Home Current કરુણાધામ પશુ હોસ્પિટલને ભુજ રોટરી કલબે આપ્યા ૪૦ લાખ ₹ ના અદ્યતન...

કરુણાધામ પશુ હોસ્પિટલને ભુજ રોટરી કલબે આપ્યા ૪૦ લાખ ₹ ના અદ્યતન સાધનો – વેટરનરી કોલેજ માટે કરાશે પ્રયાસ

788
SHARE
ભુજ નજીક સેડાતા ખાતેના સુપાર્શ્વ જૈન સેવા મંડળની સખાવતી પશુ હોસ્પિટલને રોટરી કલબ દ્વારા રૂ. ૪૦ લાખના પશુ ઓપરેશનના અદ્યતન સાધનો અર્પણ કરવાના કાર્યક્રમ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેલા રાજયમંત્રી વાસણભાઈ આહિરે કચ્છને વેટરનરી કોલેજ મળે તે માટેના પૂરતા પ્રયાસો હાથ ધરવાની ખાતરી આપી હતી.
મુખ્ય મહેમાનપદેથી રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરે કચ્છના મુખ્યત્વે ખેતી-પશુપાલન અને ટ્રાન્સપોર્ટના વ્યવસાયનો ઉલ્લેખ કરી પોતે પશુપાલકોની પીડા જોઇ-અનુભવી હોવાનું ઉમેર્યું હતું. ગૌ સેવાના લાભાર્થે કચ્છમાં યોજાતા ડાયરા અને કચ્છીયતની સુવાસ તેમજ સરકાર સાથે સહકાર સાધી કરાતા કાર્યોની પ્રસંસા કરી હતી. રાજય સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી દ્વારા અછતના સમયમાં અછત મેન્યુઅલથી ઉપરવટ જઇ લીધેલા નિર્ણયોનો ઉલ્લેખ કરી તેમણે પણ કચ્છમાં એનીમલ કોલેજ ખૂબ જરૂરી હોવાનું આ તકે જણાવ્યું હતું. કચ્છમાં ૧૭ લાખ માનવ વસ્તિ સામે રર લાખ પશુ હોવાથી પશુઓને સમયસર અને ઝડપી સારવાર મળે તે માટે પૂરતા પ્રયાસો કરવાની ખાતરી આપી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધ્યાને વેટરનરી કોલેજની વાત મૂકવાનું અને આ માટે સહિયારા પ્રયાસોથી કામ પૂર્ણ થશે તેવી શ્રધ્ધા પણ તેમણે વ્યકત કરી હતી. શ્રી આહિરે આ પ્રસંગે કરૂણાસભર કાર્યને વંદન કરી રોટરીને રાજય સરકાર વતી અભિનંદન આપ્યા હતા અને રોટરી કલબે એક સામાજીક ઉતરદાયિત્વ નિભાવવામાં પણ કચ્છની રોટરી કલબ સમગ્ર વિશ્વમાં અગ્રહરોળની બને તેવી હ્રદયપૂર્વકની શુભકામના પાઠવી હતી.
મુખ્ય મહેમાન રાજયમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ કૌશિકભાઈ મહેતાને સાધનની પ્રતિકાત્મક અર્પણ વિધિ કરાઇ હતી. પૂર્વ રાજયમંત્રી અને રોટેરીયન તારાચંદભાઈ છેડાએ રોટરી કલબ દ્વારા અપાયેલ સાધનો કદાચ હિન્દુસ્તાનની પહેલી પશુ હોસ્પિટલ હશે જેને આવા અદ્યતન સાધનો પ્રાપ્ત થયા હોય. પશુધનની સેવા અર્થે રોટરી ઇન્ટરનેશનલની ગ્લોબલ ગ્રાંટમાંથી સાધનો પ્રાપ્ત થવા બદલ શુભકાર્યમાં રોટરી પરિવારના સહયોગ બદલ આભારની લાગણી વ્યકત કરી સુપાર્શ્વ સંસ્થા વતી પણ આભારની લાગણી વ્યકત કરી હતી.
પીજીડી મોહનભાઈ શાહે પશુ હોસ્પિટલને સાધન સહાયની રોટરી ઇન્ટરનેશનલ કાર્યનું વિવરણ કરી આ ગ્રાંટ ત્રણ વર્ષ પછી મંજૂર થયાનું જણાવ્યું હતું અને હવે રસ્તો ખુલી જતાં આ કાર્યમાં હવે હિમ્મત વધી હોવાનું પણ જણાવ્યું હતું. રોટરી ઇન્ટરનેશનલ સાથે કલ્યાણ બેનર્જી દ્વારા કરાયેલી મહેનતને પણ તેમણે બિરદાવી હતી અને અહીં વેટરનરી કોલેજ પણ બને તો વધુ સારૂ, તેમ જણાવી રોટરીના પૂરતા પ્રયાસો રહેશે, તેમ જણાવ્યું હતું. પીજીડી દિનેશભાઈ ઠકકરે પ્રાસંગિક વકતવ્યમાં કચ્છમાં વેટરનરી કોલેજની જરૂરિયાત ઊભી થઇ હોવાનું જણાવી જયાં સુધી પશુ સ્વસ્થ નહીં હોય ત્યાં સુધી માનવ કેમ સ્વસ્થ રહેશે, તેમ જણાવી પશુ સ્વાસ્થ્યના પ્રયત્નોને વધુ સુદ્રઢ બનાવવા જોઇએ, તેમ જણાવ્યું હતું.
પીજીડી ભરતભાઈ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ કાર્ય પાર પાડવાનો શ્રેય મોહનભાઈ શાહને આપી રોટરી કલબને પશુ સેવાના કાર્યમાં સહયોગી બનવાની જે તક આપી તે બદલ સુપાર્શ્વ મંડળને વધુ સહયોગી બનવાની આશા વ્યકત કરી હતી. આ પ્રસંગે સંસ્થાને મળેલા અનુદાનમાંથી ચબુતરા અને પશુવાડાની તકતીનું પણ આ પ્રસંગે જે.પી. મહેતાની ઉપસ્થિતિમાં અનાવરણ કરી ખુલ્લાં મૂકાયાં હતા તેમજ દાતા દ્વારા ગોળના લાડું ગાયોને ખવડાવવામાં આવ્યાં હતા.
રોટરી કલબ વતી પ્રમુખ પ્રફુલ્લભાઈ ઠકકરે અને સુપાર્શ્વ જૈન સેવા મંડળ વતી મંત્રી સમીર શાહે સ્વાગત પ્રવચનમાં સંસ્થા અને કાર્યક્રમનો ટુંકમાં પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે સિનિયર રોટેરીયન ઇશ્વરભાઈ દેસાઇ, દિનેશભાઈ ઠકકર, એડવોકેટ અવનિશ ઠકકર, કમલભાઈ, આસી. ગર્વનર દિલીપભાઈ ગોર, નિતિનભાઈ સંઘવી, રાજેશ પારેખ, ધર્મેન્દ્ર વોરા, મહેશ શાહ, રાહુલ ઝવેરી, પિયુષ ઠકકર, વિપુલ શાહ, અમીત ચૌહાણ, કિશોર દેસાઇ, બિપીન શાહ, કીર્તિભાઈ વોરા તેમજ સુપાર્શ્વ જૈન સેવા મંડળના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રોટેરીયન ઉર્મીલભાઈ હાથીએ કર્યું હતું.