કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર બચાવ-રેસ્ક્યુ ઓપરેશન કરાવામાં આવી રહ્યાં છે તેવામાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કચ્છની ઇન્ડો-પાક બોર્ડર પાસે હાજીપીર ખાતે એક રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ ઓપરેશન એરલિફ્ટ અંતર્ગત અહિં ફસાયેલા ત્રણસોથી વધુ લોકોને ઇન્ડિયન એરફોર્સનાં હેલિકોપ્ટર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. NDRFની બચાવ ટીમ ઉપરાંત પશ્ચિમ કચ્છનાં એસપી જાતે હાજીપીર ખાતે દોડી જઇને આ ઓપરેશન હાથ ધર્યું હતુ.
છેલ્લા ચારેક દિવસથી કચ્છમાં વરસી રહેલા અનરાધાર મેઘાને કારણે અવસરરૂપી વરસાદ આફતમાં પલટાઈ ગયો હતો જેને કારણે કચ્છનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે લોકો ફસાઈ ગયા હતા કચ્છથી પાકિસ્તાન તરફ જઇ રહેલી વરસાદની સિસ્ટમને લીધે કચ્છનાં લખપત તાલુકાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં હાજીપીર નજીક એક કંપનીમાં કામ કરી રહેલા 300થી વધુ કામદારો તેમના પરિવારજનો સાથે ફસાઈ ગયા છે તેવો મેસેજ મળતા જ પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયા પણ ભુજથી હાજીપીર તેમની ટીમ સાથે પાણીમાં ફસાઈ ગયેલાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે દોડી ગયા હતા
NDRFની ટીમ તેમજ બોટ સાથે પાકિસ્તાની બોર્ડર નજીક આવેલા હાજીપીરમાં ફસાઈ ગયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટે ગયેલા એસપી સૌરભ તોલંબિયાએ પરિસ્થિતિ નાજુક લાગતા તરત જ રાજ્ય સરકારનો સંપર્ક કરીને ઇન્ડિયન એરફોર્સની મદદથી લોકોને એરલિફ્ટ કરવા માટે કહ્યું હતુ કચ્છ કલેક્ટરને સમગ્ર સ્થિતી અંગે એસપી તોલંબિયાએ જાણ કરતા જામનગરથી ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર હાજીપીર ખાતે આવી ગયા હતા. બોટ દ્વારા મોકલાયા પછી જે લોકો બાકી રહયા હતા તેમને એરફોર્સના ચૉપરથી ચાર વખત લિફ્ટ કર્યા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.