Home Current ભુજ સહિત કચ્છના જાણીતા મીઠાઈના વેપારીની વાયરલ થયેલી વીડીયો ક્લિપે સર્જિ ચકચાર...

ભુજ સહિત કચ્છના જાણીતા મીઠાઈના વેપારીની વાયરલ થયેલી વીડીયો ક્લિપે સર્જિ ચકચાર – જાણો, સોશ્યલ મીડીયામાં ફરી વળેલી ક્લિપ વિશે

10535
SHARE
કચ્છના સોશ્યલ મીડીયામાં ફરતી થયેલી જાણીતા મીઠાઈના વેપારીની વીડીયો ક્લીપે ચકચાર સર્જી છે. ન્યૂઝ4કચ્છ આ વીડીયો કલીપનું સમર્થન નથી કરતું પણ, દિવાળીના તહેવારો જ્યારે ઉપર છે, ત્યારે જાણીતા મીઠાઈના વેપારીની આ વીડીયો કલીપ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી લોકોના આરોગ્ય તેમજ સ્વાસ્થ્યની જાગૃતિ સામે અનેક સવાલો સર્જે છે. સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી આ વીડીયો કલીપ કચ્છના જાણીતા મીઠાઈના વેપારી ખાવડા મેસુક ઘરના ભુજના હોસ્પિટલ રોડ ઉપર આવેલા શો રૂમની છે. જેમાં એક ગ્રાહક આ દુકાનમાંથી ખરીદેલા ગુલાબપાકની ક્વોલિટી અંગે ગંભીર ફરિયાદ કરે છે અને ખાવડા મેસુક ઘરની ખૂબ જ જાણીતી એવી મીઠાઈ ગુલાબપાક ઉપર ફૂગ જામેલી છે અને ફૂગ વાળી મીઠાઈ ખાઈ કેમ શકાય? એવા પ્રશ્ન સાથે ગ્રાહકની ગંભીર ફરિયાદનો જવાબ આપતા ખાવડા મેસુક ઘરના યુવાન વેપારી બોક્સ પરનું લખાણ બતાવીને જવાબ આપે છે કે, અમારી દૂધની મીઠાઈ માત્ર બે દિવસમાં જ વાપરી લેવાની હોય છે. જોકે, વીડીયોમાં પહેલા વેપારીનો જવાબ થોડો રફ લાગે છે, પણ વીડીયો ઉતરે છે, એવો ખ્યાલ આવ્યા બાદ વેપારીનો સૂર થોડો નરમ બને છે. જોકે, એક ગ્રાહક તરીકે ૪૪૦ રૂપિયા કિલોના તોતિંગ ભાવ (ગામ માં સૌથી વધુ ભાવ)  ખર્ચ્યા પછી પણ જો મીઠાઈ ખાવા લાયક ન રહે તો શું સમજવું?

માવાની ક્વોલિટી અને મીઠાઈના ભાવના બિલ અંગે તપાસ કરવાની જરૂરત..

કચ્છમાં ખાવડા મેસુક ઘરનું નામ ખૂબ જ મોટું છે અને મીઠાઈના ભાવ પણ સૌથી વધુ હોય છે. ત્યારે ગ્રાહક આ દુકાનદાર પાસે ક્વોલિટીની આશા રાખે તે વ્યાજબી પણ છે. પરંતુ, અહીં સવાલ જ્યારે ક્વોલિટી અને દુકાનની શાખ સામે હોય તો ખાવડા મેસુક ઘર જેવી મોટી દુકાને તેમના દ્વારા વપરાતા માવાની ક્વોલિટી તેમજ શુદ્ધ ઘી અને અન્ય ડ્રાયફૂટ, વસાણા, મસાલાઓ અંગે ગેરન્ટેડ ચીજ વસ્તુ હોવાનું પ્રમાણ ગ્રાહકોને આપવું જોઈએ. તેમજ, દરેક ગ્રાહકને સરકારી નિયમો અનુસાર બિલ પણ આપવું જોઈએ. (ચિઠ્ઠી નહીં, પણ પાકું બિલ). તો, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ માત્ર કાગળ પર નહીં પરંતુ દરેક સ્થળ ઉપર જઈને સઘન ચેકીંગ કરવું જરૂરી છે. અમદાવાદ, રાજકોટ, સુરત સહિત રાજ્યભરમાં જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય છે, ત્યારે કચ્છમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સક્રિય બનવાની જરૂરત છે વર્તમાન સંજોગોમાં કચ્છ જિલ્લામાં ડેન્ગ્યુ સહિત વાયરલ ઇન્ફેક્શનથી માંદગીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે ખાદ્ય સામગ્રીની ગુણવત્તા પર તંત્ર કડક બને એ પણ સમયની માંગ છે

કોંગ્રેસ પ્રવક્તાએ કચ્છભરમાં ચેકીંગ માટે કરી માંગ

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા મીઠાઈના વિડિઓ બાદ કોંગ્રેસ ના પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટીએ સમગ્ર કચ્છમાં તહેવાર સમયે
ખાદ્ય સામગ્રી સાથે સંકળાયેલા દરેક મોટા વેપારીઓને ત્યાં ચેકિંગ કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસે માંગ કરી છે