જયેશ શાહ. ભુજ : કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દુર કર્યા બાદ સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગુજરાત સહીત દેશભરમાં એલર્ટ આપવામાં આવેલું છે ત્યારે દેશની પ્રીમિયર ઇન્ટેલિજન્સ એજન્સી રો અંતર્ગત કામ કરતા નેશનલ ટેક્નિકલ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (NTRO)એ એલર્ટ આપતા કચ્છ સ્થિત સુરક્ષા દળો તેમજ પોલીસ તથા વિવિધ ઇન્ટેલિજન્સ એજન્સીઓ હરકતમાં આવી ગઇ છે. NTRO દ્વારા 15મી ઓગષ્ટની પુર્વ સંઘ્યાએ એક અતિ ગુપ્ત એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છની સરહદે, ખાસ કરીને દરિયાઇ સીમાએથી કોઇપણ ઘટના બનવાનો ઈશારો કરાવામાં આવ્યો છે જેને પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ) સહીત ઇન્ડિયન આર્મી, નેવી, એરફોર્સ ઉપરાંત કોસ્ટગાર્ડ અને પોલીસને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે.
બે દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા એવું એલર્ટ આપવામાં આવ્યું હતુ કે, સરકારી વાહનનો ઉપયોગ કરીને આંતકીઓ ઈન્ટિગ્રેટેડ એક્સપ્લોસિવ ડીવાઈસીસ (આઇઇડી) થકી કોઈ મોટી આંતકી ઘટનાને અંજામ આપી શકે છે આ એલર્ટ ઉપર પોલીસ કચ્છ પોલીસ તથા સુરક્ષા દળો એક્ટિવ હતા ત્યાં જ એનટીઆરઓનાં ફ્રેશ એલર્ટથી સ્થિતી વધુ નાજુક હોવાનુ માનવામાં આવી રહ્યું છે કારણ કે એનટીઆરઓ દ્વારા ઇલેટ્રોનીક તેમજ કોમ્યુનીકેશન ઉપર ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે એટલે સંભવ છે કે, કોઈ એવી વાત કે સંદેશો આંતરવામાં આવ્યો હોય જેમાંથી કચ્છ બોર્ડર કે તેની આસપાસ કોઈ મોટી હરકત કરવામાં આવનારી હોય રાષ્ટ્રીય સુરક્ષાને ઘ્યાનમાં રાખીને હાલ કોઈ બોલવા તૈયાર નથી, પરંતું એટલો ઈશારો ચોક્કસ કરવામાં આવ્યો છે કે કચ્છ બોર્ડર ઉપરથી ટૂંક સમયમાં કાંઇ પણ થઇ શકે છે.
NTRO દ્વારા આપવામાં આવેલા એલર્ટ પહેલાથી કચ્છમાં બીએસએફ ઉપરાંત આર્મી, રો, ભુજ-નલિયા એર બેઝ સહિતનાં સ્ટેશન પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે IED દ્વારા હુમલાની ટિપ્સને કારણે સુરક્ષા દળોનાં મુખ્યાલય ઉપર ખાનગી વાહનોને બહાર પાર્ક કરવાનો હુકમ કરવામાં આવેલો છે કચ્છની દરિયાઇ સીમા ઉપર થ્રી લેયર સિક્યોરિટી વ્યવસ્થાની સાથે સાથે ક્રીક એરિયામાં યુએવી દ્વારા નલિયા એરબેઝથી વાયુસેના અને બીએસએફનાં જોઈન્ટ કંટ્રોલ રૂમથી પણ સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવામાં આવી રહી છે.
કચ્છથી અડીને આવેલા પાકિસ્તાનનાં સિંધ પ્રાંત તેમજ કરાંચી અને કેટી બંદરનાં એરિયામાં હાલ કોઈ ખાસ મુવમેન્ટ નથી છતા એનટીઆરઓનાં એલર્ટને પગલે કચ્છની રણ તેમજ દરિયાઇ સીમા ઉપર ભારત ખાસ નજર રાખી રહ્યું છે.