા મુકાયા છે. પણ, સ્ટ્રોમ વોટર ગટર લાઇન નો વિવાદ ઉકેલાયો નથી.