ભારત-પાકિસ્તાન વચ્ચેનાં તણાવભર્યા સંબંધ અને યુદ્ધનાં ભણકારા વચ્ચે ફરીએક વાર કચ્છનાં ક્રિક એરિયામાંથી બે પાકિસ્તાની બોટ પકડાઈ છે. ગઈકાલે શુક્રવારની રાતે સરક્રિક એરિયાનાં લક્ષમણ પોઇન્ટથી આ બે બોટ મળી આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે હંમેશની જેમ આ વખતે પણ બોટમાં સવાર નાપાક તત્વો પાકિસ્તાન તરફ સરકવામાં સફળ રહ્યા હતા.
કાશ્મીરમાંથી 370મી કલમ દૂર કર્યા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે એલઓસી સહિત કચ્છ સીમાએ સતર્કતા વધારી દેવામાં આવેલી છે. તેવામાં કચ્છનાં ક્રિક એરિયાનાં સરક્રિકના લક્ષમણ પોઇન્ટથી બે પાકિસ્તાની બોટ પકડી લેવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો બોટમાંથી કોઈ જોખમી વસ્તુ મળી નથી. પરંતુ ચુસ્ત બંદોબસ્ત અને હાઈ એલર્ટ વચ્ચે કચ્છ બોર્ડરથી બોટ મળી આવતા કચ્છમાં તૈનાત સુરક્ષા દળો અને ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
રણ તથા દરિયાઇ સરહદથી જોડાયેલા કચ્છમાં બોર્ડરની સુરક્ષા અંગેની જવાબદારી બીએસએફ સંભાળી રહ્યું છે. ક્રિક એરિયામાં સુરક્ષા કરવી થોડી મુશ્કેલ છે પરંતુ હાલ જ્યારે તમામ એજન્સી એલર્ટ છે તેવામાં બોટ ક્રિક વિસ્તાર સુધી પહોંચી તે બાબત ખૂબ ગંભીર ગણી શકાય તેવામાં બીએસએફની ઇન્ટેલિજન્સ એજન્સી ‘જી’ બ્રાંચ ની ગુપ્તચર નેટવર્ક સામે આ બોટ પકડાવાથી સવાલો ઉભા થયા છે અગાઉ પણ જે બોટ ઝડપાઇ હતી તેમા પણ બોટ પર કોણ સવાર હતું તે જાણી શકાયું ન હતું તેવામાં ફરી બિનવારસુ બોટે અનેક સવાલો ઉભા કર્યા છે ચોક્કસ બોટ સુરક્ષા એજન્સીની સતર્કતા થી ઝડપાઇ છે પરંતુ બોટ માં સવાર લોકો ક્યા ઉદ્દેશ સાથે ઘૂસણખોરી માટે આવ્યા હતા તે રહસ્ય જાણવું એજન્સી માટે એક પડકાર રહેશે જો કે હાલ BSF સહિત અન્ય સુરક્ષા એજન્સીએ ઝીણવટભરી તપાસ કરી કોમ્બિગ શરૂ કર્યું છે
ત્રાસવાદીઓ ઘુસી ગયાની આશંકા વ્યક્ત થઈ ચૂકી છે
થોડા સમય પહેલા જ ભારતીય સેના તથા અન્ય એજન્સીઓ દ્વારા કચ્છના દરિયાઈ વિસ્તારથી ત્રાસવાદી ભારતમાં દાખલ થઈ ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી ચૂકી છે. પાકિસ્તાનથી બોટમાં બેસીને કચ્છ થઈને ગુજરાતમાં દાખલ થશે તેવું ઇનપુટ મળતા પોલીસ સહિત સુરક્ષા દળો દોડતા થઇ ગયા હતા.