કચ્છમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મુન્દ્રામાં કોંગ્રેસી કાર્યકરોએ પક્ષ પલટો કરી કરેલાં ‘કેસરિયા’ને પગલે મુન્દ્રા કોંગ્રેસ દ્વારા વિરોધ થતાં રાજકીય માહોલ ગરમાયો છે. મુન્દ્રામાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમને પગલે પોલીસ આજે સતર્ક રહી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસના મંત્રી અને મુન્દ્રા ગ્રામ પંચાયતના સભ્ય ભરત પાતારીયાએ આક્ષેપ કર્યો હતો કે તેમના સહિત અન્ય આગેવાનોને પોલીસે ઘરેથી જ અટકાયત કરી ‘નજરકેદ’ કરી લીધા હતા તો, મુન્દ્રા એસટી બસ સ્ટેશન પાસે ભાજપાના કાર્યક્રમનો કાળા વાવટા ફરકાવી સુત્રોચાર કરી સખત વિરોધ કરતા કોંગ્રેસીઓની અટકાયત કરી મુન્દ્રા પોલિસ સ્ટેશનમાં પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. નજરકેદ કરાયેલા અને અટકાયત હેઠળ રખાયેલાઓમાં કચ્છ જિલ્લા બક્ષી પંચ સેલના પ્રમુખ નારાણ ગઢવી, કચ્છ જિલ્લા મંત્રી ભરત પાતારીયા, મુન્દ્રા તા. કો. મહામંત્રી ખીમરાજ સાખરા, કચ્છ જિલ્લા મંત્રી જાવેદ પઠાણ મુન્દ્રા તાલુકા કોંગ્રેસ મંત્રી હરેશ મોથારીયા, જિલ્લા લઘુમતિ સેલ મહામંત્રી અબ્દુલ કુંભાર, મુન્દ્રા તા. મંત્રી સકુર સુમરા, મુન્દ્રા તાલુકા બક્ષીપંચ સેલ પ્રમુખ ભરત સેડા, તેમજ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના મંત્રી સર્વે ભાવનાબેન ગોર, લીનાબેન ભરાડીયા અને મુન્દ્રા તા. મહિલા કોંગ્રેસ પ્રમુખ હવાબેન ગોયલનો સમાવેશ થાય છે. મુન્દ્રા કોંગ્રેસના આગેવાનોએ પોતાના માતૃપક્ષ કોંગ્રેસને છોડીને ભાજપમાં જનારાઓનો આકરો વિરોધ કરીને આ રાજકીય પક્ષપલટાને ‘ભરતી મેળાનો તાયફો’ ગણાવ્યો હતો.