વીસી, રજિસ્ટ્રાર સહિતની ખાલી જગ્યાઓ અને હંગામી કર્મચારીઓથી ચાલતી યુનિવર્સિટીથી કચ્છના ઉચ્ચ શિક્ષણને નુકસાન થતું હોવાનો આક્ષેપ
આવતીકાલે કચ્છ યુનિવર્સિટી મધ્યે આવી રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત પૂર્વે આજે કચ્છ યુનિવર્સિટીમાં કરાયેલી તાળાબંધીએ દોડધામ સર્જી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગરની આગેવાની નીચે એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોએ બપોરે ૧૨ વાગ્યે કચ્છ યુનિવર્સિટીને તાળાબંધી કરી હતી. કચ્છ કોંગ્રેસના પ્રવક્તા દિપક ડાંગરે રાજ્ય સરકાર દ્વારા કચ્છના ઉચ્ચ શિક્ષણને અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા નવ મહિના થયા કુલપતિની નિમણુંક કરાઈ નથી, બે વર્ષ થયા રજિસ્ટ્રારની નિમણુંક કરાતી નથી. યુનિવર્સિટીના સંચાલન માટેના બે મહત્વના સ્થાનો ઉપર ઇન્ચાર્જ દ્વારા વહીવટ ચલાવાય છે. પરિણામે, કચ્છના ઉચ્ચ શિક્ષણ અંગેના નીતિ વિષયક નિર્ણય લઈ શકાતા નથી. જેની અસર કચ્છના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર થાય છે. તે ઉપરાંત કચ્છ યુનિવર્સિટીમાં ૧૦૦ જેટલા હંગામી કર્મચારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે, કાયમી કર્મચારીઓ નિમાતા નથી. ગત વર્ષે પણ આ સમયે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજુઆત કરી હતી પણ શિક્ષણમંત્રી કે રાજ્ય સરકારને કચ્છના શિક્ષણને સુધારવામાં કોઈ રસ નથી. આવતીકાલે કોનવોકેશન સમારોહ છે, તેમાં ભાગ લેવા રાજ્યપાલશ્રી તેમજ શિક્ષણમંત્રી આવતા હોઈ કચ્છ કોંગ્રેસે તેમનું ધ્યાન દોરવા આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ કર્યો હતો.