શ્રીલંકા અને મલેશિયામાં ચંદ્રકો મેળવીને દેશનું, રાજયનું અને માદરે વતન કચ્છનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધારનાર ભુજની યુવતીએ રાજ્ય સ્તરે એક સાથે ત્રણ ત્રણ રમતોમાં ગોલ્ડ મેડલ મેળવવાની હેટ્રિક સર્જી છે. ભુજની નિર્મલા મહેશ્વરીએ જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાની ૬ ઠ્ઠી માસ્ટર્સ ખેલ મહાકૂદ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવવાની હેટ્રિકની સિદ્ધિ સાથે ફરી એક વાર કચ્છનું અને ભુજનું નામ રોશન કર્યું છે. નિર્મલા મહેશ્વરીએ ત્રણ અલગ અલગ રમતો ગોળા ફેંક, બરછી ફેંક અને ડિસ્ક થ્રોમાં ટોચના સ્થાને રહીને ગોલ્ડ મેડલ મેળવ્યા છે. ત્રણ અલગ અલગ રમતસ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર કચ્છની આ યુવતી હવે રાષ્ટ્રીય કક્ષાએ ચંદીગઢ મધ્યે યોજાનાર રમતોત્સવમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. નિર્મલા મહેશ્વરી કચ્છના વરિષ્ઠ અભ્યાસુ પત્રકાર ડી.વી. મહેશ્વરીના પુત્રી છે.