વરસાદ માટે તરસી રહેલા કચ્છમા હજુ સુધી જોઈએ તેવા મેઘાના મંડાણ થયા નથી ત્યારે કચ્છ જિલ્લા માટે જીવાદોરી સમાન નર્મદા યોજનાની કચ્છ કેનાલમાં પાણી છોડવા માટે વ્હાલા દવલાના નિતી નિયમો જોવા મળી રહયા છે દુર્ગમ વિસ્તારમાં આવતા રાપર તાલુકાના પ્રાંથળના બેલા, બાલાસર, જાટાવાડા, ધબડા, મૌઆણા, ખડીરના ધોળાવીરા, રતનપર, ગણેશપર, અમરાપર સહિત ૫૦ થી વધુ ગામો અને વાંઢોની અંદાજે ૮૦ હજાર જેટલી વસ્તી અને ૧ લાખ પશુધન માટે નર્મદા યોજનાનો સમ્પ ફતેહગઢ નજીકના ભોજનારી ડેમનો એક માત્ર આધાર છે પરંતુ છેલ્લા એક મહિનાથી આ ડેમમાં પાણી ખુટી ગયા છે પાણીની સમસ્યાથી પીડાતા આ વિસ્તારના લોકો આજે ફતેહગઢ નજીક આવેલા નર્મદા યોજનાના મુખ્ય સમ્પના સ્થળે ખડીર, પ્રાંથળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અગાઉ નર્મદા યોજનાના અધિકારીઓ સમક્ષ ભોજનારી ડેમને નર્મદાના પાણીથી ભરી આપવા રજૂઆત કરી હતી પરંતુ અધિકારીઓએ લોકલાગણીને ધ્યાને લીધી નહોતી જોકે, આજે અગાઉથી જાણ કર્યા છતાંયે નર્મદા યોજનાના એક પણ અધિકારીઓ હાજર ન હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો ત્યારે પાણીની સમસ્યાથી કંટાળેલા આ વિસ્તારના આગેવાનો મૌઆણા ના સરપંચ અને જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જયવીરસિંહ વાઘેલા, કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી ગજેન્દ્રસિંહ વાઘેલા શિવગઢના સરપંચ રણમલભાઈ પટેલ, બેલાના આગેવાન હેતુભા વાધેલા, મહાદેવ ભાઈ ચૌધરી, શિવરામ મારાજ, વિગેરે ના માર્ગદર્શન હેઠળ ઉમટી પડેલા લોકોએ જાતે જ નર્મદા કેનાલના ફતેહગઢ સમ્પમાંથી ભોજનારી ડેમમા પાણી ભરવા સમ્પ શરૂ કરી દીધો હતો.
રોજિંદી પાણીની સમસ્યાથી ત્રસ્ત થઈ હિજરત કરવી પડે તેવી સ્થિતિ, ભુજમાં કલેકટર કચેરી સામે ધરણાની ચીમકી
આ અંગે સરપંચ જયવીરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણી પુરુ પાડતા ભોજનારી ડેમમાં પાણી ખુટી પડયું છે હાલ તળિયામાં જે પાણી છે, તે એકદમ વાસ મારે છે, પીવા લાયક નથી અને આ ગંદકી વાળા પાણીના લીધે લોકોને પેટના રોગો, ખંજવાળ તેમજ તાવ ના વાયરા શરૂ થઈ ગયા છે અત્યારે લગભગ બધા ઘરોમાં તાવના દર્દીઓ જોવા મળે છે તો, મેઘાભાઈ પટેલે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં થયેલા વરસાદમા ખેડૂતોએ કરેલા પાકના વાવેતરને સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે જો આગામી દિવસોમાં વરસાદ નહિ આવે તો લોકોને હિજરત કરવા નો વારો આવશે તો કોંગ્રેસ જિલ્લા મંત્રી ગજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ વિસ્તારને સરકારે જાણી જોઈને નર્મદાના કમાન્ડ એરીયામા રાખ્યો છે આ વિસ્તાર ને કમાન્ડ એરીયામાથી બહાર કરવા માટે રાપર ના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ નાયબ મુખ્ય પ્રધાન નિતીન પટેલ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ પ્રત્યુત્તરમા માત્ર કમાન્ડ એરીયામા આવે છે તેવો જવાબ જ મળ્યો હતો પણ, હવે જો આગામી સમય દરમિયાન પ્રાંથળ અને ખડીર વિસ્તારને નર્મદાના કમાન્ડ એરીયામાંથી બહાર નહીં કરાય તો ઉગ્ર જન-આંદોલન સાથે ભુજમાં જિલ્લા કલેકટર કચેરી સમક્ષ ધરણાં કરશે સરકાર એક તરફ પીવાના પાણી લોકો સુધી પહોંચાડવા માટે તત્પરતા દર્શાવી રહી છે અને કચ્છમાં નર્મદાનું પાણી પહોંચડાવા માટે પોતાની વાહ વાહ કરી રહી છે ત્યારે આવનારા સમયમાં કચ્છની નર્મદા કેનાલ સતત પાણીથી ભરેલી રહે અને ખડીર-પ્રાંથળના ભોજનારી ડેમને પણ ભરે તેવી લોકોએ માંગ કરી છે.