ક્રિકેટ ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષથી પોતાની પ્રતિભાને નિખારનાર ભુજના યુવા ક્રિકેટર ધવલ ગુંસાઈની ઓમાન-મસ્ક્ત ક્રિકેટ લીગમાં રમવા માટે પસંદગી કરાઈ છે. મૂળ કચ્છ માંડવીના અને અખાતના દેશોના જાણીતા ઉદ્યોગપતિ ખીમજી રામદાસ પરિવારના ચૈતન્ય ખીમજીએ ધવલ ગુંસાઈને તેમની અલ તુર્કી ક્રિકેટ ટીમ વતી રમવા માટે પસંદગી કરી છે. ભારતીય ક્રિકેટ ટીમ ના સ્ટાર ક્રિકેટરો જેમના ક્રિકેટ પ્રેમથી પ્રભાવિત છે એવા ખીમજી રામદાસ પરિવાર વતી ભુજના યુવા ક્રિકેટર ધવલ ગુંસાઈની કરાયેલી પસંદગીને પગલે ધવલ અને તેના પિતા અરવિંદ (એ.ટી.) ગુંસાઈને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. અરવિંદ ગુંસાઈ પોતે પણ જૂની પેઢીના જાણીતા ક્રિકેટર રહ્યા છે. પૂર્વ રણજી ટ્રોફી ક્રિકેટરો જશવંત બકરાણીયા અને રવીન્દ્ર આચાર્યના જોડીદાર રહી ચૂકેલા અરવિંદ ગુંસાઈના પુત્ર ધવલ ની ક્રિકેટ કારકિર્દીમાં મહત્વનું યોગદાન અને પ્રેરણા રહ્યા છે.
ગોવા ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર ધવલ ગુંસાઈનો હીલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ તેમજ સ્થાનિક ક્રિકેટમાં ઝળહળતો દેખાવ
૧૭ વર્ષની વયે ક્રિકેટ રમવાનું શરૂ કરનાર ધવલ તેના ક્રિકેટર તરીકેના ૧૧ વર્ષના કાર્યકાળમાં બેટીંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ ધરાવે છે. એક ક્રિકેટર તરીકેના ધવલ ગુંસાઈના ક્રિકેટ ગ્રાઉન્ડના પર્ફોમન્સને નજીકથી નિહાળનાર સીટી સ્પોર્ટ્સના મુકેશ ગોર તેમ જ મસ્ક્ત સ્થિત ભરત બારમેડાએ ચૈતન્ય ખીમજીને તેમની અલ તુર્કીની ટીમ વતી રમાડવા માટે સૂચન કર્યું હતું. ક્રિકેટપ્રેમીઓ મિત્રોના સુચનને પગલે ચૈતન્ય ખીમજીએ ધવલને મુંબઈ બોલાવીને તાત્કાલિક અલ તુર્કીની ક્રિકેટ ટીમમાં જોડાવવાની ઓફર કરી હતી. કચ્છમાં ભુજ, ગાંધીધામ અને ભારતમાં ગોવા, લખનૌ, રાજકોટ અને અન્યત્ર રમી ચૂકેલા ધવલ ગુંસાઈએ એક સાચા ક્રિકેટ ખેલાડીની જેમ દરિયાપાર ઓમાન-મસ્ક્તમાં ક્રિકેટ રમવાની મળેલી તક ઝડપી લીધી છે અને તે ભુજથી મસ્ક્ત પહોંચી ગયો છે. છેલ્લા એક દાયકો થયો ધવલ ગુંસાઈ ઘરેલું ક્રિકેટમાં શાળાકીય કક્ષાએ તેમજ હીલ્ડ શીલ્ડ જેવી આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ અન્ય અલગ અલગ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપરાંત ગોવાની ક્રિકેટ ટીમ વતી રમવાનો અનુભવ ધરાવતો અનુભવી ક્રિકેટર છે. વારસામાં પિતા અરવિંદ ગુંસાઈ તરફ થી વારસામાં ક્રિકેટ મેળવનાર ધવલે રણજીટ્રોફી ખેલાડીઓ અનિલ ઠકરાર તેમ જ રવિન્દ્ર આચાર્ય પાસે થી કોચિંગ મેળવ્યું છે.
NRI કચ્છી ઉદ્યોગપતિનો અનોખો ક્રિકેટ પ્રેમ
અખાતના દેશોમાં રહીને પોતાના વ્યવસાયિક કારોબારનો વિસ્તાર કરનાર ખીમજી રામદાસ કંપની દ્વારા અનેક સામાજિક સેવાકીય કાર્યો કરાય છે. તેની સાથે સાથે રમતગમતને પણ પ્રોત્સાહન અપાય છે. ઓમાન-મસ્ક્ત ક્રિકેટ એસોસિએશન તેમજ ત્યાં રમાતી સ્થાનિક લીગ ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ચૈતન્ય ખીમજી પરિવારનું મહત્વનુ યોગદાન છે. તેમની અલ તુર્કી કંપનીની ક્રિકેટ ટીમ દ્વારા તેઓ આશાસ્પદ ક્રિકેટરોને આગળ વધવાની તક પુરી પાડે છે. મૂળ માંડવીના NRI કચ્છી ઉદ્યોગપતિ ચૈતન્ય ખીમજી દ્વારા મળેલી તક પછી ધવલ ગુંસાઈ પોતાના પર્ફોમન્સના આધારે વિદેશની ધરતી ઉપર રમી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમી પોતાનું અને કચ્છનું નામ રોશન કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.