ભુજમાં શહેરી વિસ્તારમાં લોકો દ્વારા ગેરકાયદેસર દબાણો કરી જાહેર રસ્તા તેમજ દુકાનો બહાર છાપરા ઓટલા જેવા કાચા પાકા બાંધકામો કરાતાં આ દબાણોના કારણે રાહદારી વ્યકિતઓને અવર જવર અને વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાઓ કનડતી હતી. હમણાં ઘણા સમયથી ભુજમાં ગેરકાયેદસર દબાણોની પ્રવૃતિ ફુલીફાલી હતી. આ દબાણો દુર કરવા જિલ્લા કલેકટરની સુચનાને પગલે સતત ચાર દિવસથી નગરપાલીકા ભુજના ચીફ ઓફિસર, પીજીવીસીએલ, ટ્રાફિક પોલીસ વિગેરે વિભાગોની ટીંમો દ્વારા અવિરત કામગીરી ચાલુ છે. ભુજ બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ, મુંદરા રોડ ઉપર દબાણો દૂર કરાયા બાદ ચોથે દિવસે સરપટનાકા તથા ભીડનાકા વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં આજે પશ્ચિમ કચ્છના એસ.પી સૈોરભ તોલંબીયા પણ જોડાયા હતા. તેમની સાથે નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભુજના બી.એમ.દેસાઇ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ તેમજ ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેશનના પી. આઈ. એમ.એન.ચૈોહાણ તથા જીલ્લા તેમજ સીટી ટ્રાફિકના પી.એસ.આઈ. જે.એન.જાડેજા પણ કામગીરીમાં જોડાયા હતા. દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન સરપટ નાકા તથા ભીડ નાકા વિસ્તારમાં ઘણી જગ્યાએ જાતે દબાણકર્તાઓએ દબાણો દૂર કર્યા હતા તો ઘણી જગ્યાએ તંત્ર દ્વારા પણ કાચા પાકા દબાણો દુર કરાયા હતા.