Home Current ભુજમાં પોલીટેક્નિક કોલેજની એક સાથે બબ્બે હોસ્ટેલનું કોંગ્રેસ પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન –...

ભુજમાં પોલીટેક્નિક કોલેજની એક સાથે બબ્બે હોસ્ટેલનું કોંગ્રેસ પ્રમુખના હસ્તે ઉદ્દઘાટન – શાસકપક્ષ અને સરકારીતંત્ર અંધારામાં

1012
SHARE
આમ તો જે પક્ષની સરકાર હોય એ જ પક્ષના આગેવાનો પ્રજાની જાહેરસેવા અને સુખાકારી માટે બનાવેલા ભવનોનું ઉદ્દઘાટન કરતાં હોય છે. પણ, આજે ભુજ મધ્યે કચ્છ જિલ્લા કોંગ્રેસે શાસકપક્ષ ભાજપ અને સરકારી તંત્રને અંધારામાં રાખીને એક સાથે બબ્બે હોસ્ટેલનું ઉદ્દઘાટન કરી નાંખતા કચ્છમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય, કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરે ભુજની સરકારી પોલીટેક્નિક કોલેજની બે હોસ્ટેલો બોયઝ હોસ્ટેલ અને ગર્લ્સ હોસ્ટેલનું ઉદ્દઘાટન કર્યું હતું. તેમની સાથે પૂર્વ સેનેટ સભ્ય ડો. રમેશ ગરવા, અશરફશા સૈયદ, ઋષિ જાડેજા, કાર્તિક પૈયી રહ્યા હતા. કચ્છ કોંગ્રેસ વતી યજુવેન્દ્રસિંહ જાડેજા અને દિપક ડાંગર દ્વારા કરાયેલા આક્ષેપ અનુસાર ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી બન્ને હોસ્ટેલોને બે વર્ષ થયા તૈયાર છે. પણ, ભાજપ સરકાર તેને બંધ રાખીને બેઠી છે. અલીગઢી તાળાને પગલે બન્ને હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી શકતા નથી. ૧૫૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ વિદ્યાર્થીનીઓ એમ કુલ ૨૫૦ છાત્રો રહીને આ બન્ને હોસ્ટેલમાં અભ્યાસ કરી શકે છે. ફર્નિચર સહિત છાત્રાલયો તૈયાર હોવા છતાં ભાજપ સરકાર અને કચ્છના ભાજપી સાંસદ, રાજયમંત્રી, ધારાસભ્યો પણ મૌન બેઠા છે. પરિણામે, છાત્રો છતી સુવિધાએ પરેશાન છે. ભુજની પોલીટેક્નિક કોલેજમાં અંદાજીત ૬૦૦ થીયે વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ બહારગામથી અભ્યાસ કરવા આવતા હોવાનો દાવો કરતા આ કોલેજના પૂર્વ વિદ્યાર્થી અને કોંગ્રેસી અગ્રણી દિપક ડાંગરે જણાવ્યું હતું કે મજબૂરીવશ વિદ્યાર્થીઓને બહાર પેંઈંગ ગેસ્ટ તરીકે વધુ રૂપિયા ખર્ચીને રહેવું પડે છે. તો, ગર્લ્સ હોસ્ટેલના અભાવે વિદ્યાર્થીનીઓ ભણવાનું પણ માંડી વાળે છે. મધ્યમવર્ગ માટે ભણતર મોંઘું કરીને સરકાર ક્રૂર મશ્કરી કરી રહી છે. જોકે, આ પૂર્વે કચ્છ જિલ્લા કોંગ્રેસે કચ્છ યુનિવર્સિટી મધ્યે તૈયાર થઈ ગયેલી હોસ્ટેલને ખુલ્લી મુકવા પ્રયાસ કર્યો હતો, પણ જે તે વખતે શાસકપક્ષ અને સરકારી તંત્ર એલર્ટ હતું. પણ, આ વખતે કચ્છ કોંગ્રેસે બે વર્ષથી તૈયાર બે હોસ્ટેલને ખુલ્લી મુકીને સરકારની તેમજ શિક્ષણતંત્રની ઘોર બેદરકારી છતી કરી છે એ કડવી વાસ્તવિકતા છે. સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલા પ્રજાના રૂપિયાનો અર્થ ન સરે અને બંધ હોસ્ટેલો ખંડીયેર બની જાય એ પહેલાં સરકાર જાગે તે જરૂરી છે. અત્યારે પોલીટેક્નિક કોલેજમાં જૂની ખખડધજ એડમીન બિલ્ડીંગમાં હોસ્ટેલ છે જેમાં માંડ ૬૦ છાત્રો રહી શકે છે. ત્યારે આ બન્ને નવી હોસ્ટેલો ઝડપભેર કાર્યરત થાય તેવું ઇચ્છીએ.

કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવામાં શા માટે નિષ્ફળ?

કોંગ્રેસનો કાર્યક્રમ લોકજાગૃતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ હોવા છતાં વરિષ્ઠ કોંગ્રેસ આગેવાનો અને ચૂંટાયેલા ધારાસભ્યો, જિલ્લા, તાલુકા, નગરપાલિકાના સભ્યો, પ્રદેશમંત્રીઓ અને અન્ય હોદ્દેદારોની ગેરહાજરી રહી. પ્રજાના પ્રશ્નો માટે વિરોધપક્ષ તરીકે કચ્છ કોંગ્રેસ પણ એક નથી થઈ શકતી એટલે જ કદાચ પ્રજાનો વિશ્વાસ જીતી નથી શકતી. અદાણી જીકે જનરલ હોસ્પિટલના પ્રશ્નો હોય, નર્મદાના પાણીની વાત હોય, પાક વીમા સહિત ખેડૂતોના પ્રશ્નો હોય, પીવાના પાણીની સમસ્યા હોય, દુષ્કાળ કે અછતના પ્રશ્નો હોય, સંકલનની રજુઆત હોય, ટ્રાન્સપોર્ટેશનના પ્રશ્નો હોય બધી જ પ્રજાને સ્પર્શતી સમસ્યાઓ હોય પણ, કચ્છ કોંગ્રેસના આગેવાનો પોતાના અલગ અલગ ચોકા બનાવીને રજૂઆતો કરે છે. આમ જૂથ અને ચોકામાં વહેંચાયેલી કચ્છ કોંગ્રેસની રજૂઆતો મોટાભાગે મીડીયામાં જ રજૂઆત બનીને સમાચાર રૂપે રહી જાય છે. તેની અસર સરકાર કે તંત્ર પર થતી નથી.