Home Current ‘છતે પાણી’એ કચ્છને તરસ્યું રાખનાર તંત્ર જો નહીં સુધરે તો વહીવટી અને...

‘છતે પાણી’એ કચ્છને તરસ્યું રાખનાર તંત્ર જો નહીં સુધરે તો વહીવટી અને પાણી પુરવઠાતંત્રને હાઇકોર્ટમાં ઢસડી જવાની ચીમકી

1255
SHARE

એકબાજુ રાજ્યના પાણી પુરવઠામંત્રી કુંવરજી બાવળિયા કચ્છમાં પાણીની સમસ્યાનું નિવારણ શોધવા આવ્યા છે, ત્યાં બીજી બાજુ કચ્છના લડાયક રાજકીય આગેવાન અને કોંગ્રેસી નેતાએ કચ્છના વહીવટીતંત્ર ઉપર ‘છતેપાણી’એ પાણીની કૃત્રિમ માનવસર્જિત અછત ઉભી કરવાનો આક્ષેપ કરીને ખળભળાટ સર્જ્યો છે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી અને કચ્છ કોંગ્રેસના આગેવાન આદમ ચાકી અને રમેશ ગરવાએ જિલ્લા કલેકટર તેમજ કચ્છ જિલ્લા પાણી પુરવઠા તંત્રના અધિક્ષક ઇજનેરને એક જાહેર પત્ર લખીને કચ્છના પાણી વિતરણના અને જરૂરિયાતના આંકડા સાથે પૂરતું પાણી હોવા છતાંયે પાણીની તંગી કઈ રીતે છે તેનો ખુલાસો માંગ્યો છે કચ્છના પર્યાવરણ, જીકે જનરલ હોસ્પિટલ, લઘુમતી સમાજની શિષ્યવૃતિ જેવા લોકો માટે ઉપયોગી એવા જાહેરહિતના પ્રશ્ને હાઇકોર્ટમાં સફળ લડાઈ લડી ચૂકેલા કોંગ્રેસી આગેવાન આદમ ચાકીએ ચીમકી આપી છે કે, જો કચ્છ જિલ્લામાં એક અઠવાડિયામાં પીવાના પાણીની માનવસર્જિત તંગી દૂર નહિ થાય તો તેઓ જિલ્લા વહીવટીતંત્ર અને પાણી પુરવઠાતંત્રને હાઇકોર્ટમાં ઢસડી જશે.

આંકડા જાણીને આપ પણ કહેશો કે, આપણાં માટેનું પાણી જાય છે ક્યાં?

કચ્છના પાણી પ્રશ્ને લોકો માટે અને મુંગા પશુઓ માટે જાહેર હિતમાં કાનૂની લડતની ચીમકી ઉચ્ચારનાર આદમ ચાકીએ કચ્છના પાણી પુરવઠાતંત્રને ટાંકીને કચ્છમાં પાણી વિતરણના જે આંકડા આપ્યા છે,તે જાણીને આપ પણ ચોંકી જશો. આ આંકડાકીય માહિતી આપ ધ્યાનથી વાંચજો, એક વાર ખ્યાલ ન આવે તો, ફરી બીજી વાર વાંચજો, આપણા ભાગનું પાણી ચોરી જનાર અદ્રશ્ય એવા ‘વોટરમાફિયા’ની લોબી ક્યાંક કામ કરી રહી છે, એવો આપને અહેસાસ થઈ જશે કચ્છમાં ૮૭૫ ગામડાઓની ૧૭ લાખની વસ્તી, ૬ શહેરોની ૮ લાખની વસ્તી એમ કુલ ૨૫ લાખની માનવ વસ્તી ઉપરાંત ૧૮ લાખ ૩૪ હજારની પશુઓની વસ્તી માટે ૪૫૦ એમએલડી પાણીની જરૂરત રહે છે હવેના આંકડાઓ ચોંકાવનારા છે,કે જેમાં ખુદ કચ્છનું પાણી પુરવઠા તંત્ર જાતે શું કબૂલ કરે છે, એ જાણવા જેવું છે કચ્છની ૪૫૦ એમએલડી પાણીની જરૂરત સામેનું પાણી કચ્છને હમણાં અછતની પરિસ્થિતિમાં કઈ રીતે પૂરેપૂરું મળે છે કચ્છમાં ૭૪૬ બોર અને ૧૯ કુવાઓ માંથી ૧૨૦ એમએલડી પાણી મળે છે હવે જે પાણી ખૂટે છે, તે નર્મદા દ્વારા ૩૫૦ એમએલડી મળે છે. એટલે કે, પીવાના પાણીની જરૂરિયાત માટે ૪૭૦ એમએલડી પાણી દરરોજ મળે છે (જરૂરત ૪૫૦ એમએલડીની છે) આ બધા જ આંકડાઓ દરરોજ થતા પાણી વિતરણના છે જયારે આપણને દરરોજની જગ્યાએ માંડ માંડ ૫ અને ૭ દિવસે પાણી મળે છે હવે બીજી વાત ઉદ્યોગોની કરીએ તો પાણી પુરવઠા વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં ઉદ્યોગોને બે તબકકે ૩૦ એમએલડી તેમજ ૧૦૨ એમએલડી પાણી અપાય છે.

આદમ ચાકીની જેમ આપણને પણ થાય છે એ સવાલ કે નર્મદાનું રોજ અપાતું લાખો લીટર પાણી જાય છે ક્યાં…?

જિલ્લા કલેકટર તેમજ પાણી પુરવઠાતંત્રના અધિક્ષક ઇજનેરને આંકડાકીય માહિતી સાથે આદમ ચાકીએ પ્રશ્ન કર્યો છે કે, દરરોજ પૂરતું પાણી અપાય છે, તો પછી કચ્છમાં કેમ પાણીની તંગી છે? ગામડાઓ અને શહેરોમાં દરરોજ પાણી આપવાને બદલે પાંચ અને સાત દિવસે પાણી કેમ અપાય છે? કચ્છની માનવવસ્તી અને પશુવસ્તીના હિતમાં એક અઠવાડિયામાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં ગોઠવાય તો પોતે હાઇકોર્ટમાં કાનૂની લડત લડશે એવી ચીમકી આદમ ચાકીએ લેખિતમાં આપી છે.