અછતગ્રસ્ત સરહદી જીલ્લા કચ્છમાં પડેલા સંતોષકારક વરસાદને પગલે રાજય સરકારે અછત દુર કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. શુક્રવારે કચ્છની મુલાકાતે આવેલા રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભુજ ખાતે આ જાહેરાત કરી હતી. વહીવટી તંત્ર તેમજ જનપ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ પ્રકારનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. CM રૂપાણીએ અછત દરમિયાન સરકાર તેમજ કચ્છનાં વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી હતી તેની માહીતી પણ આપી હતી ત્યારબાદ જીલ્લા પંચાયતની ‘ ઇ લર્નિંગ એપ’ તથા ‘અછત વ્યવસ્થાપન માર્ગદર્શિકા’નું શ્રી રૂપાણી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતુ.
તંત્ર સાથેની મીટીંગ બાદ મીડિયા સાથે વાતચીત કરતા મુખ્યપ્રધાને અછત દરમિયાન કેવી રીતે કામગીરી કરવામાં આવી હતી તેની વિગતો આપી હતી. કચ્છમાં 178 ઘાસડેપો, એક લાખથી વધુ કાર્ડધારકોને વિવિધ માધ્યમો દ્વારા ઘાસ આપવામાં આવ્યુ હોવાનુ જણાવીને તેમણે 74 રેલ્વેગાડી દ્વારા પણ કચ્છમાં ઘાસ આપવામાં આવ્યુ હોવાનુ તેમણે ઉમેર્યું હતુ.