Home Current કચ્છમાં ભારે વરસાદ બાદ ૧૦૪ ગામમાં અંધારપટ, ૩૦૦ વિજપોલ ધરાશાયી, ૭૦ ગામના...

કચ્છમાં ભારે વરસાદ બાદ ૧૦૪ ગામમાં અંધારપટ, ૩૦૦ વિજપોલ ધરાશાયી, ૭૦ ગામના રસ્તાઓનું ધોવાણ, રેલ વ્યવહાર ખોરવાયો – ડૂબવાથી ૨ ના મોત

1308
SHARE
તાજેતરમાં જ કચ્છમાં પડેલા ભારે વરસાદની અસરની અસર હવે વરતાઈ રહી છે. ઠેક ઠેકાણે નુકસાન થયું છે તેનું સમારકામ હાથ ધરાયુ છે જોકે, વરસાદી પાણીએ બે ભોગ લીધા છે અબડાસાના જખૌ ગામે પિતાની નજર સામે પુત્રનું મોત નીપજ્યું છે આશીરવાંઢ ગામે ઇદનો તહેવાર મનાવીને હસણભાઈ જત અને તેમનો ૧૨ વર્ષીય પુત્ર અયુબ ગામના તળાવમાં નહાવા પડતા તેમના પુત્ર અયુબ જત નું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું તો, બીજા બનાવમાં અબડાસા તાલુકાના ઉકીર ગામના ૫૮ વર્ષીય હમીર વજીભાઈ રબારી પોતાના ખેતરેથી પાછા વળતા હતા ત્યારે વોકળામાં રહેલા પાણીમાં અકસ્માતે ડૂબી જતાં વધુ પાણી પી લેવાથી તેમનું મોત નીપજ્યું હતું.
દરમ્યાન ભારે વરસાદને પગલે કચ્છ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૭૦ જેટલા જાહેરમાર્ગો ધોવાઈ જવાથી નુકસાન થયું છે જેમાં ૬૪ રસ્તાઓ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના હોવાનું કાર્યપાલક ઈજનેર જે.એમ. સોલંકીએ અને ૬ રસ્તાઓ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ હસ્તકના હોવાનું કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલે જણાવ્યું છે ધોવાણ થયેલા રસ્તાઓમાં જિલ્લા પંચાયત હસ્તકના અબડાસાના ૧૨, ભચાઉના ૧૨, લખપતના ૧૧, ભુજના ૮, નખત્રાણાના ૭, માંડવીના ૬, રાપરના ૩, અંજારના ૩, મુન્દ્રના ૨ છે. જ્યારે સ્ટેટ રોડ પૈકી નખત્રાણા માં ૧, અબડાસામાં ૧ અને લખપત ૨ તેમ જ ભચાઉ માં ૨ છે કચ્છ જિલ્લામાં ૧૦૪ ગામોમાં અંધારપટ છવાયો છે પીજીવીએલના સર્વે મુજબ ૬ વીજ ફીડરો બંધ છે, જ્યારે પૂર્વ કચ્છમાં ૧૦૦ અને પશ્ચિમ કચ્છમાં ૨૦૦ એમ ૩૦૦ જેટલા વિજપોલ પડી ગયા છે વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામ ચાલુ છે, સૌરાષ્ટ્રમાંથી ટીમો બોલવાઈ છે, તો અન્ય તાલુકામાંથી કોન્ટ્રાક્ટરોને બોલાવીને કામ શરૂ કરી દેવાયું છે. પીજીવીએસલના કચ્છના અધિક્ષક ઈજનેર અમૃત ગરવાના જણાવ્યા પ્રમાણે ઝડપભેર પરિસ્થિતિ થાળે પડી જશે પહેલા ઘરેલુ વીજ પુરવઠો અને બાદમાં ખેતી વાડીનો વીજ પુરવઠો યથાવત થઈ જશે.
ધરાણા ગામનું તળાવ તૂટી પડતાં વોંધ ભચાઉ પાસે રેલવે ટ્રેક ધોવાઈ ગયો છે એટલે મુંબઈ, પાલનપુર, દિલ્હી અમદાવાદનો ટ્રેન વ્યવહાર શનિવારથી બંધ છે જે પૈકી ચાર દિવસ થયા ૬૦૦ મજૂરો કામે લાગ્યા હોઈ હજી એકાદ દિવસ પછી રેલવે વ્યવહાર પૂર્વવત થશે એવું પશ્ચિમ રેલવેના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું છે. જોકે, એક બાજુ અપ લાઈનનું સમારકામ પૂર્ણ થતાં ટ્રાયલ શરૂ કરી દેવાઈ છે તો, કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહની યાદી મુજબ આજે ૧૩/૮ ની ભુજ મુંબઈ વચ્ચેની ટ્રેનો રદ્દ કરાઈ છે હજી પણ મુંબઈ ભુજ વચ્ચેના રેલ વ્યવહારને શરૂ થવામાં બે દિવસ લાગી જશે એટલે પૂર્વ જાણકારી મેળવ્યા બાદ જ પ્રવાસીઓએ પ્રવાસ કરવો હિતાવહ છે.

અબડાસાના ધારાસભ્ય લોકોની વચ્ચે

દરમ્યાન અબડાસા, નખત્રાણા અને લખપતમાં પડેલા ભારે વરસાદ દરમ્યાન અને અત્યારે પણ આ વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પોતાના મતવિસ્તારની મુલાકાતે લોકોની વચ્ચે છે. તેમણે આજે નખત્રાણા તાલુકામાં સારો વરસાદ થતાં સુખપર(વી.), નાની અરલ , મોટી અરલ , ઝાલું, ગેચડો, તલ-તલવાંઢ, લૈયારી, પૈયા, મોતીચુર, છારી, વેડહાર, ફુલાય, જતાવીરા, ચરાખડા,ધામાય, દેવીસર, ભીમપર, હીરાપર , ઉલટ , ચંદ્રનગર, બીબર, ગામોની મુલાકાત લઈને થયેલ નુકસાન જેમ કે ગામડાઓને જોડતા રસ્તાઓ ડેમેજ , પુલિયાઓ તૂટેલા, થાંભલાઓ વિશે અને ખેડૂતોએ કરેલ વાવેતરમાં થયેલ નુકસાન અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત અબડાસા અને લખપતના ગામોમાં થયેલ નુકસાન સંદર્ભે પણ માહિતી મેળવી ધારાસભ્ય પી.એમ. જાડેજાએ ભુજ જિલ્લા કલેકટર, ડીડીઓ, નખત્રાણા પ્રાંત અધિકારી ઉપરાંત સંબધિત તંત્રો પાસે રજુઆત કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરવા રજુઆત કરી છે. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ મુશ્કેલી સંદર્ભે પોતે તેમની સાથે છે, એવું જણાવીને લોકોને પોતાને ફોન દ્વારા મુશ્કેલી સંદર્ભે જાણ કરવાની અપીલ કરી છે, સાથે સાથે મુશ્કેલીરૂપ આ સમયમાં ધીરજ જાળવીને વહીવટીતંત્ર ને સહયોગ આપવા અપીલ પણ કરી છે.