કહો જોઈએ નવા વર્ષમાં આપ શું નવો સંકલ્પ કરશો? ૨૦૧૮ ના વર્ષમાં આપણે સૌએ ઘણું વિચાર્યું હશે, છતાંયે વિચારેલું કામ કરવાનું રહી પણ ગયું હશે, એટલે હવે ૨૦૧૯ ના નવા વર્ષમાં જુના રહી ગયેલા સંકલ્પો પુરા કરવાનું આપણા સૌનું ધ્યેય હશે જ!! જોકે, જુના અને નવા સંકલ્પો વચ્ચે ભુજના ૧૫૦ જેટલા બાળકોએ પોતાની ચિત્રકલા ના કસબ વડે આપેલા સંદેશને ૨૦૧૯ ના નવા વર્ષ માં સૌથી પહેલી પ્રાયોરિટી આપવા જેવી છે. શુ છે આ બાળકોનો સંદેશ? એ જાણવા માટે એક વાર હમીરસર કાંઠે આવેલ ‘વોક વે’ ઉપર લટાર મારી આવજો, આપ પણ આ બાળકોના સંદેશ વાંચીને ‘વાહ વાહ’ કહી તેને અનુસરવાનું વિચારી લેશો.
પીંછી ને લસરકે બાળકોએ રચ્યા સંદેશાત્મક રંગારંગ ચિત્રો
ભુજની ચાણક્ય એકેડેમી ના ૧૫૦ જેટલા બાળકો શનિવાર અને રવિવાર એમ બે દિવસ હાથમાં રંગ અને પીંછી લઈને હમીરસર કાંઠે આવેલા ‘વોક વે’ ઉપર પહોંચી ગયા. અહીં તેમણે ‘વોક વે’ ની દીવાલો ઉપર પોતાની કલ્પનાના રંગો વડે ‘સ્વસ્થતા જાગૃતિ’ માટેના ચિત્રો દોર્યા. આ બાળકોએ શારીરિક સ્વસ્થતા માટે આપણે સૌ જાગૃત થઈએ તે માટે પોતાના વિચારોને પોતાની ચિત્રકલા વડે વહેતા કર્યા. વર્ષ ૨૦૧૮ ની અંતિમ અને ૨૦૧૯ ની પૂર્વ સંધ્યાએ આ બાળકોએ વહેતો કરેલો સ્વસ્થતાનો વિચાર આપણે સૌએ અપનાવવા જેવો છે. આ કાર્યક્રમના કોઓર્ડીનેટર અને ચાણક્ય એકેડેમીના શિક્ષક જય સચદે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, ધોરણ ૪ થી માંડીને ધોરણ ૧૧ માં ભણતા અલગ અલગ વય જૂથ ના બાળકો આ અભિયાન માં જોડાયા છે અને તેમણે પોતાની કલ્પના પ્રમાણેના ચિત્રો નું સર્જન કર્યું છે. ચિત્રો ભલે અલગ છે પણ સૌ નો સંદેશ એક જ છે, સ્વસ્થતા માટે જાગૃત બનો, વાહન નો ઉપયોગ ઘટાડી પગપાળા ચાલવાનું રાખો, યોગ ને જીવન માં સ્થાન આપો, નિયમિત કસરત કરો. જોકે, થોડા સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો યોગ કરતો વીડિયો અને તેની સાથે સ્વસ્થ રહેવાની ચેલેન્જ આપતી વીડિયો કલીપ સોશ્યલ મીડિયામાં છવાઈ ગઈ હતી, તે ચેલેન્જ ને સ્વીકારતો ક્રિકેટર વિરાટ કોહલીનો કસરત કરતો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં છવાયો હતો. આજે સમાજ માં જ્યારે બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, ફાસ્ટ ફૂડ ના કારણે બાળકો અને યુવા વર્ગ નું સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે ત્યારે ચાણક્ય એકેડેમીના આ બાળકો દ્વારા પીંછીને લસરકે ચિત્રકલા વડે વહેતો કરાયેલો સંદેશ આપણે સૌ એ ઝીલવા જેવો છે.