ભુજ માધાપર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે ગઈ કાલે રાત્રે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ભુજની કલેકટર કચેરીમાં કામ કરતા એક યુવાન કર્મચારીનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાન કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા બ્રેઝા કાર લઈને માધાપર હાઈ વે હોટલ ઉપર જમવા માટે નીકળેલા કલેકટર કચેરીના આ ત્રણેય ક્લાર્કની મારુતિ બ્રેઝા કાર GJ 05 JR 8736 બાપા સીતારામ મઢુલી પાસે પહોંચી ત્યારે એકાએક રસ્તાની વચ્ચે આવી ગયેલા બાઇક સવારને બચાવવા જતાં ચાલક કિરણસિંહ વિસાજી ચૌહાણે કાર ઉપરથી કાબૂ ગુમાવતાં કાર લોખંડની ગ્રીલ સાથે અથડાઈ હતી જેને કારણે કારમાં બેઠેલા ત્રણેયને ઈજાઓ થઈ હતી.
મેજિસ્ટ્રીયલ શાખાના કર્મચારીનું મોત, મહેસુલ શાખા અને ખાણ ખનીજ ખાતાના કર્મચારી ઇજાગ્રસ્ત
આ અકસ્માત સમયે ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનોને શૈલેન્દ્ર ઉપાધ્યાય ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ, કારમાં પાછળ બેઠેલા કલેક્ટર કચેરીના મેજિસ્ટ્રીયલ બ્રાન્ચના ક્લાર્ક ૩૦ વર્ષીય રવિરાજસિંહ જગદીશસિંહ રાણાનું માથામાં ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું જ્યારે કલેકટર કચેરીના મહેસુલ શાખાના ક્લાર્ક શિવાજી શંકરજી રાજપૂત (ઉ.૨૫) અને ખાણ ખનીજ વિભાગના ક્લાર્ક કિરણસિંહ વિસાજી ચૌહાણ (ઉ.૨૯)ને ઈજાઓ થઈ છે તે બન્ને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભુજની કલેકટર કચેરીના યુવાન કર્મચારીના મોતની ઘટનાને પગલે કચ્છના સરકારી કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ અકસ્માતની ઘટના સંદર્ભે મૃતક યુવાન રવિરાજસિંહ રાણાના મામા અને માંડવીના રાજકીય આગેવાન દશરથસિંહ જાડેજાએ બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જી મોત નિપજાવવાબદલ કિરણસિંહ ચૌહાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ લખાવી છે મૃતક રવિરાજસિંહ રાણા સુરેન્દ્રનગરના લીંબડીના ટીમલા ગામના વતની હતા ભુજની કલેકટર કચેરીની મેજિસ્ટ્રીયલ શાખામાં ફરજ બજાવતા હતા તેઓ કચ્છ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચંદ્રસિંહ જાડેજા અને માંડવીના રાજકીય આગેવાન દશરથસિંહ જાડેજા (કોજાચોરા, માંડવી) ના ભાણેજ હતા.