મહાનુભાવોની પ્રતિમાના માન સન્માનની જાળવણી જરૂરી છે. ઘણીવાર બેદરકારીના કારણે તો ઘણીવાર યોગ્ય સુરક્ષાના અભાવનો લાભ લઈને અસામાજિક તત્વો પ્રતિમાને હાનિ પહોંચાડીને મુશ્કેલી સર્જે છે. ગઈકાલે મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા ચોરાઈ જવાની ઘટના બની. તે પછી આજે ભુજ માધાપર વચ્ચે વીર આહીર દેવાયતની પ્રતિમા ખંડિત થતા દોડધામ મચી જવા પામી હતી. વહેલી સવાર થી જ આહીર સમાજના આગેવાનો અને યુવાનોએ આ ઘટનાને પગલે પોલીસનું ધ્યાન દોરતા પોલીસ પણ દોડતી થઈ હતી. ખંડિત થયેલી પ્રતિમાના સ્થળે સતત ચહલપહલ સાથે આ પ્રતિમા કેવી રીતે ખંડિત થઈ તેની ચર્ચા અને તર્ક વિતર્કો થતા રહ્યા હતા.
કોણે કર્યું આ કૃત્ય?
વીર આહીર દેવાયતની પ્રતિમા ખંડિત થવાની ઘટનાથી લોકો રોષિત થયા હતા. પણ, અહીં આહીર સમાજના યુવાનો અને પોલીસે સાથે મળીને કુનેહપૂર્વક કામ લીધું. પ્રતિમા તોડફોડ ના કૃત્યમાં આક્ષેપબાજી કરવાના બદલે આહીર સમાજના યુવાનોની સાથે બી ડિવિઝન પોલીસ તેમ જ એલઆઈબી પોલીસે સયુંકત તપાસ હાથ ધરીને સીસી ટીવી ફૂટેજ ચેક કર્યા. સીસી ટીવી ફુટેજમાં વીર દેવાયતની પ્રતિમાની તોડફોડ કરનારની કડી મળી ગઈ. અહીંથી પવનચક્કીની મોટી પાંખ લઈને પસાર થતા ટ્રેઇલર ચાલકની બેદરકારીના કારણે આ પ્રતિમાને ટક્કર લાગી અને તે આખી જ તૂટી ગઈ. ભુજ બી ડિવિઝન પોલીસે રાત્રે આ પ્રતિમાને ટક્કર મારી અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રેઇલર ચાલકને તરત જ પકડવાની ગતિવિધિ હાથ ધરીને તેની અટક પણ કરી લીધી છે. આમ, માધાપરની પ્રતિમાની તોડફોડનો ભેદ ઉકેલાઈ ગયો છે.
પોલીસની કામગીરી સરાહનીય
ભુજપર અને માધાપર એ બન્ને જગ્યાએ બનેલી ઘટનામાં એક તબકકે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પણ, પોલીસે બન્ને જગ્યાએ કુનેહપૂર્વક સમાજના આગેવાનોને સાથે રાખીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તેમ જ સામાજિક શાંતિ જાળવી રાખવા અપીલ કરી હતી. આમ, પોલીસે સમાજના સહયોગ થી કામ લીધું અને આમે પક્ષે સમાજે પણ સહયોગ આપ્યો અને શાંતિપૂર્ણ માહોલ બની રહ્યો.