કચ્છમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતાં આસો મહિનામાં શ્રાવણ જેવો માહોલ સર્જાયો છે. આજે બપોર પછી રાપરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો, તો ભુજમાં ભર તડકે વરસાદી માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં એક ઇંચ વરસાદ પડી ગયો હતો. આ ઉપરાંત સામખીયાળી, માધાપર, કુકમા માં જોરદાર ઝાપટાં પડ્યા હતા. મોસમના બદલાયેલા મિજાજને પગલે નવરાત્રિના અંતિમ દિવસોમાં જામેલા માહોલ વચ્ચે વરસાદે ‘વિઘ્ન’ સર્જ્યું છે. જોકે, ખેલૈયાઓ તો વરસાદી માહોલ વચ્ચેય ગરબે ઘુમવા સજ્જ છે. પણ, આયોજકોને ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીના કારણે ચિંતા છે.