સરકારે કાયમી ધોરણે બંધ થયેલ વીજ જોડાણવાળા ગ્રાહકો/બિનગ્રાહકોનાં બાકી લ્હેણાંની વસૂલાત માટેની ‘‘એક વખતની માફી યોજના-૨૦૧૭’’ ની જાહેરાત કરી છે જે અંતર્ગત અંજારમાં વીજ બિલ ‘‘માફી મેળા’’નુ આયોજન કરાયું હતું. ગ્રાહકો/બિનગ્રાહકોને બાકી નિકળતી લ્હેણી રકમનાં માંડવાળ અંગેના પહોંચ પત્રોનું વિતરણ રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે કરાયું હતું. અંજારના પીજીવીસીએલ વર્તુળ કચેરીના પટાંગણમાં ‘‘માફી મેળા’ને રાજયમંત્રી વાસણભાઈ આહિરે દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી રાજયમંત્રીશ્રી આહિરે જેમના જુના વીજ બિલ બાકી છે એવા વીજ ગ્રાહકોને જણાવ્યું હતું કે, આ પૈસા તમારા એટલે કે, જનતાના ટેક્ષના ભરેલા છે. વીજ લેણાં બાકી રહે તેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ઇમાનદારીથી વીજ કચેરીમાં નિયમિત વીજ લેણું ભરવું જોઈએ. અત્યારે અછતના સમયમાં રાજય સરકાર દ્વારા વીજ બીલના બાકી લેણાં પૈકી ફકત રૂ. ૫૦૦/- વસૂલી એક વખતની સંપૂર્ણ વીજ માફી યોજનાનો લાભ આપવાનું નકકી કરાયું છે અને એનો પહેલો કાર્યક્રમ કચ્છમાં યોજાયો હોવાનું રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. તેમના હસ્તે બાકી નિકળતી વીજ બીલની લ્હેણી રકમનાં માંડવાળ કરતા પહોંચપત્રોનું વીજ ગ્રાહકોને વિતરણ કરાયું હતું.
કચ્છ જિલ્લાના ૫૮ હજાર વીજ ગ્રાહકો માત્ર ૫૦૦ રૂપિયા આપીને વીજ બીલના જુના લેણા માંથી છુટી શકશે
કાર્યક્રમના પ્રારંભે પીજીવીસીએલના શ્રી કષ્ટાએ સ્વાગત પ્રવચન બાદ કાર્યક્રમની રૂપરેખા આપતાં અંજાર વર્તુળ કચેરી હસ્તક લાભાર્થી ગ્રાહકો/બિન ગ્રાહકોની વિગતો આપતાં ૩૩ હજાર ઉપરાંત ગ્રાહકોને રૂ. ૩૮ કરોડ ઉપરાંતની રકમ માફ કરવાને પાત્ર થાય છે, તેમ જણાવી આખા કચ્છમાં ૫૮ હજાર જેટલાં ગ્રાહકોને રૂ. ૬૫ કરોડ ઉપરાંતની રકમ માફ કરવાને પાત્ર હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઈ ડાંગર, જિ.પં.ના પૂર્વાધ્યક્ષ જીવાભાઈ શેઠ, પૂર્વ કચ્છ કિસાન સંઘના પ્રમુખ રામજીભાઈ છાંગા, તાલુકા કિસાન સંઘના પ્રમુખ ચનાભાઈ, ભુજ સર્કલના અધિક્ષક ઇજનેરશ્રી જોષી, ગેટકોના અધિક્ષક ઇજનેર શ્રી વામદા, ગોપાલભાઈ માતા, ક્રિપાલસિંહ ઝાલા, લાલજીભાઈ સોરઠીયા, હસમુખભાઈ કોડરાણી, મહેન્દ્રભાઇ કોટક તેમજ યોજનાના લાભાર્થીઓ અને પીજીવીસીએલના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારદર્શન પીજીવીસીએલના શ્રી ભટ્ટે કર્યું હતું.
સમાચાર સ્ત્રોત- માહિતી કચેરી, ભુજ