Home Current ગાંધીજીની ૧૫૦મી જન્મ શતાબ્દીએ અમેરિકામાં યોજાશે ભુજના ચિત્રકારનું પ્રદર્શન – PM...

ગાંધીજીની ૧૫૦મી જન્મ શતાબ્દીએ અમેરિકામાં યોજાશે ભુજના ચિત્રકારનું પ્રદર્શન – PM મોદીના વિચારો બન્યા પ્રેરણા

426
SHARE
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી પ્રસંગે દેશની સાથે વિદેશમાં પણ ઉજવણી થઈ રહી છે. ઇન્ડિયન અમેરિકન ફ્રેન્ડશીપ કાઉન્સીલ દ્વારા અમેરિકાના ટેકસાસ મધ્યે આવેલા ‘મહાત્મા ગાંધી મેમોરિયલ પ્લાઝા’ માં મહાત્મા ગાંધીની દોઢસોમી જન્મજયંતીની ઉજવણી કરાશે. આ પ્રસંગે કચ્છના યુવા ચિત્રકાર જિગર સોની દ્વારા મહાત્મા ગાંધીજીના વ્યક્તિત્વને દર્શાવતા અલગ અલગ ચિત્રો આ પ્રદર્શનમાં મુકાશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મહાત્મા ગાંધી આજે પણ ખૂબ જ સન્માનભર્યું અને આદરપાત્ર સ્થાન ધરાવે છે. મહાત્મા ગાંધી અંગેના આ ચિત્ર પ્રદર્શન માટે ઇન્ડિયન અમેરિકન ફ્રેંડશિપ કાઉન્સિલના પ્રમુખ પ્રસાદજી થોટકુરાએ કલાકાર જિગર સોનીને પ્રોત્સાહિત કર્યા છે. કાર્યક્રમમાં ગાંધીજીના પૌત્રી ઈલાબેન ગાંધી, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેકટર, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી કલેબોરને કાર્સોન ખાસ ઉપસ્થિત રહેશે. અમેરિકા મધ્યે મહાત્મા ગાંધી ઉપર યોજાનાર ચિત્ર પ્રદર્શન તૈયાર કરનાર જિગર સોની માત્ર ૩૦ વર્ષના જ યુવાન આર્ટિસ્ટ છે. આજની નવી પેઢીના યુવાનો સુધી મહાત્મા ગાંધીના વિચારો પહોંચાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો ફાળો મહત્વનો હોવાનું માનતા જિગર સોની કહે છે કે તેમના ચિત્ર પ્રદર્શન માટે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. પોતે ત્રણ મહિનાની મહેનત દરમ્યાન બનાવેલા ચિત્રો અંગે જિગર સોની કહે છે, મહાત્મા ગાંધીની આધ્યાત્મિક પ્રતિભા, સાઉથ આફ્રિકાના સેન્ટ પીટર્સબગ સ્ટેશનેથી શરૂ થયેલી તેમની વિચારયાત્રા, દાંડી કૂચ દ્વારા મહાત્મા ગાંધીએ દર્શાવેલી અહિંસક લડતની મક્કમતા, કસ્તુરબા તેમનો પડછાયો બનીને સાથ આપતા તે અંગેના ચિત્રો બનાવ્યા છે. ૧૯ મી ઓક્ટોબરે અમેરિકામાં ચિત્ર પ્રદર્શન યોજાયા બાદ આ યુવા ચિત્રકારની ઈચ્છા દિલ્હી રાજઘાટ મધ્યે ચિત્રપ્રદર્શન યોજવાની છે. જે માટે સાંસદ વિનોદ ચાવડાને મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ સમક્ષ રજૂઆત કરવાનું તેઓ આયોજન કરી રહ્યા છે. જોકે, જિગર સોની નાની ઉંમરે અમદાવાદ, મુંબઈ, ભાવનગર અને વિદેશમાં દુબઈ મધ્યે ચિત્ર પ્રદર્શન કરી ચુક્યા છે. લાલિતકલા ક્ષેત્રે તેમણે પ્રતિષ્ઠિત રસિકલાલ પરીખ એવોર્ડ મેળવ્યો છે. કચ્છના ભુજોડી મધ્યે બનાવાયેલા  પ્રસિદ્ધ ‘વન્દે માતરમ’ મ્યુઝિયમમાં તેમના ચિત્રો છે. તેમના પિતા નવીન સોની પણ પ્રતિષ્ઠિત ચિત્રકાર છે.